×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જૂનાગઢ જળબંબાકાર, નવસારીમાં આભ ફાટયું


- ગીરનારમાં ઉત્તરાખંડ જેવા દ્રશ્યો, પર્વતો ઉપર 16 ઈંચ : નવસારીમાં 12 ઈંચ વરસાદ 

- ભારે વરસાદથી જૂનાગઢમાં કારો તણાઇ : જુનાગઢમાં લોકો ઘર પાસે ફસાયા,શેરી પણ ઓળંગી ન શકે તેવું પૂર ફરી વળ્યું  

- રાજ્યમાં વરસાદની જોખમી પેટર્ન, વરસ્યો ત્યાં ટૂંકા સમયમાં અતિશય ધોધમાર

- ચિત્તલમાં 3 કલાકમાં 10 ઈંચ

- સૌરાષ્ટ્રના ખંભાળિયા, વિસાવદર 7 ઈંચ, મેંદરડા, વલ્લભીપુર 6, મહુવા, બોટાદ, કેશોદ,વંથલીમાં અનરાધાર 5 ઈંચ 

- ને.હા.ને. 48 પર કેડસમા પાણી ભરાતા વાહન વ્યવહાર ખોરવાયો ઘરોમાં 5 ફૂટ પાણી ભરાયા 

- નવસારીમાં ગેસ એજન્સીના ગોડાઉનની કમ્પાઉન્ડ વોલ તુટી જતા 350 થી વધુ સિલિન્ડર તણાઇ ગયા

રાજકોટ/સુરત :ગ્લોબલ વોર્મિંગની અસર મહત્તમ વર્તાઈ રહી હોય તેમ ઓણ સાલ મેઘરાજા જ્યાં વરસે છે ત્યાં આભ ફાટયું હોય તેમ અતિશય ભારે વરસાદ વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં આજે પણ ભારે વરસાદ જારી રહ્યો હતો. ગીરનારની ગોદમાં વસેલા જુનાગઢમાં ધોધરૂપે ૧૨ ઈંચ અને દાતાર-ગીરનાર પર્વત ઉપર આશરે ૧૬ ઈંચ વરસાદથી આ ઐતિહાસિક નગર આજે કમરસમાણા અને ધોધમાર વહેતા પાણીમાં ડુબ્યું હતું. બીજી તરફ નવસારીમાં સવારે ૧૦થી ૧૨ બે કલાકમાં ધોધમાર ૯ ઈંચ સહિત રાત્રિ સુધીમાં ૧૨.૫૦ ઈંચ,જલાલપોરમાં ૧૧ ઈંચ, ખેરગામમાં ૭ ઈંચ સહિત જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસ્યો હતો અને અમદાવાદમાં સાંજે ૬ સુધી ઝીરો વરસાદ બાદ રાત્રે ૮ વાગ્યા સુધીમાં માત્ર બે કલાકમાં અનરાધાર ૪ ઈંચથી વધુ વરસાદ વરસી ગયો હતો. રાજ્યમાં હજુ આગામી ૩ દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આજે દિવસ દરમિયાન ૨૨૧ તાલુકામાં વરસાદ પડયો હતો, જેમાં ૧૦૦ તાલુકામાં ૧ ઈંચથી વધુ વરસાદ હતો.

જુનાગઢમાં સવારે ૧૦ વાગ્યે શરુ થયેલો વરસાદ બે વાગ્યા સુધીમાં ૪ ઈંચ વરસી ગયા બાદ માત્ર બે કલાકમાં ૬ ઈંચ પાણી વરસી ગયું અને ત્યારબાદ વધુ બે ઈંચ  વરસાદથી આખુ શહેર પાણીમાં ગરક થયું હતું. શહેરમાં આવવા જવાના ચોતરફ રસ્તા બંધ થઈ ગયા હતા. પૂરનું જોર એટલું હતુ કે રાયજીબાગ,રાજલક્ષ્મીપાર્ક સહિત લત્તામાં વજનદાર મોટરકારો  મુખ્ય માર્ગો,શેરીમાં જ તણાવા લાગી હતી. અનેક ભેંસો સહિત પશુઓ પાણીમાં તણાતા હોવાના દ્રશ્યો વાયરલ થયા હતા. નાગરિકો શેરી ઓળંગીને આવેલા ઘરે જવું પણ મૂશ્કેલ બની ગયું હતું.

ચોમાસાના એક માસમાં જ જ્યાં મોસમનો ૧૨૫ ટકા વરસાદ વરસી ગયો છે તે જુનાગઢ જિલ્લામાં આ ઉપરાંત મેંદરડા અને વિસાવદરમાં મુશળધાર ૭ ઈંચ, મેંદરડામાં ૬ ઈંચ, કેશોદ અને વંથલી તાલુકામાં ૫ ઈંચ ,માણાવદર, ભેસાણમાં ૨ ઈંચ સહિત સમગ્ર જિલ્લામાં વ્યાપક વરસાદથી સોરઠ પંથક સતત સુપડાધારે વરસાદથી જળતરબોળ રહ્યો છે. માર્ગ વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો છે, ટ્રેન વ્યવહાર પણ ખોરવાયો છે અને ખેતરોનું ધોધમાર ધોવાણ થયું હોય લીલા દુષ્કાળની ભીતિ સર્જાઈ છે. 

 ખંભાળિયામાં આજે પણ માત્ર ૪ કલાકમાં ધોધમાર ૭ ઈંચ વરસાદથી જળબંબાકાર સર્જાયો હતો. મહાપ્રભુજીની બેઠક પાસે ગાયોને નિરણ નંખાતા ગાયો ચરતી હતી ત્યારે ચાર કલાકમાં ૭ ઈંચ વરસાદથી આવેલા પૂરમાં ગાયો,વાછરડાં,ખુંડીયો સહિત ૬ પશુઓ તણાયા હતા. પૂલ ઉપરથી પાણી પસાર થયા હતા.

