×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, દિલ્હીમાં પૂરનો ખતરો, બિહારમાં આકરી ગર્મીની ચેતવણી


ગુજરાત સહિત દેશમાં અનેક રાજ્યોમાં મેઘતાંડવ યથાવત છે અને અવિરત વરસાદ વરસી રહ્યો છે જેના પગલે નદી, નળા તેમજ ડેમ છલકાયા છે. દેશની રાજધાની દિલ્હી સહિત પહાડી તેમજ મેદાની વિસ્તારોમાં ભયાનક વરસાદના પગલે મોટા પાયે તારાજી સર્જાઈ છે. ગઈકાલે પણ અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસ્યો હતો અને હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં ભૂસ્ખલનની ઘટના બની હતી ત્યારે શિમલા અને કુલ્લુમાં વાદળ ફાટવાના કારણે ત્રણ લોકો લાપતા થયા હતા તેમજ બે લોકોની ભૂસ્ખલનને કારણે મોત થયા હતા.

અનેક રાજ્યોમાં વરસાદને લઈ એલર્ટ

હવામાન વિભાગે આજે અનેક રાજ્યોમાં એલર્ટ આપ્યુ છે જેમા મહારાષ્ટ્રના રાયગઢ અને પાલઘરમાં ઓરેન્જ એલર્ટ આપ્યુ છે. મહારાષ્ટ્રના રાયગઢમાં ભૂસ્ખલનમાં થયાના ત્રણ દિવસથી લોકોને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે. કાટમાળમાંથી અત્યાર સુધીમાં 27 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. અને વહીવટીતંત્રનું કહેવું છે કે 78 લોકો હજુ પણ દટાયા હોવાની આશંકા છે. તો બીજી તરફ યમુનાનું જળસ્તર ફરી એકવાર વધતા દિલ્હીમાં ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ સાથે જ જમ્મુ- કાશ્મીરમાં ભારે વરસાદ પડવાને કારણે ચેનાબ નદીમાં પૂરના આવ્યુ હતું જેમાં 105 લોકો ફસાયા હતા જેનું રેસ્ક્યું કરવામાં આવ્યુ હતું. તો બીજી તરફ ગુજરાતમાં નવસારી, ગીર સોમનાથ અને જૂનાગઢમાં અને અમદાવાદમાં ભારે વરસાદ વરસ્યો હતો. ગઈકાલે જૂનાગઢમાં આભ ફાટ્યું હતું અને અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.

ઉત્તરાખંડમાં આપત્તિ જેવી સ્થિતિ

ઉત્તરાખંડમાં અવિરત વરસાદને કારણે ખીણમાં તબાહી સર્જાઈ છે. ચિંતાની વાત એ છે કે મુશળધાર વરસાદને કારણે નદીઓ ખતરાના નિશાનની નજીક પહોંચી ગઈ છે. ઉત્તરકાશી જિલ્લામાં ભારે વરસાદને કારણે મકાનો અને દુકાનોને નુકસાન થયું છે. આ સિવાય વીજ પોલ તૂટવાથી અનેક ગામો અંધારપટ છવાઈ ગયા છે. અવિરત વરસાદથી થયેલા ભૂસ્ખલનને કારણે ઘણા નેશનલ હાઈવે બંધ ધોવાઈ જતા બંધ કરવામાં આવ્યા છે.

લદ્દાખમાં વાદળ ફાટ્યું

કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખમાં આભ ફાટતા અચાનક પૂર આવ્યું હતું, જેના કારણે મુખ્ય બજાર વિસ્તારમાં કાટમાળ વહી ગયો હતો અને સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. જો કે રાહતના સમાચાર છે કે કોઈ જાન-માલના નુકસાન થયુ નથી. અધિકારીઓએ જણાવ્યું હતું કે કેન્દ્રશાસિત પ્રદેશના ગંગલ્સ વિસ્તારમાં વાદળ ફાટ્યું હતું અને લેહ શહેરના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા.

હિમાચલમાં ભારે વરસાદ

હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. શિમલા જિલ્લાના કોટખાઈના બાગ ડુમૈહર પંચાયતમાં એક ઘર ભૂસ્ખલનથી ધસી પડતાં નેપાળી મૂળના બે વ્યક્તિઓના મોત થયા હતા. બીજી તરફ, લૈલા ખાડે રોહરુમાં મોડી રાત્રે એક વાગ્યે વાદળ ફાટવાને કારણે તબાહી મચાવી હતી અને પૂરમાં ઢાબા સહિતનું એક ઘર ધોવાઈ ગયું હતું. આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ લોકો લાપતા છે.

દિલ્હીમાં ચેતવણી જાહેર

રાજધાની દિલ્હીમાં યમુના નદીમાં વધતા જળસ્તર વચ્ચે હવામાન વિભાગની આગાહીએ દિલ્હીવાસીઓના ચિંતામાં વધારો કર્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે મહત્તમ તાપમાન 37 અને લઘુત્તમ તાપમાન 29 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના છે. આગામી છ દિવસ સુધી ઝરમર વરસાદ પડવાની સંભાવના છે. આ દરમિયાન દિલ્હીમાં યમુના નદી હવે ખતરાના નિશાનને પાર કરી ગઈ છે. આજે સવારે 6 વાગ્યે જૂના યમુના બ્રિજ પર પાણીનું સ્તર 205.75 મીટર નોંધાયું હતું. દિલ્હીમાં યમુનાનું ખતરાનું નિશાન 205.33 મીટર છે.

બિહારમાં વિપરીત પરિસ્થિતિ

દેશમાં એક તરફ ઉત્તરથી દક્ષિણ તરફ ભારે વરસાદે લીધે જનજીવનને મુશ્કેલીમાં મુકી દીધું છે. બીજી તરફ બિહારમાં સ્થિતિ બિલકુલ વિપરીત છે. બિહારમાં આગામી 24 કલાક અત્યંત સંવેદનશીલ હોવાનું કહેવાય છે. હવામાન વિભાગ તરફથી મળેલી માહિતી મુજબ આગામી 24 કલાકમાં આકરી ગરમી પડવાની છે. આ સિવાય કેટલાક સ્થળોએ હળવા ઝરમર ઝરમર વરસાદની પણ શક્યતા છે.