×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમેરિકાએ યૂક્રેનને આ તાકાતવર હથિયાર આપતા ગુસ્સે ભરાયા પુતિન, કહ્યું ‘ઉપયોગ કર્યો તો ખેર નહીં’

મોસ્કો, તા.16 જુલાઈ-2023, રવિવાર

અમેરિકા દ્વારા યૂક્રેનને ક્લસ્ટર બોંબ આપવાની જાહેરાત કરાયા બાદ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ટીકા કરી છે. પુતિને કહ્યું કે, અમેરિકાના તમામ હથિયારો ખતમ થઈ ગયા છે, તેથી તે યૂક્રેનના પ્રતિબંધિત હથિયારોની સપ્લાય કરી રહ્યો છે. રશિયન ટેલિવિઝનને આપેલા ઈન્ટરવ્યૂમાં પુતિને કહ્યું કે, જો યૂક્રેન અમારા વિરુદ્ધ ક્લસ્ટર બોંબનો ઉપયોગ કરશે તો અમે પણ તેનો કડક જવાબ આપીશું. પુતિને કહ્યું કે, રશિયા પાસે ક્લસ્ટર બોંબ છે. જોકે યૂક્રેન હજુ સુધી તેનો ઉપયોગ યુદ્ધમાં કર્યો નથી.

અમેરિકાએ યૂક્રેનને આપ્યા ક્લસ્ટર બોંબ

અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોને ગુરુવારે જણાવ્યું હતું કે, તેમણે યૂક્રેનને ક્લસ્ટર હથિયારો સોંપી દીધા છે. જોઈન્ટ સ્ટાફ જે3ના ઓપરેશન ડાયરેક્ટર લેફ્ટનન્ટ જનરલ ડગ્લાસ સિમસે જણાવ્યું હતું કે, અમે યૂક્રેનને બોંબ પહોંચી દીધા છે. યુક્રેનિયન બ્રિગેડિયર જનરલ ઓલેક્ઝાન્ડર તરનાવસ્કીએ પણ સીએનએનને આપેલા ઈન્ટરવ્યૂમાં આ બોંબ અંગે પુષ્ટી કરી છે. તેમણે કહ્યું કે, અમેરિકાએ તેમને હથિયાર આપી દીધા છે. હજુ સુધી તેનો ઉપયોગ કરાયો નથી. અમેરિકાના મિત્ર દેશોએ પણ યૂક્રેનને ક્લસ્ટર બોંબ આપવા મામલે વાંધો વ્યક્ત કર્યો હતો.

રશિયા અને યૂક્રેન... બંને ક્લસ્ટર બોંબનો ઉપયોગ કરી રહ્યા છે : રિપોર્ટમાં દાવો

હ્યુમન રાઈટ્સ વોચ (HRW)ના અહેવાલો મુજબ રશિયા અને યુક્રેન બંને યુદ્ધમાં ક્લસ્ટર બોમ્બનો ઉપયોગ કરી રહ્યા છે. 2022માં યુક્રેને રશિયાના કબજાવાળા પ્રદેશમાં ક્લસ્ટર બોમ્બ ફેંક્યા હતા, આ ઘટનામાં 8 લોકોના મોત થયા હતા. HRW અધિકારી મેરી વેરહેમના જણાવ્યા મુજબ યુદ્ધમાં ક્લસ્ટર બોમ્બના ઉપયોગથી લોકોના જીવ જઈ રહ્યા છે અને વર્ષો સુધી મરતા રહેશે.

ક્લસ્ટર બોંબથી રશિયન સૈનિકોના ઠેકાણાઓનો ખાતમો કરી શકાશે : ઝેલેન્સકી

વાસ્તવમાં રશિયા-અમેરિકા-યુક્રેન... ત્રણેય દેશોએ ક્લસ્ટર બોમ્બના ઉપયોગ પર પ્રતિબંધ મૂકતી 2008ની UN સંધિ પર હસ્તાક્ષર કર્યા નથી. ઝેલેન્સકી ઘણા સમયથી અમેરિકા પાસેથી ક્લસ્ટર હથિયારોની માંગ કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, તેનો ઉપયોગ કરીને તે રશિયન સૈનિકોના ઠેકાણાઓને સરળતાથી ખાતમો કરી શકશે.