×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'પોલીસે જ અમને હેવાનોને હવાલે કર્યા હતા અને પછી..' મણિપુરની પીડિતાએ સંભળાવી આપવીતી

image : IANS 


મણિપુરમાં મહિલાઓને નગ્ન કરીને પરેડ કરાવવાની ઘટનાએ સમગ્ર દેશને શરમજનક સ્થિતિમાં મૂકી દીધો છે. આ ઘટના 4 મેના રોજ બની હતી. જેનો વીડિયો બુધવારે (19 જુલાઈ) સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ પછી મણિપુર સરકાર અને પોલીસ એક્શનમાં આવી અને ઘટનાના મુખ્ય આરોપી સહિત કુલ ચાર લોકોની ધરપકડ કરી. દરમિયાન આ ઘટનાનો ભોગ બનેલી યુવતીએ પોતાની આપવીતી  સંભળાવી હતી. 

જાણો પીડિતાએ શું કહ્યું... 

પીડિતોમાંની એક મહિલાએ જણાવ્યું કે અમને પોલીસ દ્વારા જ ટોળાને સોંપવામાં આવી હતી. આ ઘટનામાં ત્રણ મહિલાઓ પર અત્યાચાર ગુજારવામાં આવ્યો. જેમાંથી એક મહિલા 20 વર્ષની છે, બીજી 40 વર્ષની છે અને ત્રીજી મહિલા 50 વર્ષની છે. મહિલાએ આક્ષેપ કર્યો હતો કે પોલીસ અમારા ગામ પર હુમલો કરી રહેલા ટોળાની સાથે હતી. પોલીસે અમને ઘરની નજીકથી ઉપાડ્યા અને ગામથી થોડે દૂર લઈ ગયા અને અમને ટોળા સાથે રસ્તા પર છોડી દીધા. પોલીસે જ અમને તે બદમાશોના હવાલે કર્યા હતા. 

મણિપુર પીડિતાએ આપવીતી  સંભળાવી

તેણે કહ્યું કે અમે પાંચ લોકો હતા. જેમાંથી બેની હત્યા કરવામાં આવી. આ પછી ટોળાએ અમારી સાથે અત્યાચાર કર્યો. પછી કોઈક રીતે અમે ત્યાંથી નાસી છૂટ્યા. તેણે એ પણ કહ્યું કે તેને આ વાયરલ વીડિયોની જાણ નથી કારણ કે અહીં ઈન્ટરનેટ ચાલતું નથી. મહિલાએ વધુમાં કહ્યું કે ભીડમાં ઘણા લોકો સામેલ હતા, પરંતુ તે તેમાંથી કેટલાકને ઓળખે છે. આમાં મહિલાના ભાઈનો મિત્ર પણ સામેલ હતો.

નગ્ન પરેડ બાદ સામૂહિક દુષ્કર્મ આચરાયું 

આ ઘટનાના વાયરલ વીડિયોમાં મહિલાઓ ભીડ દ્વારા નગ્ન પરેડ કરતી જોવા મળી રહી છે. કેટલાક લોકો બે મહિલાઓને ખેતર તરફ ખેંચી જતા અને બળજબરીથી છેડતી કરતા જોઈ શકાય છે. 18 મેના રોજ નોંધાયેલી એફઆઈઆરમાં પીડિતોએ એવો પણ આરોપ લગાવ્યો હતો કે પીડિતાઓમાં સૌથી નાની 20 વર્ષની મહિલા સાથે પણ સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યો હતો.

ટોળાએ ગામ પર હુમલો કર્યો

ફરિયાદમાં તેણે જણાવ્યું હતું કે 4 મેના રોજ તેના ગામ બી. ફેનોમ પર ટોળાએ હુમલો કર્યો હતો. લોકોના ઘરો સળગાવવામાં આવ્યા અને લૂંટફાટ કરવામાં આવી. જે બાદ તેઓ પોતાનો જીવ બચાવવા જંગલમાં ભાગી ગયા હતા. બાદમાં થોબલ પોલીસે તેમને બચાવી લીધા અને તેમને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી રહ્યા હતા, પરંતુ ટોળાએ તેમને રસ્તામાં અટકાવ્યા અને સ્ટેશનથી લગભગ બે કિલોમીટર દૂર પોલીસ કસ્ટડીમાંથી તેમને સાથે લઈ ગયા હતા.

ક્રૂરતાનો વિરોધ કરતાં પિતા-ભાઈની હત્યા

આ પછી ટોળાએ પહેલા મહિલાના પિતા અને પછી તેના ભાઈને માર માર્યો હતો. પિતા-ભાઈએ મહિલા સાથે થઈ રહેલી અત્યાચારનો વિરોધ કર્યો હતો. એટલા માટે ટોળાએ તેને નિર્દયતાથી મારી નાખ્યો. ત્યારબાદ ત્રણેય મહિલાઓને નગ્ન કરીને પરેડ કરવામાં આવી હતી. આ દરમિયાન તેમની છેડતી, દુષ્કર્મ જેવી ઘટનાઓને અંજામ અપાયો.