અમરેલીમાં આજે ચિત્તલ,જસવંતગઢ પંથકમાં બપોરે ૧થી ૩ માત્ર બે કલાકમાં આભ ફાટયું હોય તેમ ૧૦ ઈંચ વરસાદ ખાબકતાં લોકોના ઘરમાં પાણી ઘુસ્યા હતા.  વડિયા પંથકમાં ગઈકાલે તણાયેલ એક યુવાનનો મૃતદેહ આજે ૧ કિ.મી.દૂરથી મળ્યો હતો. 

નવસારી અને જલાલપોરમાં શનિવારે સવારે આભ ફાટયું હોય તેમ સવારે માત્ર ૪ કલાકમાં જ ૧૦-૧૦ ઇંચ વરસાદ ખાબકતા અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી જોવા મળતા જનજીવન અસ્તવ્યસ્ત થયું હતુ. શહેરના તમામ માર્ગો પાણીમાં ગરક થવા સાથે લોકોના ઘરો અને દુકાનોમાં ૪ થી ૫ ફૂટ પાણી ભરાતા ભારે નુકસાન સહન કરવું પડયું હતુ.કમ્પાઉન્ડ વોલ તુટી જતાં ૩૫૦થી વધુ ગેસ સિલિન્ડરો તણાઈ ગયા હતા. નવસારી ગ્રીડ પાસે ને.હા.નં.૪૮ પર કેડસમા પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો હતો અને લાંબી લાંબી કતારો લાગી ગઇ હતી. ભારે વરસાદને કારણે પાણી ભરાતા જિલ્લામાં ૭૨ માર્ગો બંધ કરવા પડયા હતા. 

ગુજરાતમાં આ ઉપરાંત ભારે વરસાદ ભરુચના વાગરામાં ૬ ઈંચ, વડોદરાના કરજણ અને સુરતના મહુવામાં ચાર-ચાર ઈંચ, સાણંદમાં અને વાપીમાં મોડી સાંજે અઢી ઈંચ, બોટાદમાં પાંચ ઈંચ ઉપરાંત આજે ગાંધીનગરના દહેગામમાં મોડી સાંજે ૨ ઈંચ, લીંબડી, અમીરગઢ, પલસાણા, સોજીત્રા બે ઈંચ સહિત રાજ્યના કૂલ ૨૫૧ તાલુકા પૈકી ૧૩૫ તાલુકામાં રાત્રે ૮ વાગ્યા સુધીમાં ૧થી ૧૨ ઈંચ વરસાદ સહિત કૂલ ૨૨૧ તાલુકામાં વરસાદ નોંધાયો છે.

આગામી 3 દિવસ ક્યાં ભારે વરસાદની આગાહી...

રવિવાર : સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, જુનાગઢ, જામનગર, દ્વારકા, કચ્છમાં ભારેથી અતિભારે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, છોટા ઉદેપુર, મહીસાગર, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદમાં ભારે.

સોમવાર : પોરબંદર, દ્વારકા, જુનાગઢ, કચ્છ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે થી અતિભારે. આણંદ, વડોદરા, સુરત, નવસારી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં ભારે.

મંગળવાર : પોરબંદર, દ્વારકામાં ભારે થી અતિભારે. આણંદ, ભરૂચ, સુરત, જામનગર, કચ્છમાં ભારે.

નવસારી : પિતાની નજર સામે પુત્ર તણાયો

નવસારી ખાતે આઈ.એલ.ટી.સી.ની પરીક્ષા આપીને પિતા સાથે ઘરે જવા માટે નીકળેલો વીરસીંગ બોબીસીંગ લબાના (ઉ.વ.૨૧, રહે. તલોઘ, બીલીમોરા) પાણી વધારે હોવાથી રાશિ મોલની બાજુમાં આવેલી નગરપાલિકાની શોપીંગ સેન્ટરના પગથિયાના સહારે પસાર થતા હતા ત્યારે બંને પિતા-પુત્ર ધસમસતા જળપ્રવાહમાં ખાબક્યા હતા. પિતાને પકડવાનો આધાર મળતા લોકોએ તેમને સલામત બહાર કાઢ્યા હતા. પરંતુ પુત્ર વીરસીંગ લાપતા બન્યો હતો. 

આજે ક્યાં વધારે વરસાદ...

તાલુકો

જિલ્લો

વરસાદ

નવસારી

નવસારી

૧૨.૦૦

જલાલપોર

નવસારી

૧૧.૦૦

જુનાગઢ

જુનાગઢ

૧૦.૦૦

જુનાગઢ શહેર

જુનાગઢ

૧૦.૦૦

મેંદરડા

જુનાગઢ

૭.૦૦

ખંભાળિયા

દ્વારકા

૭.૦૦

વલ્લભીપુર

ભાવનગર

૬.૫૦

ખેરગામ

નવસારી

૬.૫૦

ઉમરાળા

ભાવનગર

૬.૫૦

વિસાવદર

જુનાગઢ

૬.૦૦

ગણદેવી

નવસારી

૬.૦૦

વાગરા

ભરૂચ

૫.૫૦

બોટાદ

બોટાદ

૫.૦૦

કેશોદ

જુનાગઢ

૫.૦૦

મહુવા

ભાવનગર

૪.૭૫

અમદાવાદ

અમદાવાદ

૪.૦૦


શહેર

(* સવારે ૬ થી રાતના ૮ સુધીના વરસાદના આંકડા ઈંચમાં.)