×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

લાલુ યાદવને ફરી જેલ જવું પડશે? જામીન રદ કરાવા CBIએ સુપ્રીમકોર્ટમાં કરી અરજી, 25 ઓગસ્ટે સુનાવણી


RJD સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવની ઘાસચારા કૌભાંડ મામલામાં મુશ્કેલી વધી શકે છે. તેમને આ કૌભાંડમાં ઝારખંડ હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા હતા, ત્યારે હવે તેમને મળેલા જામીન સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી CBI દ્વારા દાખલ કરવામાં આવી છે, જેની સુનાવણી હવે 25 ઓગસ્ટે થવાની છે. 

CBIએ વહેલી સુનાવણીની માંગ કરી

CBIએ લાલુ પ્રસાદ યાદવના જામીન રદ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને વહેલી સુનાવણીની માંગ કરી છે. સુપ્રીમ કોર્ટે પણ તેની સુનાવણી કરવા સંમતિ આપી છે અને તેની સુનાવણી 25 ઓગસ્ટે થશે.  જો સુપ્રીમ કોર્ટ CBIની તરફેણમાં ચુકાદો આપે છે તો આગામી દિવસોમાં લાલુને ફરી જેલમાં જવું પડી શકે છે. ગયા વર્ષે એપ્રિલમાં RJD સુપ્રીમોને ઝારખંડ હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા. 30 એપ્રિલ 2022ના રોજ તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. ચારા કૌભાંડ સંબંધિત ડોરાન્ડા ટ્રેઝરી કેસમાં તે લગભગ ત્રણ વર્ષથી જેલમાં રહ્યા હતા.

શું છે મામલો?

ઘાસચારા કૌભાંડ વર્ષ 1990થી 1995 સુધીનું છે. આરોપ છે કે લાલુ યાદવ જ્યારે સત્તામાં હતા ત્યારે ડોરાન્ડા અને અન્ય તિજોરીમાંથી કરોડો રૂપિયા કાઢવામાં આવ્યા હતા. આ રૂપિયા ઉપાડીને પશુઓના ચારા અને અન્ય ખર્ચની નકલી વિગતો દર્શાવવામાં આવી હતી. લાલુ યાદવ પર ઘાસચારા કૌભાંડ સાથે જોડાયેલા ઘણા કેસ ચાલી રહ્યા છે. તેમાંથી પાંચ કેસમાં તેને દોષિત ઠેરવવામાં આવ્યા છે. જેના કારણે લાલુ યાદવને જેલમાં જવું પડ્યું હતું. જો કે ગયા વર્ષે એપ્રિલમાં તેમને સ્વાસ્થ્યના કારણોસર જામીન આપવામાં આવ્યા હતા. જામીન પર છૂટ્યા બાદ લાલુએ ડિસેમ્બરમાં સિંગાપોરમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ પણ કરાવ્યું હતું.