×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આવતીકાલથી વરસાદનો ત્રીજો રાઉન્ડ,બે રાઉન્ડમાં રાજ્યમાં સિઝનનો 52.34 ટકા વરસાદ ખાબક્યો



અમદાવાદઃ રાજ્યમાં ત્રણ સિસ્ટમની અસર થવાથી અનેક જગ્યાએ ભારે તેમજ અતિભારે વરસાદ થવાની સંભાવના છે. આવતીકાલથી વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે.તારીખ 18, 19 અને 20 અને 21 જુલાઈએ ભારે વરસાદની આગાહી કરાઈ છે. ગીર સોમનાથ, ભાવનગર,વલસાડ, નવસારી, સુરતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસ અમદાવાદમાં પણ વરસાદી માહોલ રહેશે. વરસાદની આગાહીને પગલે સોરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના આપી દેવાઈ છે. રાજ્યમાં ચોમાસના બે રાઉન્ડ પુરા થયાં છે અને સિઝનનો કુલ 52.34 ટકા વરસાદ ખાબકી ગયો છે. હવે ત્રીજા રાઉન્ડમાં વરસાદ કેવો રહેશે તેની પર ખેડૂતોની નજર છે. 

આગામી 72 કલાકમાં ભારે વરસાદ થઈ શકે છે

ગુજરાતમાં વરસાદ અંગે અમદાવાદ હવામાન વિભાગના ડાયરેક્ટ ડો. મનોરમા મોહન્તીએ મીડિયાને જણાવ્યુ છે કે, વધુ એક સિસ્ટમ એક્ટિવેટ થઈ રહી હોવાથી 18, 19 અને 20 તારીખે વરસાદની આગાહી કરાઈ છે. આ દરમિયાન ભારેથી અત્યંત ભારે વરસાદ થવાની શક્યતાઓ પણ છે. ચોમાસાના બીજા રાઉન્ડ દરમિયાન પણ લગભગ સમગ્ર ગુજરાતમાં વરસાદ રહ્યો હતો. ડો. મોહંતીએ વધુમાં જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. જ્યારે 19મીએ સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેવાની શક્યતાઓ છે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે. આગામી 72 કલાકમાં ભારે વરસાદ થઈ શકે છે. મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે. 

દાહોદ,વડોદરા, નર્મદા અને ડાંગ જિલ્લામાં સૌથી ઓછો વરસાદ 

રાજ્યમાં વરસાદના બે રાઉન્ડમાં ઝોન વાઈઝ સ્થિતિ જોઇએ તો, કચ્છમાં 112.09 ટકા, ઉત્તર ગુજરાતમાં 51.02 ટકા, મધ્ય ગુજરાતમાં 41.18 ટકા, સૌરાષ્ટ્રમાં 69.23 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 43.25 ટકા વરસાદ થયો છે.રાજ્યમાં વરસાદના બે રાઉન્ડમાં સૌથી ઓછો વરસાદ દાહોદ,વડોદરા, નર્મદા અને ડાંગ જિલ્લામાં નોંધાયો છે. જેમાં દાહોદમાં 32.33 ટકા,વડોદરામાં 35.12 ટકા, ડાંગમાં 30.70 અને નર્મદા જિલ્લામાં 33.21 ટકા વરસાદ નોંધાયો છે.જ્યારે સૌથી વધુ વરસાદની વાત કરીએ તો કચ્છમાં 112.09, અમરેલીમાં 63.73, બોટાદમાં 68.96, ગીર સોમનાથમાં 73.96, જામનગરમાં 71.06, જૂનાગઢમાં 95.27 અને રાજકોટ જિલ્લામાં 73.43 ટકા વરસાદ નોંધાયો છે. 

રાજ્યના 207 જળાશયોમાં 52.96 ટકા પાણીનો જથ્થો

રાજ્યમાં વરસાદના બે રાઉન્ડ પૂર્ણ થયાં છે. ત્યારે જળાશયોની સ્થિતિની વાત કરીએ તો, રાજ્યના 207 જળાશયોમાં 52.96 ટકા પાણીનો જથ્થો છે. ઝોન વાઈઝ સ્થિતિ જોઈએ તો, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 60.41, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 34.47 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 41.56 ટકા, કચ્છના 20 જળાશયોમાં 63.77 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 62.49 ટકા જ્યારે સરદાર સરોવરમાં 63.38 ટકા પાણીના જથ્થા સાથે રાજ્યમાં કુલ 52.96 ટકા પાણીનો જથ્થો છે.  

રાજ્યમાં 43 ડેમ હાઈ એલર્ટ પર રખાયા

રાજ્યમાં હાલમાં 90 ટકાથી વધુ પાણીનો જથ્થો હોવાથી 43 ડેમ હાઈ એલર્ટ પર રખાયા છે. જ્યારે 80 ટકાથી વધુ પાણીનો જથ્થો ધરાવતા 17 ડેમ એલર્ટ પર રાખવામાં આવ્યાં છે. 70 ટકાથી વધુ પાણીનો જથ્થો ધરાવતા 17 ડેમને વોર્નિંગ પર રખાયા છે. જ્યારે 128 ડેમમાં હાલમાં 70 ટકા જેટલું પાણી હોવાથી તેમને કોઈ પણ પ્રકારની વોર્નિંગ આપવામાં આવી નથી.