×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચંદ્રયાન-3ના લેન્ડિંગ અંગે કેન્દ્રીય મંત્રીએ આપી મોટી માહિતી, ઈસરોની તસવીર શેર કરી કહ્યું, ‘તૈયાર રહો…’

નવી દિલ્હી, તા.20 ઓગસ્ટ-2023, રવિવાર

આમ તો વિશ્વભરમાં ભારતનો દબદબો છવાયેલો છે, ત્યારે આ દબદબામાં બહોળો વધારો કરવા તેમજ દેશને સર્વોચ્ચ શિખરે એટલે કે છેક ચંદ્રની સપાટી સુધી જનાર ઈસરોનું મિશન ચંદ્રયાન-3ની લેન્ડિંગ થવાની ઘડીઓ ગણાઈ રહી છે. આ મિશન પર દેશ-વિદેશની પણ નજર રહેલી છે, ત્યારે ચંદ્રની સપાટીની નજીક પહોચેલું ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડર મોડ્યૂલે આજે તેના બીજા અને છેલ્લા ડી-ઓર્બિટિંગની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધી છે, જેની જાણકારી ઈસરોએ ટ્વિટર પર શેર કરી છે.

લેન્ડર મોડ્યૂલ ચંદ્રથી માત્ર 25 કિ.મી. દૂર

ઈસરોએ જણાવ્યું કે, લેન્ડર મોડ્યૂલના બીજા અને અંતિમ તબક્કામાં ફેરફાર બાદ ચંદ્રથી તેનું અંતર ઘટી ગયું છે. લેન્ડર મોડ્યૂલ ચંદ્રથી માત્ર 25 કિલોમીટર x 134 કિલોમીટર દૂર છે.

‘લેન્ડિંગ માટે તૈયાર રહે !’

ઈસરોના જણાવ્યા મુજબ  ચંદ્રયાન-3 લેન્ડર મોડ્યૂલ 23 ઓગસ્ટ-2023ના રોજ 5 વાગ્યાને 45 મિનિટે ચંદ્રની સપાટી પર ઉતરવાની સંભાવના છે. કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જિતેન્દ્ર સિંહે પણ ચંદ્રની સપાટી પર લેન્ડર મોડ્યૂલના લેન્ડિંગ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. તેમણે ટ્વિટર પર લખ્યું છે કે, ‘ચંદ્રયાન-3 મિશન: લેન્ડિંગ માટે તૈયાર રહે ! ચંદ્રયાન-3નો અંતિમ ડીબૂસ્ટિંગ ઓપરેશન લેન્ડર મોડ્યૂલ સફળતાપૂર્વક ચંદ્રની સપાટી નજીક પહોંચી ગયું છે અને તે માત્ર 25 કિમી x 134 કિમી દૂર છે.

સમગ્ર વિશ્વ સમુદાયને ફાયદો થશે : જિતેન્દ્ર સિંહ

અગાઉ કેન્દ્રીય વિજ્ઞાન અને ટેક્નોલોજી રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે, ચંદ્રયાન-3ના વિશેષ તારણો અને ઇનપુટ્સથી સમગ્ર વિશ્વ સમુદાયને ફાયદો થશે. દરેક ભારતીય અને સમગ્ર વિશ્વ તેને દરેક ક્ષણે જોઈ રહી છે અને શ્વાસ રોકી અંતિમ ક્ષણોની રાહ જોઈ રહી છે.  તેમણે જણાવ્યું હતું કે અંતરીક્ષ યાનને ચંદ્રની કક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કરાવવા માટે મિશન ચંદ્ર ઘણી સટીક રીતે કાર્યરત કરવામાં આવ્યું છે. ચંદ્રની સપાટી પર લેન્ડર વિક્રમની સફળ લેન્ડીંગ બાદ તેમાંથી નીકળનાર રોવર પ્રજ્ઞાનના ચંદ્ર પર 14 દિવસો સુધી કામ કરવાની સંભાવના છે. રોવર લાગેલા ઘણા કેમરાની મદદથી આપણે તસ્વીર લઇ શકીશું.

