×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યમાં વરસાદે કહેર વર્તાવ્યો! વલસાડમાં ચારેકોર પાણી-પાણી, કપરાડામાં અનરાધાર 11 ઈંચ ખાબક્યો


ગુજરાતમાં વરસાદના ત્રીજો રાઉન્ડમાં સૌરાષ્ટ્રને સૌથી વધુ ઘમરોળ્યુ છે અને અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસ્યો છે ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 130 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ 11 ઈંચ વરસાદ ખાબક્યો છે.

દ્વારકાના ખંભાળિયામાં વરસાદે સટાસટી બોલાવી

સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે જેમાં દ્વારકાના ખંભાળિયામાં વરસાદે સટાસટી બોલાવી હતી. દ્વારકાના ખંભાળિયામાં  9 ઈંચ વરસાદ નોંધાયો હતો. આ સિવાય વિસાવદરમાં 8 ઈંચ અને વલસાડના પારડીમાં 7 ઈંચ વરસાદ પડ્યો હતો. વાપીમાં નવો અન્ડરપાસ બંઘ કરાયો. વરસાદને કારણે જિલ્લાના 77 માર્ગો બંધ કરવામાં આવ્યા છે.

રાજ્યના 46 તાલુકામાં મેઘ મહેર જોવા

આજે સવારના 6 થી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 46 તાલુકામાં મેઘ મહેર જોવા મળી છે. નવસારીના ખેરગામ ખાતે 4 ઈંચ કરતા વધુ વરસાદ પડ્યો હતો. વલસાડના ધરમપુર ખાતે બે ઈંચ, વાપી ખાતે પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. બાકીના તાલુકામાં સામાન્ય છૂટક વરસાદ જોવા મળ્યો છે.


આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી 

રાજ્યમાં હજુ પણ વરસાદ ભારે આગાહી કરવામાં આવી છે જેમા 48 કલાક ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ સાથે જ આજે રાજ્યના ત્રણ જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે જેમાં ભાવનગર, વલસાડ અને દમણનો સમાવેશ થાય છે. આ સિવાય બનાસકાંઠા, સાબરકાંઠા અને અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ તેમજ રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. હવામાન વિભાગે દ્વારકા જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહી કરી છે.


 રાજ્યમાં સિઝનનો કુલ 63.22 ટકા વરસાદ

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ 24 કલાક દરમિયાન કચ્છ ઝોનમાં સૌથી વધુ 119.90 ટકા, સૌરાષ્ટ્રમાં 92.02 ટકા, ઉત્તર ગુજરાતમાં 55.97 ટકા, દક્ષિણ ગુજરાતમાં 49.82 ટકા, પૂર્વ ગુજરાતમાં 49.02 ટકા વરસાદ વરસ્યો છે જ્યારે રાજ્યમાં સિઝનનો કુલ 63.22 ટકા વરસાદ વરસ્યો છે.