×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહારાષ્ટ્ર બાદ નાગાલેન્ડમાં પણ શરદ પવારને ઝટકો : તમામ 7 ધારાસભ્યો અજિત જૂથમાં સામેલ

કોહીમા, તા.20 જુલાઈ-2023, ગુરુવાર

એનસીપીના વડા શરદ પવારને મહારાષ્ટ્ર બાદ નાગાલેન્ડમાં પણ ઝટકો મળ્યો છે. નાગાલેન્ડમાં પક્ષના તમામ 7 ધારાસભ્યો અજિત પવાર જૂથમાં સામેલ થયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થયા બાદ શરદ પવારની પાર્ટી NCPના બે ભાગ પડી ગયા છે. અજિત પવાર જૂથે પક્ષ પર પોતાનો દાવો રજુ કર્યો છે. અજિત પવાર વર્તમાન મહારાષ્ટ્ર સરકારમાં ઉપમુખ્યમંત્રી છે.

નાગાલેન્ડમાં શરદ પવારનો દબદબો સમાપ્ત, અજીત પવારની એન્ટ્રી

એનસીપી અજીત જૂથના રાષ્ટ્રીય પ્રવક્તા બ્રજમોહન શ્રીવાસ્તવે જણાવ્યું કે, નાગાલેન્ડના પ્રદેશ અધ્યક્ષ વાનથુંગ ઓડિયો દિલ્હી આવ્યા હતા અને તેમણે રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ પટેલ અને સાંસદ અને મહારાષ્ટ્રના અધ્યક્ષ સુનિલ તટકરે સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે નાગાલેન્ડ NCPના 7 ધારાસભ્યો તેમના જૂથમાં જોડાવાના નિર્ણયની માહિતી આપી હતી. તેમણે 7 ધારાસભ્યો સહિત તમામ પદાધિકારીઓના સમર્થનની એફિડેવિટ પણ સોંપી હતી. પ્રફુલ્લ પટેલે વાનથુંગ ઓડિયોને આશ્વાસન આપ્યું હતું કે, તેઓ પાર્ટીને મજબૂત કરવાના તેમના પ્રયાસોમાં તેમનો સાથ આપશે. પ્રફુલ્લ પટેલે નાગાલેન્ડની રાજ્ય કારોબારી અને જિલ્લા એકમોને પણ પહેલાની જેમ કામ કરવાનું ચાલુ રાખવા સૂચના આપી છે.

નાગાલેન્ડ NCP કાર્યકારી અને જિલ્લા અધિકારીઓ પણ અજીત જૂથમાં જોડાયા

પ્રવક્તા બ્રજમોહન શ્રીવાસ્તવે જણાવ્યું કે, નાગાલેન્ડ રાષ્ટ્રવાદી પાર્ટીની સમગ્ર રાજ્ય કારોબારી અને જિલ્લાઓના પદાધિકારીઓએ ચર્ચા કર્યા બાદ નિર્ણય લીધો છે કે, તેઓ એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અજિત પવાર અને રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલના નેતૃત્વમાં કામ કરશે. આ બાબતે રાષ્ટ્રીય નેતૃત્વ (અજિત પવાર જૂથ)ને જાણ કરવા માટે નાગાલેન્ડ એનસીપીએ અધ્યક્ષ વાનથુંગ ઓડિયોને આગેવાની સોંપી હતી.