×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : ઉત્તરાખંડમાં આફત, મદ્મહેશ્વર ધામમાં ફંસાયા 350 શ્રદ્ધાળુઓ, દોરડાની મદદથી 25 લોકોનું કરાયું રેસ્ક્યુ

રુદ્રપ્રયાગ, તા.15 ઓગસ્ટ-2023, મંગળવાર

ઉત્તરાખંડના મદ્મહેશ્વર ધામમાં 350 શ્રદ્ધાળુઓ ફસાયા હોવાના અહેવાલો મળ્યા છે. હાલ અહીં પુરજોશમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. અહીં બણતોલીમાં પુલ તુટી ગયો છે, જેના કારણે આ શ્રદ્ધાલુઓ ત્યાં અટવાઈ ગયા છે. હાલ મળતા અહેવાલો મુજબ અત્યાર સુધીમાં 25 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. બીજીતરફ શ્રદ્ધાલુઓ આક્ષેપ કરી રહ્યા છે કે, તેમના માટે ખાવા અને પીવાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, જેના કારણે તેઓ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ઉપરાંત સ્થાનિક દુકાનદારો પાસેથી પણ રાશન પુરુ થઈ ગયું છે.

હવામાન ખરાબ હોવાથી રેસ્ક્યુમાં સમસ્યા સર્જાઈ

બણતોલીમાં ભારે વરસાદના કારણે ત્રણ દિવસ પહેલા પુલ તુટી ગયો હતો, ત્યારબાદ અહીં લગભગ 350થી વધુ શ્રદ્ધાળુો ફસાયા છે અને તેઓ સતત તંત્રને મદદ કરવાની વિનંતી કરી રહ્યા છે. આ શ્રદ્ધાળુઓમાં એક મહિલા સગર્ભા હોવાનું પણ સામે આવ્યું છે. હવામાન ખરાબ હોવાથી રેસ્ક્યુમાં સમસ્યા સર્જાઈ રહી છે. આવી સ્થિતિમાં શ્રદ્ધાળુઓ જંગલમાં ભટકવા મજબુર બન્યા છે.

મધુ ગંગા નદીનું જળસ્તર વધ્યું, વધુ એક પુલ તુટવાની સંભાવના

મદ્મહેશ્વર ખીણ પાસે ગ્રામ પંચાયત ગૌંડાર ગામ આવેલું છે. ગૌંડાર ગામથી મદ્મહેશ્વર સહિતના ધામ સુધી પહોંચવા માટે એક માત્ર રસ્તો બણતોલીનો પુલ હતો, જે મૂશળધાર વરસાદ અને ધસમસતા આવેલા પાણીના કારણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. પુલ તુટવાના કારણે અહીં મદ્મહેશ્વર ધામ સહિતના યાત્રાધામોનો સંપર્ક ગૌંડાર ગામથી તુટી ગયો છે. અહીંના યાત્રાધામો પર સેંકડો પ્રવાસીઓ ફસાઈ ગયા છે. અહીં મૂશળધાર વરસાદના કારણે મધુ ગંગા નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. મધુ ગંગા નદીના જળસ્તરમાં વધારો થતાં જુગાસુ પર બનેલો અન્ય એક પુલ પણ તુટવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ખરાબ હવામાનના કારણે હેલીથી રેસ્ક્યુ અટક્યું, દોરડાની મદદ લેવાઈ

ઉખીમઠ એસડીએમ જિતેન્દ્ર વર્માએ કહ્યું કે, હવામાન ખરાબ હોવાના કારણે હેલી દ્વારા રેસ્ક્યૂ કરવામાં મુશ્કેલી પડી રહી છે. યાત્રાળુઓ અને સ્થાનિક લોકો માટે ખાવા-પીવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમણે શ્રદ્ધાળુઓને કહ્યું કે, તેઓ જંગલમાં ભટકવાના બદલે મદ્મહેશ્વર મંદિર પાસે જ રહે. અહીં મંદિર સમિતિ દ્વારા ખાવા-પીવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, હવામાન સ્વચ્છ થયા બાદ હેલીથી રેસ્ક્યુ કરવામાં આવશે. હાલ દોરડાના સહારે શ્રદ્ધાળુઓને નિકાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અત્યાર સુધી 25 લોકોને સુરક્ષિત બહાર કઢાયા છે. સ્થળ પર આઈટીબીપી, એનડીઆરએફ, એસડીઆરએફ સહિત સ્થાનિક પોલીસ ટીમ પણ ઉપસ્થિત છે.