×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચંદ્રયાન-3ને લઈને ISROએ આપી મોટી અપડેટ, કહ્યું- સ્પેસક્રાફ્ટ સારી કંડીશનમાં છે


ISROના વૈજ્ઞાનિકોએ શનિવારે ચંદ્રયાન-3ની પ્રથમ ભ્રમણકક્ષા વધારવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. ચંદ્રયાન હવે પૃથ્વીની આગામી અને મોટી ભ્રમણકક્ષામાં પહોંચી ગયું છે. આ પ્રક્રિયા બેંગલુરુ ખાતે ISROના ટેલિમેટ્રી ટ્રેકિંગ એન્ડ કમાન્ડ નેટવર્ક દ્વારા નિયંત્રિત કરવામાં આવી હતી. 

ચંદ્રયાનને LVM3-M4 રોકેટ દ્વારા અવકાશમાં મોકલવામાં આવ્યું

ભ્રમણકક્ષા વધારવાની પ્રક્રિયા 31મી જુલાઈ સુધી વધુ 4 વખત કરવામાં આવશે. ISROએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું ચંદ્રયાન-3 સંપૂર્ણ સ્થિતિમાં છે. આ વાહન એવી ભ્રમણકક્ષામાં છે, જે પૃથ્વીથી તેના સૌથી નજીકના બિંદુએ 173 કિલોમીટર અને તેના સૌથી દૂરના બિંદુએ 41,762 કિલોમીટર છે. નોંધનીય છે કે ISROએ 14 જુલાઈના રોજ બપોરે 2.35 વાગ્યે ચંદ્રયાન-3 સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. ચંદ્રયાનને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાંથી LVM3-M4 રોકેટ દ્વારા અવકાશમાં મોકલવામાં આવ્યું હતું. ચંદ્રયાનને પ્રક્ષેપણની 16 મિનિટ બાદ સફળતાપૂર્વક પૃથ્વીની ભ્રમણકક્ષામાં મૂકવામાં આવ્યું હતું. આ ભ્રમણકક્ષા જ્યારે પૃથ્વીની સૌથી નજીક હતી ત્યારે 170 કિલોમીટર અને જ્યારે સૌથી દૂર હતી ત્યારે 36,500 કિલોમીટરના અંતરે હતી.


લેન્ડર અને રોવર 23 ઓગસ્ટે ચંદ્ર પર ઉતરશે

ISROના ચીફ એસ સોમનાથે જણાવ્યું કે જો બધુ આયોજન મુજબ ચાલ્યું તો વાહન 23 ઓગસ્ટે સાંજે 5.47 કલાકે ચંદ્ર પર ઉતરશે. ચંદ્રયાન-3માં લેન્ડર, રોવર અને પ્રોપલ્શન મોડ્યુલ છે. લેન્ડર અને રોવર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે અને ત્યાં 14 દિવસ સુધી પ્રયોગો કરશે. આ સિવાય પ્રોપલ્શન મોડ્યુલ ચંદ્રની ભ્રમણકક્ષામાં રહીને પૃથ્વી પરથી આવતા રેડિયેશનનો અભ્યાસ કરશે. ISRO આ મિશન દ્વારા ચંદ્રની સપાટી પર ભૂકંપ કેવી રીતે આવે છે તે શોધી કાઢશે. આ સિવાય તે ચંદ્રની જમીનનો પણ અભ્યાસ કરશે.

ભારત આમ કરનાર ચોથો દેશ બની જશે

જો આ મિશન સફળ થશે તો અમેરિકા, રશિયા અને ચીન બાદ ભારત આવું કરનાર ચોથો દેશ બની જશે. આ પહેલા US અને રશિયા બંને ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતર્યા તે પહેલાં અનેક અવકાશયાન ક્રેશ થયા હતા. 2013માં ચાંગે-3 મિશન સાથેના પ્રથમ પ્રયાસમાં સફળ થનાર ચીન એકમાત્ર દેશ છે.