×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહારાષ્ટ્રના CM શિંદેની વિપક્ષને ચેતવણી, કહ્યું ‘હવે એવું ના કહેતા કે સરકાર પડી જશે’

મુંબઈ, તા.17 જુલાઈ-2023, સોમવાર

મહારાષ્ટ્રમાં આજથી વિધાનસભા ચોમાસુ સત્ર શરૂ થઈ ગયું છે. દરમિયાન મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું છે કે, કોઈને ફરિયાદ કરવાની તક નહીં મળે. મોનસૂન સત્રની પૂર્વ સંધ્યાએ ટી પાર્ટી આયોજિત કરાઈ હતી. આ પછી મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી અજિત પવારે મીડિયા સાથે વાતચીત કરી. આ પછી સીએમ શિંદેએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા.

અમારી સરકાર 1 વર્ષમાં વધુ મજબૂત બની : શિંદે

મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે, કેટલીક જગ્યાએ ભારે વરસાદ થયો છે તો ક્યાંક ઓછો વરસાદ છે. બહુ ઓછા પ્રમાણમાં વાવણી થઈ છે. પ્રકૃતિનો માર ચાલુ છે. ઉત્તરમાં પૂરની સ્થિતિ છે. જ્યારે આપણે ત્યાં ઓછો વરસાદ થાય છે. પરંતુ સરકાર ખેડૂતને એકલા નહીં છોડે. એકનાથ શિંદેએ ખાતરી આપી હતી કે તેઓ ખેડૂતોની સાથે મક્કમતાથી ઊભા રહેશે. તેમણે કહ્યું, દરરોજ મીડિયામાં બતાવવામાં આવે છે કે સરકાર પડશે અને જશે. સરકાર એક વર્ષ પહેલા બની હતી. ત્યારથી લોકો એવું કહી રહ્યા છે કે સરકાર લાંબુ ચાલશે નહીં. પરંતુ સરકાર 1 વર્ષમાં વધુ મજબૂત બની ગઈ છે. એકનાથ શિંદેએ વિપક્ષને ચેતવણી આપતા કહ્યું કે, હવે એવું ના કહેતા કે સરકાર પડી જશે, નહીં તો કંઈક અલગ થશે.

મહારાષ્ટ્રમાં આજથી વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ

મહારાષ્ટ્રમાં એનસીપીમાં અંદરોઅંદર થયેલા બળવા પછી અજીત પવાર મહારાષ્ટ્ર સરકારમાં સામેલ થયા છે. મહારાષ્ટ્રમાં આજથી વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે. અજિત પવાર ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા બાદ એનડીએમાં સામેલ થઈ ગયા છે. આ પહેલા તેઓ વિપક્ષમાં હતા. હવે અજિત પવાર સામે ઘણાં પડકારો હશે અને તેમને ગૃહની અંદર વિરોધનો પણ સામનો કરવો પડી શકે છે. મહારાષ્ટ્રમાં હાલનું રાજકારણ જોતાં બંને ગૃહમાં હંગામો થવાની સંભાવના છે.