×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ફ્લાઈટમાં મોબાઈલ બ્લાસ્ટ, 140 મુસાફરોને લઈ જઈ રહેલા વિમાનનું ઉદયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ

Image - tata.com

ઉદયપુર, તા.17 જુલાઈ-2023, સોમવાર

રાજસ્થાનના ઉદયપુરમાં આજે મોટી વિમાની દુર્ઘટના ટળી હોવાના અહેવાલો મળ્યા છે. ઘટનામાં એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ યાત્રીના મોબાઈલ ફોનની બેટરીમાં બ્લાસ્ટ થવાના કારણે ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું છે. ટેકનિકલ તપાસ બાદ ફ્લાઈટને દિલ્હી તરફ રવાના કરાઈ છે. ઉડ્ડયન દરમિયાન જ ફ્લાઈટની અંદર મોબાઈલ ફોનની બેટરી ફાટવાથી મુસાફરોમાં અફરાતફરી મચવાના પણ અહેવાલો મળ્યા છે. ઉદયપુરના ડબોક એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન કેટલાક મુસાફરોને પ્લેનમાંથી નીચે ઉતારવામાં આવ્યા... ત્યાર બાદ ફ્લાઈટનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું... બધુ યોગ્ય હોવાનું ધ્યાને આવ્યા બાદ ફ્લાઈટે દિલ્હી તરફ રવાના કરવામાં આવી...

ફ્લાઈટમાં 140 મુસાફરો હતા

મળતા અહેવાલો મુજબ આ દુર્ઘટના એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર-470માં થઈ હોવાનું સામે આવ્યું છે. આ ફ્લાઈટે ઉદયપુરથી દિલ્હી માટે બપોરે 1 વાગે ટેકઓફ થઈ હતી. ફ્લાઈટ ટેકઓફ થયાના થોડી જ વારમાં પેસેન્જરના મોબાઈલ ફોનની બેટરીમાં જોરદાર વિસ્ફોટનો અવાજ આવ્યો હતો. આ ફ્લાઈટમાં કુલ 140 મુસાફરો હતા. ફોનની બેટરીનો વિસ્ફોટ એટલો જોરદાર હતો કે ફ્લાઈટમાં બેઠેલા તમામ લોકો ગભરાઈ ગયા હતા. ત્યારબાદ ફ્લાઈટનું ઉદયપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું...

ફ્લાઈટમાં મોબાઈલ બેટરી ફાટવાની પ્રથમ ઘટના

ઉલ્લેખનિય છે કે, અગાઉ પણ કેટલાક કારણોસર ઘણી વાર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. જોકે આ પહેલીવાર બન્યું છે કે, જ્યારે ફ્લાઇટની અંદર કોઈ પેસેન્જરના મોબાઈલ ફોનની બેટરી ફાટવાના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હોય... બેટરીના વિસ્ફોટને કારણે ફ્લાઈટની અંદર આગ પણ લાગવાની સંભાવના હતી.

દિલ્હીમાં ઈન્ડિગોની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ

દરમિયાન ગત મહિને જ ઈન્ડિગોની ફ્લાઈટનું IGI એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ઈન્ડિગોની ફ્લાઈટ દિલ્હીથી દેહરાદૂન જઈ રહી હતી. પ્લેનના એન્જિનમાં ખામી સર્જાઈ હતી, જેના કારણે 21 જૂને ફ્લાઈટનું ટેકઓફ થયા બાદ તુરંત ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હતું.