×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ડુંગળીના ભાવોને અંકુશમાં રાખવા સરકારે લીધો મોટો નિર્ણય : 40% એક્સપોર્ટ ડ્યૂટી લગાવી

નવી દિલ્હી, તા.19 ઓગસ્ટ-2023, શનિવાર

છૂટક બજારમાં વધતી મોંઘવારીને રોકવા કેન્દ્ર સરકારે આજે મોટો નિર્ણય લીધો છે. સરકારે ડુંગળી પર 40 ટકા એક્સપોર્ટ ડ્યુટી લગાવવાની જાહેરાત કરી છે. આ માટે સરકારે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. નોટિફિકેશનમાં જણાવાયું છે કે, ડુંગળી પર 40 ટકા એક્સપોર્ટ ડ્યુટી લગાવાઈ છે, જે 31 ડિસેમ્બર સુધી લાગુ રહેશે.

સપ્ટેમ્બરમાં ડુંગળીની કિંમતો વધવાની ચર્ચા

દરમિયાન થોડા દિવસે પહેલા એવા અહેવાલો સામે આવ્યા હતા કે, દેશમાં સપ્ટેમ્બરમાં ડુંગળીની કિંમતો વધી જશે... 25થી 30 રૂપિયે કિલો મળતી ડુંગળી આગામી મહિને 60થી 70 રૂપિયે કિલો વેચાવા લાગશે, જેના કારણે મોંઘવારી ફરી આકાશે આંબી જશે... ત્યારે જાણકારોનું જણાવ્યા મુજબ સંભવિત મોંઘવારીને પહોંચી વળવા સરકાર અગાઉથી સતર્ક થઈ ગઈ છે. આ જ કારણે સરકારે 31 ડિસેમ્બર સુધી ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યુટી લગાવી દીધી છે.

સરકારના અગાઉના નિર્ણયથી ખેડૂતો થયા હતા નારાજ

કેન્દ્ર સરકારે ગત સપ્તાહે જાહેરાત કરી હતી કે, સરકાર બફર સ્ટોક દ્વારા ખુલ્લા માર્કેટમાં 3 લાખ ટન ડુંગળી જારી કરશે. સરકારનું માનવું છે કે, એક સાથે 3 લાખ ટન ડુંગળી માર્કેટમાં આવવાથી અછત દુર થશે... ઉપરાંત આમ કરવાથી વધતી કિંમત પર પણ અંકુશ મુકી શકાશે. જોકે સરકારના આ નિર્ણયથી ખેડૂતો નારાજ થયા છે. મહારાષ્ટ્રના ડુંગળી ઉત્પાદક ખેડૂતોએ આંદોલન કરવાની ચેતવણી આપી છે. ખેડૂતોનું કહેવું છે કે, જો સરકાર તેમનો નિર્ણય પરત નહીં ખેંચે તો તેઓ રસ્તાઓ ઉપર ઉતરી આંદોલન કરશે.

ઓગસ્ટથી જ શરૂ થઈ ગયો ડુંગળીની કિંમતમાં વધારો

સરકારના ડેટા મુજબ ડુંગળીની કિંમતોમાં વધારો ઓગસ્ટ મહિનાથી શરૂ થઈ ગયો છે. 10 ઓગસ્ટે દેશભરમાં ડુંગળીની સરેરાશ કિંમત કિલોએ 27.90 રૂપિયે પહોંચી ગઈ હતી, જે ગત વર્ષની તુલનાએ 2 રૂપિયા વધુ છે.