×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

બિહાર : દરોડા પાડવા ગયેલી પોલીસ પર આડેધડ ફાયરિંગ, માથામાં ગોળી વાગતા અધિકારીનું મોત

સમસ્તીપુર, તા.15 ઓગસ્ટ-2023, મંગળવાર

બિહારના દલસિંહસરાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં દરોડા દરમિયાન પોલીસ પર આડેધડ ફાયરિંગ કરવાની ઘટના સામે આવી છે. 8થી 10 બદમાઓએ તેમના પર ફાયરિંગ કર્યું છે. ગોળીબારમાં પોલીસ અધિકારીને માથામાં ગોળી વાગતા મોત થયું છે. સમસ્તીપુરમાં જિલ્લાના મોહનપુરના ઓપી સ્ટેશન ઈન્ચાર્જ નંદ કિશોર યાદવને ગોળી વાગતા તેમને ગંભીર હાલતમાં દલસિંહસરાય સબ-ડિવિઝનલ હોસ્પિટલ ખસેડાયા હતા, જોકે તેમનું સારવાર દરમિયાન મોત થયું છે.

ભેંસ ચોરી કરતી ગેંગ પર કાર્યવાહી દરમિયાન બની ઘટના

ઉલ્લેખનિય છે કે, મોહનપુરના ઓપી પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ભેંસ ચોરીની ઘટનાઓ સામે આવી છે, જેની તપાસ બાદ જાણવા મળ્યું કે, નાલંદાની એક ગેંગ આ ભેંસ ચોરીની ઘટનાઓને અંજામ આપી રહી છે. આ મામલે કાર્યવાહી કર્યા બાદ સ્ટેશન ઈન્ચાર્જ નંદ કિશોર યાદવે ઘણી ભેંસો પણ કબજે કરી હતી.

ચોરોની ધરપકડ કરી પરત ફરી રહ્યા હતા નંદ કિશોર યાદવ

એસપી વિનય તિવારીએ કહ્યું કે, ગઈકાલે રાત્રે સ્ટેશન ઈન્ચાર્જે દરોડા પાડી 3 ચોરોની ધરપકડ કરી અને કેટલીક ભેંસો જપ્ત કરી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન સ્ટેશન ઈન્ચાર્જને કેટલાક ચોરો દલસિંહસરાયમાં છુપાયા હોવાની માહિતી મળતા તેઓ દરોડા પાડવા ગયા હતા.

લગભગ 10 બદમાશોએ અંધારામાં કર્યું ફાયરિંગ

જ્યારે સ્ટેશન ઈન્ચાર્જ દરોડા પાડવા ગયા ત્યારે ત્યાં 10 બદમાશોએ અંધારામાં આડેધડ ફાયરિંગ શરૂ કરી દીધું હતું, જેમાં નંદ કિશોર યાદવના માથામાં ગોળી વાગી હતી. આ દરમિયાન પોલીસ કર્મચારીઓ તેમને તુરંત દલસિંહસરાય હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ડોક્ટરોએ હાલત ગંભીર હોવાનું જણાવતા તેમને બેગૂસરાય રિફર કરવામાં આવ્યા હતા. જોકે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું....

સમસ્તીપુરના પોલીસ અધિક્ષક વિનય તિવારીએ કહ્યું કે, 3 કથિત પશુ તસ્કરો કસ્ટડીમાં લેવાયા છે. તેના અન્ય સાથીદારોને પકડવા દલસિંહસરાય એસડીપીઓ દિનેશ પાંડેના નેતૃત્વમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.