×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO: જામનગરમાં જાહેર કાર્યક્રમમાં MLA રીવાબા, સાંસદ પૂનમબેન અને મેયર વચ્ચે બોલાચાલી, મામલો દિલ્હી પહોંચ્યો



જામનગરઃ ભાજપમાં પત્રિકા કાંડ બાદ હવે ધારાસભ્ય રિવાબા ચર્ચામાં આવ્યાં છે. શહેરના લાખોટા તળાવ ખાતે મેરી મીટ્ટી મેરા દેશના કાર્યક્રમમાં ધારાસભ્ય રિવાબા જાડેજા, મેયર અને સાંસદ વચ્ચે બોલાચાલી થઇ હોવાની ઘટના સામે આવી છે. ધારાસભ્ય રિવાબા જાડેજાએ શહેરના મેયરને કહ્યું કે, ઓકાતમાં રહેજો અને વધુ સ્માર્ટ ન બનતા, આની પાછળ તમે છો. આ રકઝક થતાં જ જામનગર ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. સમગ્ર બોલાચાલીનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. 

મારી માટી મારો દેશ કાર્યક્રમમાં રકઝક શરૂ થઈ

જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મારી માટી મારો દેશનો કાર્યક્રમ શહેરના લાખોટા તળાવ ખાતે યોજવામાં આવ્યો હતો.કાર્યક્રમ સમયે ભાજપમાં અંદરો અંદર જ્વાળામુખી સ્વરૂપે ચીંગારી જાગી હતી. જામનગરના સાંસદ અને ધારાસભ્ય રિવાબા જાડેજા વચ્ચે આંતરિક ખેંચતાણ જોવા મળી હતી. જાહેર કાર્યક્રમમાં જ ધારાસભ્યએ મેયર અને સાંસદને ખખડાવતાં ભાજપમાં ખળભળાટ મચી ગયો છે.કાર્યક્રમ'માં ધારાસભ્ય રિવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારી વચ્ચે જાહેરમાં રકઝક થતાં  શહેર પ્રમુખ અને નેતાઓ મામલો થાળે પાડવા વચ્ચે પડ્યા હતા. 



રિવાબાએ સાંસદ પૂનમ માડમને ખખડાવી નાંખ્યા

જોકે, કઈ બાબતે ધારાસભ્ય અને મેયર વચ્ચે બોલાચાલી થઈ તે હજુ સુધી સામે આવ્યું નથી.  આ મામલામાં સાંસદ પૂનમ માડમે દરમિયાનગીરી કરતા રિવાબા જાડેજાએ સાંસદ પૂનમ માડમ પર પણ ગુસ્સો ઠાલવ્યો હતો.ધારાસભ્ય રિવાબાએ પૂનમ માડમને કહ્યું હતું કે, 'સળગાવવા વાળા તમે જ છો એટલે હવે ઠારવાનો પ્રયાસ ન કરો'. આ દરમિયાન શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરાએ ધારાસભ્ય રિવાબા જાડેજાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. આ ઘટનાના પ્રત્યાઘાત ગાંધીનગર અને દિલ્હી સુધી પડ્યાં છે. 

જામનગર શહેર ભાજપના રાજકારણમાં ખળભળાટ

આ લડાઈ વખતે સાંસદ પૂનમબેન માડમ પણ હાજર રહ્યા હતા અને વડીલની ભૂમિકા ભજવીને મામલો શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો.જોકે રીવાબાએ સાંસદને પણ વડીલની ભૂમિકા સારી રીતે નિભાવો એવું કહ્યું હતું. ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, શહેર ભાજપના પ્રમુખ વિમલભાઈ કગથરા જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ વગેરેએ દરમિયાનગીરી કરી હતી, અને મામલો શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારબાદ ધારાસભ્ય રિવાબા જાડેજા કાર્યક્રમ પૂર્ણ કરીને કાર્યક્રમના સ્થળ પરથી નીકળ્યા હતા.જામનગર શહેર ભાજપના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી માથાકુટો ચાલી રહી છે. પરંતુ આજે મામલો ચરમશીમાએ પહોંચ્યો હતો અને જાહેરમાં ઓકાત દેખાડવાની વાતો થઈ અને સમગ્ર ઘટના અનેક મીડિયા કર્મીના કેમેરાઓમાં પણ કેદ થઈ હતી.જામનગર શહેર ભાજપના વર્તુળમાં ભારે હલચલ મચી ગઈ છે અને આ પ્રકરણના પડઘા છેક ગાંધીનગર અથવા દિલ્હી સુધી પહોંચે તેમ પણ મનાઈ રહ્યું છે.