વિક્રમ લેન્ડર અને પ્રોપલ્શન મોડ્યુલ અલગ થઈ ગયા હતા 

ચંદ્રયાન-3ના વિક્રમ લેન્ડરે 17 ઓગસ્ટ 2023ના રોજ પ્રોપલ્શન મોડ્યુલ છોડી દીધું હતું. તે પોતે જ આગળ ચાલી રહ્યું હતું. તે અલગ રસ્તે આગળ વધ્યું. આ રીતે તે ચંદ્રની નજીક પહોંચી ગયો છે. 18 ઓગસ્ટની બપોર પહેલા, વિક્રમ લેન્ડર અને પ્રોપલ્શન મોડ્યુલ 153 કિમી x 163 કિમીની ભ્રમણકક્ષામાં હતા. પરંતુ 4 વાગ્યાની આસપાસ બંનેનો રસ્તો બદલાઈ ગયો હતો.

વિક્રમ લેન્ડરનું લક્ષ્ય આગામી સમયમાં 24 કિમી સુધી પહોંચવાનું

આ પછી, વિક્રમ લેન્ડર 113 કિમી x 157 કિમીની કક્ષામાં આવ્યું. ત્યારે તેનું અંતર ચંદ્રની જમીનથી માત્ર 113 કિલોમીટર બાકી હતું. એટલે કે વિક્રમ 113 કિ.મી.વાળા પેરિલ્યુન અને  157 કિ.મી.વાળા એપોલ્યૂનમાં હતું. પેરિલ્યુન એટલે કે ચંદ્રની સપાટીથી ઓછું અંતર. એપોલ્યુન એટલે કે ચંદ્રની સપાટીથી વધારે અંતર. હાલના સમયે વિક્રમ લેન્ડર વિરુદ્ધ દિશામાં આગળ વધી રહ્યું છે. એટલે કે તે રેટ્રોફાયરિંગ કરી રહ્યું છે. વિક્રમ લેન્ડર હવે તેની ઉંચાઈ ઘટાડવાની સાથે સ્પીડ ધીમી કરી રહ્યું છે. પહેલેથી જ તૈયારી એવી હતી કે 20 ઓગસ્ટની રાત્રે ડિબૂસ્ટ કર્યા બાદ વિક્રમ લેન્ડર ચંદ્રથી માત્ર 24થી 30 કિમીના અંતરે પહોંચે.

છેલ્લી ભ્રમણકક્ષા ક્યારે બદલાઈ હતી? 

ચંદ્રની આસપાસ ચંદ્રયાન-3ની છેલ્લી ભ્રમણકક્ષા 16 ઓગસ્ટ 2023ના રોજ બદલવામાં આવી હતી. જ્યારે લોન્ચિંગ થયું ત્યારે ઈસરોના વડા ડૉ. એસ. સોમનાથે કહ્યું હતું કે ચંદ્રયાન-3ને 100 કિલોમીટરની ગોળાકાર ભ્રમણકક્ષામાં લાવવામાં આવશે. તે પછી પ્રોપલ્શન અને વિક્રમ લેન્ડર મોડ્યુલ અલગ થઈ જશે. પણ આ વખતે એવું ન થયું. 2019માં પણ ચંદ્રયાન-2ને 100 કિમીની ગોળાકાર ભ્રમણકક્ષામાં મૂકવાની વાત થઈ હતી. પરંતુ તમામ કામ નિયત યોજના મુજબ થતા નથી.  એકવાર વિક્રમ લેન્ડરને 24 અથવા 30 કિમીની ભ્રમણકક્ષા મેળવશે, પછી ISRO માટે સૌથી મુશ્કેલ તબક્કો શરૂ થશે. એટલે કે સોફ્ટ લેન્ડિંગ.