×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માતની ઘટના અંગે મુખ્યમંત્રીએ દુ:ખ વ્યક્ત કર્યુ, સહાયની કરી જાહેરાત


અમદાવાદમાં મોડી રાત્રે ઈસ્કોન બ્રિજ પર ભયાનક અકસ્માતની ઘટના બની હતી જેમાં 9 લોકોના મોત થયા છે જ્યારે 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ અકસ્માતની ઘટના અંગે રાજ્યના મુખ્યમંત્રીએ  દુઃખ વ્યક્ત કર્યું હતું. આ સાથે જ મુખ્યમંત્રીએ સહાયની જાહેરાત કરી હતી.

CMએ વ્યક્ત કરી સંવેદના

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર બનેલી અકસ્માતની ઘટના અંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવેદના વ્યક્ત કરી હતી અને તેમના સોશિયલ મીડિયા પર સહાયની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લખ્યુ હતું કે અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત રાત્રે થયેલ અકસ્માત ખૂબ દુઃખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. 4 લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાય કરશે.

ગૃહ રાજ્યમંત્રીએ આપી પ્રતિક્રિયા

અમદાવાદમાં થયેલા અકસ્માતના પગલે ગૃહ રાજ્યમંત્રીએ આજે તેમના તમામ કાર્યકમ રદ કર્યા છે આ સાથે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અકસ્માતમાં ભોગ બનનારા લોકો સામે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. શહેરમાં થયેલા ભયાનક અકસ્માત પર પોતાની પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે જવાબદાર સામે કડક પગલાં ભરવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રી અકસ્માત સ્થળે તેમજ સોલા સિવિલ હોસ્પિટલ જશે તેમજ રાજ્યના આરોગ્ય મંત્રી પણ અકસ્માતમાં ઈજાગ્રસ્તના ખબર અંતર પૂછવા અમદાવાદ સોલા સિવિલ ખાતે જશે.


કઈ રીતે બની હતી ઘટના?

અમદાવાદમાં આ ઘટના શહેરની અત્યાર સુધીની સૌથી મોટી અકસ્માતની ઘટના કહી શકાય તેમ છે જેમા એક કોન્સ્ટેબલ અને હોમગાર્ડનું પણ મૃત્યુ થયુ છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાની વિગત મુજબ ઈસ્કોન બ્રિજ પરથી થાર કાર ડમ્પરની ઘૂસી જતા ગંભીર અકસ્માત થયો હતો જેના પગલે બ્રિજ પર લોકોના ટોળા એક્ઠા થયા હતા. આ અકસ્માતની ઘટનાને પગલે પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. જો કે ગંભીર ઘટના ત્યારબાદ બની જ્યારે કર્ણાવતી ક્લબ તરફથી 160થી વધુની સ્પીડે આવતી જેગુઆર કાર અકસ્માત જોઈ રહેલા ટોળા પર ફરી વળતા 9 લોકોના મોત થયા હતા જ્યારે 15થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા હતા. હવે આ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે જેમા ઘટના કેટલી ભયાનક હતી તે દ્રશ્યો પરથી જ અંદાજો લગાવી શકાય છે.