×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

લોકસભાની ચૂંટણી પહેલા ગઠબંધનમાં ભંગાણના એંધાણ, AAPની જાહેરાતથી 'INDIA'નું વધ્યું ટેન્શન


દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે આ ચૂંટણી માટે વિપક્ષ ગઠબંધન INDIA એક થઈ ગયું છે જેમાં આમ આદમી પાર્ટીએ પણ હાથ મિલાવ્યા છે. જો કે આ વચ્ચે ગઠબંધનમાં તકરાર સામે આવી રહી છે. દિલ્હી અને પંજાબમાં કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લેનાર AAP દ્વારા રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં તમામ બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. 

પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ગઠબંધન માટે લિટમસ ટેસ્ટ સાબિત થશે

દેશમાં આગામી વર્ષે યોજાનાર લોકસભાની ચૂંટણી પહેલા પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી ગઠબંધન માટે લિટમસ ટેસ્ટ સાબિત થશે. આ માટે તમામ રાજકીય પાર્ટીઓએ તૈયારી શરુ કરી દીધી છે ત્યારે વિપક્ષી ગઠબંધન INDIA લોકસભા ચૂંટણી માટે એકબીજા સાથે હાથ મિલાવ્યા છે જો કે આ ગઠબંધનમાં હવે ભંગાણ થાય તેવુ લાગી રહ્યું છે. આ સાથે જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે પક્ષો વચ્ચે ટક્કર પણ થશે. દિલ્હી અને પંજાબમાં કોંગ્રેસ પાસેથી સત્તા છીનવી લેનાર AAPએ હવે રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં તમામ 200 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. પાર્ટી ટૂંક સમયમાં તેમના ઉમેદવારોની જાહેરાત પણ કરવા જઈ રહી છે. 

રાજ્યમાં ત્રીજી પાર્ટીના પ્રવેશથી રાજકીય સમીકરણો બદલાઈ શકે

કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધી ટક્કર ધરાવતા રાજ્યમાં ત્રીજી પાર્ટીના પ્રવેશથી રાજકીય સમીકરણો બદલાઈ શકે છે. AAPની તમામ 200 બેઠકો પર ચૂંટણી લડવી એ કોંગ્રેસ માટે વધુ ટેન્શનનો વિષય બની શકે છે, કારણ કે દિલ્હી, પંજાબ, ગોવાથી લઈને ગુજરાત સુધી એવું જોવા મળ્યું છે કે અરવિંદ કેજરીવાલની પાર્ટીએ કોંગ્રેસની વોટ બેંક કબજે કરી છે. AAP રાજસ્થાનના પ્રદેશ અધ્યક્ષ નવીન પાલીવાલે ગઈકાલે કહ્યું કે તેમની પાર્ટી 200 બેઠકો પર વિધાનસભા ચૂંટણી લડવા જઈ રહી છે. તેમણે એમ પણ જણાવ્યું કે 22 ઓગસ્ટે રાષ્ટ્રીય સંગઠન મંત્રી સંદીપ પાઠકે દિલ્હીમાં બેઠક બોલાવી છે. ઉમેદવારોની પસંદગી કર્યા બાદ આ યાદી રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલને સોંપવામાં આવશે. તેમણે આશા વ્યક્ત કરી હતી કે 25 ઓગસ્ટ સુધીમાં 'આપ'ની પ્રથમ યાદી બહાર પાડવામાં આવશે. 

કોંગ્રેસ અને AAP પર સવાલો ઉઠી રહ્યા છે

કોંગ્રેસ અને AAP 26 પક્ષોના ગઠબંધન 'INDIA'માં સામેલ છે. પટના અને બેંગલુરુમાં યોજાયેલી બેઠકોમાં બંને પક્ષો એક મંચ પર આવી ચૂંક્યા છે. જોકે મુંબઈમાં યોજાનારી ત્રીજી બેઠક પહેલા બંને પક્ષો વચ્ચે ટક્કર પણ જોવા મળી રહી છે. દિલ્હી, પંજાબ, ગુજરાત અને રાજસ્થાન જેવા રાજ્યોમાં બંને પક્ષોના નેતાઓ એકબીજા વિરુદ્ધ ઉગ્ર નિવેદનો આપી રહ્યા છે. આ સ્થિતિમાં કોંગ્રેસ અને AAPની મિત્રતાના ભવિષ્ય પર પણ સવાલો ઉઠી રહ્યા છે.