×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હી ફરી એલર્ટ : હથિની કુંડ બેરેજમાંથી અઢી લાખ ક્યુસેક પાણી છોડાયું, યમુનાનું જળસ્તર વધવાની સંભાવના

નવી દિલ્હી, તા.22 જુલાઈ-2023, શનિવાર

દિલ્હીમાં પૂરનું સંકટ આવવાના એંધાણ દેખાઈ રહ્યા છે. તાજેતરમાં જ દિલ્હીમાં આવેલા પૂરના પાણી હજુ ઓસર્યા નથી, લોકો આ ભયાનક પૂરની અસરમાંથી બહાર આવ્યા નથી, ત્યારે રાજધાનીમાં પરી પૂરનું સંકટ આવાની સંભાવના જોવા મળી રહી છે. હથિની કુંડ બેરેજમાંથી સતત પાણી છોડવાના કારણે દિલ્હી એનસીઆરમાં ફરી એકવાર પૂરનો ખતરાની સ્થિતિ સર્જાઈ શકે છે. હથિની કુંડ બેરેજમાંથી મોટાપ્રમાણમાં પાણી છોડવામાં આવતા દિલ્હીમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. 21 જુલાઈએ યમુના નદીનું જળસ્તર ખતરાના નિશાનને પાર કરી રહ્યું હતું, ત્યારે આજે શનિવારે બપોરે 3 વાગે યમુનાનું જળસ્તર ઘટીને 205.17 મીટરે પહોંચી ગયું છે, જોકે સાંજે જળસ્તરમાં ફરી વધારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

યમુના નદીમાં ફરી ધસમતો પાણીનો પ્રવાહ, દિલ્હીમાં ચેતવણી

હવામાન વિભાગની ચેતવણી અને પહાડી વિસ્તારોમાં વરસાદને જોતા હથિનીકુંડ બેરેજમાં મોટાપ્રમાણમાં પાણી પહોંચ્યું છે. અહીંથી પાણી છોડવાને કારણે યમુના નદીમાં ફરી ધસમતો પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. રવિવારે સાંજ સુધીમાં યમુનાનું જળસ્તર 206.70 મીટરે પહોંચવાની સંભાવના છે, જેને ધ્યાને રાખી સરકારે નીચાણવાળા વિસ્તારોમાં વિશેષ કાળજી રાખી રહી છે. ઉપરાંત તંત્રએ લોકોને દરિયાકાંઠાના વિસ્તારોમાંથી દૂર રહેવાની ચેતવણી આપી છે.

હથિનીકુંડમાંથી ક્યારે અને કેટલું પાણી છોડાયું

હથિની કુંડ બેરેજમાંથી શનિવારે સવારે 9 વાગ્યે 1 લાખ 47 હજાર ક્યુસેક પાણી છોડાયું હતું, જે સવારે 10 વાગ્યે વધીને 2 લાખ 9 હજાર ક્યુસેક અને સવારે 11 વાગ્યે 2 લાખ 23 હજાર ક્યુસેક પર પહોંચ્યું ગયું છે. જો આ રીતે દિવસભર પાણી છોડવામાં આવશે તો આગામી 24થી 48 કલાકમાં દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ખતરાના નિશાન (205.33 મીટર)ને પાર કરી શકે છે અને તેના કારણે રાજધાનીમાં ફરી પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.