×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વાંધાજનક પોસ્ટ કર્યા પછી માત્ર માફીથી નહીં ચાલે, સજા ભોગવવી પડશે : સુપ્રીમ


- સોશિયલ મીડિયાની અસરો ગંભીર, યુઝરોને સાવચેત રહેવા સુપ્રીમની તાકીદ

- વર્તમાન સમયમાં સોશિયલ મીડિયાનો પ્રસાર-પ્રભાવ વધ્યો છે ત્યારે અજાણતા પોસ્ટ થઈ હોવાની દલીલ સ્વીકારી શકાય નહીં

- તમિલનાડુના પૂર્વ ધારાસભ્ય શેખરે ફેસબૂક એકાઉન્ટ પરથી મહિલા પત્રકાર અંગે અપમાનજનક પોસ્ટ કરી હતી : સુપ્રીમે રાહત ન આપી

નવી દિલ્હી : સોશિયલ મીડિયા પર વર્ષ ૨૦૧૮માં એક મહિલા પત્રકાર વિરુદ્ધ કથિત રીતે વાંધાજનક પોસ્ટ કરવા બદલ તમિલનાડુના અભિનેતા-પૂર્વ ધારાસભ્ય એસ વે શેખરને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત મળી નહીં. સુપ્રીમ કોર્ટે તેની સામેનો કેસ રદ કરવાની શેખરની અરજી ફગાવતા કહ્યું કે, સોશિયલ મીડિયાનો વપરાશ કરનારે તેની અસર અને પહોંચ અંગે સાવધ રહેવું જોઈએ. વાંધાજનક, અપમાનજનક અથવા અભદ્ર પોસ્ટ કર્યા પછી માત્ર માફી માગી લેવાથી કામ નહીં ચાલે, સજા પણ ભોગવવી પડશે.

તમિલનાડુના અભિનેતા અને પૂર્વ ધારાસભ્ય એસવી શેખરે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને તેના વિરુદ્ધ દાખલ કેસ રદ કરવા માગ કરી હતી. જોકે, આ કેસમાં ચૂકાદો સંભળાવતા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બીઆર ગવઈ અને ન્યાયાધીશ પ્રશાંતકુમાર મિશ્રાની બેન્ચે મદ્રાસ હાઈકોર્ટના ૧૪ જુલાઈના આદેશ વિરુદ્ધ શેખરે દાખલ કરેલી અરજી ફગાવી દીધી હતી.

સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે વાંધાજનક પોસ્ટ કરવા બદલ આરોપીને સજા મળવી જરૂરી છે. આવા કેસોમાં માત્ર માફી માગવાથી કામ નહીં ચાલે. આવા લોકો ગુનાઈત કાર્યવાહીથી બચી શકે નહીં. બેન્ચે ઉમેર્યું કે, કોઈ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતું હોય તો તેની અસરો અને પહોંચ અંગે તેણે વધુ સાવધ રહેવું જોઈએ. પોતે અજાણતા જ કોઈ વસ્તુ પોસ્ટ કરી દીધી અથવા ફોરવર્ડ કરી દીધી તેવી દલીલ ગ્રાહ્ય રાખી શકાય નહીં. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારે તેના પરિણામ ભોગવવા પણ તૈયાર રહેવું જોઈએ.

શેખર તરફથી વકીલે દલીલ કરી હતી કે, ઘટનાની તારીખે અરજદાર શેખરે તેની આંખમાં દવા નાંખી હતી, જેના કારણે તે ચોક્કસ પોસ્ટ વાંચી શક્યો નહોતો અને પોસ્ટ કરી દીધી હતી. જોકે, સુપ્રીમ કોર્ટની બેન્ચે આ દલીલ ફગાવી દીધી હતી.

મદ્રાસ હાઈકોર્ટે ૧૯ એપ્રિલ ૨૦૧૮ના રોજ તેના આદેશમાં કહ્યું હતું કે, શેખરે તેના ફેસબૂક એકાઉન્ટ પર એક અપમાનજનક અને અશ્લિલ ટીપ્પણી પોસ્ટ કરી હતી, ત્યાર પછી ચેન્નઈ પોલીસ કમિશનર સમક્ષ ફરિયાદ નોંધાઈ હતી. હાઈકોર્ટે એ બાબતે પણ ધ્યાન આપ્યું હતું કે તમિલનાડુના અનેક વિસ્તારોમાં શેખર વિરુદ્ધ અન્ય ખાનગી ફરિયાદો પણ નોંધાઈ હતી. 

શેખરના વકીલે કહ્યું હતું કે, પૂર્વ ધારાસભ્યે શૅર કરેલી પોસ્ટ વાંધાજનક હોવાનું ધ્યાનમાં આવતા કેટલાક કલાકમાં જ તેણે પોસ્ટ હટાવી દીધી હતી અને ૨૦ એપ્રિલ ૨૦૧૮ના રોજ એક પત્ર લખીને કોઈપણ શરત વિના મહિલા પત્રકાર અને મીડિયાની માફી માગી લીધી હતી. હાઈકોર્ટે કહ્યું કે, અરજદારના ફેસબૂક એકાઉન્ટ પરથી ૧૯ એપ્રિલ ૨૦૧૮ના રોજ શૅર કરવામાં આવેલી એક પોસ્ટ ધ્યાનથી વાંચતા મહિલા પત્રકારોની છબી ખરાબ થતી હોવાનું સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ કોર્ટ અરજદારની પોસ્ટ વાંચતા પણ ખચકાઈ રહી છે, કારણ કે તે ધૃણાસ્પદ છે. આ પોસ્ટ આખા તમિલનાડુમાં પ્રેસ વિરુદ્ધ અપમાનજનક છે.

હાઈકોર્ટે કહ્યું કે, આપણે એવા યુગમાં રહીએ છીએ, જ્યાં સોશિયલ મીડિયાએ દુનિયાની દરેક વ્યક્તિના જીવન પર કબજો કરી લીધો છે. 

સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવેલ અથવા ફોરવર્ડ કરવામાં આવેલા સંદેશા થોડા જ સમયમાં દુનિયાના એક ખૂણેથી બીજા ખૂણે પહોંચી જાય છે. અરજદારે તેનું પદ જોતાં નિવેદન આપતી વખતે અથવા કોઈ પોસ્ટ કરતી વખતે વધુ જવાબદારી રાખવી જોઈએ.