×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

PM મોદીની આગેવાનીમાં 18 જુલાઈએ દિલ્હીમાં યોજાશે NDAની બેઠક, 30 પક્ષોના સમર્થનની સંભાવના

નવી દિલ્હી, તા.16 જુલાઈ-2023, રવિવાર

કેન્દ્રની મોદી સરકાર સાથે બાથ ભીડવવા આવતીકાલથી વિપક્ષી દળોની બેંગલુરુમાં બેઠક શરૂ થશે, તો 18મી જુલાઈએ NDAની બેઠક દિલ્હીમાં શરૂ. થશે. આ માટે NDA દ્વારા અત્યાર સુધીમાં 19 પક્ષોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. દરમિયાન 2024ની લોકસભા ચૂંટણી પહેલા તમામ પક્ષો પોતાની તાકાતો વધારવામાં લાગી ગયા છે. 18 જુલાઈએ દેશમાં એનડીએ અને વિપક્ષી પાર્ટીઓ વચ્ચે મોટો રાજકીય મુકાબલો થશે. 18 જુલાઈએ એક તરફ એનડીએ અને બીજી તરફ અનેક વિપક્ષી પાર્ટીઓ પોતાની તાકાત બતાવશે. આ પહેલા એનડીએ અને વિપક્ષી પાર્ટીઓ આગામી વર્ષની સામાન્ય ચૂંટણી પહેલા પોતાની સંખ્યા વધારવામાં વ્યસ્ત છે.

નવી દિલ્હીમાં યોજાશે NDAની બેઠક

એનડીએએ મંગળવારે (18 જુલાઈ) નવી દિલ્હીમાં બેઠકની જાહેરાત કરી છે. લગભગ 30 પક્ષો ગઠબંધનને સમર્થન આપશે. તે જ સમયે 24 વિપક્ષી પાર્ટીઓ તેમના મતભેદોને દૂર કરવા અને પ્રસ્તાવ રજૂ કરવા માટે બેંગલુરુમાં બેઠક કરશે. સંસદના ચોમાસુ સત્ર પહેલા વિપક્ષી દળોએ ભાજપ વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એનડીએની બેઠકની અધ્યક્ષતા કરશે. ભાજપે ગઠબંધન ભાગીદારો, નવા સહયોગી અને કેટલાક ભૂતપૂર્વ સહયોગીઓને પણ બેઠક માટે આમંત્રણ આપ્યું છે. આ બેઠક 18 જુલાઈની સાંજે દિલ્હીની અશોક હોટલમાં થવાની છે. ઘણી અટકળો પછી પણ એન ચંદ્રબાબુ નાયડુની આગેવાની હેઠળની તેલુગુ દેશમ પાર્ટી અને બાદલ પરિવારના નેતૃત્વમાં શિરોમણી અકાલી દળ એનડીએનો ભાગ બનશે નહીં. સૂત્રોનું કહેવું છે કે ભાજપ આ પક્ષો સાથે ગઠબંધન નહીં કરે. તે પંજાબમાં એકલા લડશે અને આંધ્ર પ્રદેશમાં પવન કલ્યાણની જનસેના પાર્ટી સાથે જોડાણ કરવાનો પ્લાન બનાવી રહી છે.

હાલ NDA ગઠબંધનમાં 24 પક્ષો

હાલ NDA ગઠબંધનમાં 24 પક્ષો છે, જેમાં ભાજપ, AIADMK, શિવસેના (એકનાથ શિંદે જૂથ), એનપીપી (નેશનલ પીપલ્સ પાર્ટી), એનડીપીપી (નેશનલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી), એસકેએમ (સિક્કિમ ક્રાંતિકારી મોરચા), જેજેપી (જનનાયક જનતા પાર્ટી), IMKMK (ભારત મક્કલ કાલવી મુનેત્ર કજગમ) નો સમાવેશ થાય છે. ), AJSU (ઑલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન), આરપીઆઈ (રિપબ્લિક પાર્ટી ઑફ ઈન્ડિયા), એમએનએફ (મિઝો નેશનલ ફ્રન્ટ), ટીએમસી (તમિલ મનીલા કૉંગ્રેસ). આ સિવાય આઈપીએફટી (ત્રિપુરા), બીપીપી (બોડો પીપલ્સ પાર્ટી), પીએમકે (પાટલી મક્કલ કાચી), એમજીપી (મહારાષ્ટ્રવાદી ગોમંતક પાર્ટી), અપના દળ, એજીપી (આસામ ગણ પરિષદ), રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી, નિષાદ પાર્ટી, યુપીપીએલ યુનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલ), AIRNC (ઓલ ઈન્ડિયા એનઆર કોંગ્રેસ પુડુચેરી), શિરોમણી અકાલી દળ સંયુક્ત (ઢીંડસા) અને જનસેના (પવન કલ્યાણ)

NDAમાં આ પક્ષો જોડાવાની સંભાવના

જ્યારે, NCP (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અજિત પવાર જૂથ), લોક જન શક્તિ પાર્ટી (રામ વિલાસ), HAM (હિન્દુસ્તાની અવમ મોરચા), RLSP (રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી), VIP (વિકાસશીલ ઇન્સાન પાર્ટી), અને ઓમ પ્રકાશ રાજભરની SBSP (સુહેલદેવ) ભારતીય સમાજ પાર્ટી) શાસક ગઠબંધનમાં નવા સભ્ય હશે.