×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

નવસારી અને જૂનાગઢમાં મેઘતાંડવ, છેલ્લા 24 કલાકમાં 246 તાલુકામાં વરસાદ, બે જિલ્લામાં રેડ એલર્ટ


રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજાએ અનેક જિલ્લાઓમાં ધબધબાટી બોલાવી છે જેમા સૌથી વધુ જૂનાગઢ, નવસારી અને દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યું છે. ગઈકાલે જૂનાગઢમાં આભ ફાટ્યું હતું અને પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયુ હતું અનેક ગાડીઓ રમકડાની માફક તણાય હતી તો મકાનોમાં પાણી ઘૂસી ગયા હતા તેમજ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા જેના પગલે રાજ્યના મુખ્યમંત્રીએ તેમના તમામ કાર્યક્રમો રદ્દ કરી નાખ્યા હતા અને જૂનાગઢની સ્થિતિ અંગે તાગ મેળવ્યો હતો. આ સિવાય અમદાવાદમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો.



રાજ્યના 246 તાલુકમાં વરસાદ

ગઈકાલે મેઘરાજાએ અમદાવાદને ઘમરોળી દીધું હતું અને ધોધમાર વરસાદના પગલે ઠેર-ઠેર પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. અમદાવાદમાં ગઈકાલે સરખેજ, પ્રહલાદનગર, પકવાન, રામદેવનગર, થલતેજ,શ્યામલ,ગોતા, પાલડી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. આ સાથે જ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 246 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમા સૌથી વધુ નવસારીમાં 12 ઇંચથી વધારે વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત જૂનાગઢમાં પોણા 10 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય સુરેન્દ્રનગર શહેરનો ધોળીધજા ડેમ 90 ટકા ભરાતા 14 ગામોને એલર્ટ કરાયા હતા. જૂનાગઢમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં NDRFની 6 ટીમો દ્વારા પૂરના પાણીમાં ફસાયેલા 4 લોકોને બચાવાયા હતા જ્યારે 54 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.

આજે અનેક જિલ્લાઓમાં એલર્ટ

હવામાન વિભાગે ભારે વરસાદની આશંકાને ધ્યાનમાં રાખી રાજ્યના 2 જિલ્લામાં રેડ એલર્ટ, 5 જિલ્લામાં ઓરેંજ એલર્ટ તો 7 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 24 જુલાઇથી વરસાદનું જોર ઘટી શકે છે. અતિ ભારે વરસાદની શક્યતાને પગલે હવામાન વિભાગે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બીજી બાજુ કચ્છ, જૂનાગઢ, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી સહિત અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.  તેની સાથે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સૂરત, નવસારી, આણંદ અને વડોદરામાં યલો એલર્ટ જાહેર કરાયું છે.