×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મેઘરાજાએ ગુજરાતને કર્યું તરબોળ… સિઝનના 19 દિવસમાં પડ્યો 49 ટકાથી વધુ વરસાદ

Image - newsonair

અમદાવાદ, તા.14 જુલાઈ-2023, શુક્રવાર

ગુજરાત પર મેઘરાજા મહેરબાન થયા હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. રાજ્યમાં ચોમાસાને માત્ર 19 દિવસ થયા છે, ત્યારે મેહુલાએ ગુજરાતને તરબોડ કરી દીધા છે. રાજ્યમાં ચોમાસાને શરુ થયાના માત્ર 19 દિવસમાં સિઝનનો અડધો અડધ વરસાદ વરસી ચુક્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 49 ટકા વરસાદ વરસ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 16.75 ઈંચ સાથે સમગ્ર રાજ્યમાં મોસમનો 49 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચુક્યો છે. 

19 દિવસમાં 15 તાલુકાઓમાં 100%થી વધુ વરસાદ નોંધાયો

રાજ્યમાં આ સિઝન દરમિયાન 19 દિવસમાં 15 તાલુકાઓમાં 100 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે, તો રાજ્યના 5 તાલુકામાં 40 ઈંચથી વધુ, 58 તાલુકામાં 20થી 40 ઈંચ, 133 તાલુકામાં 10થી 20 ઈંચ, 53 તાલુકામાં 5થી 10 ઈંચ, 2 તાલુકામાં 2થી 5 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. 

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

મેઘરાજાએ રાજ્યને તરબોડ કરી દીધી છે, ત્યારે હવામાન વિભાગે હજુ પણ વધુ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે. વિભાગે રાજ્યના સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં બારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. 

IMDની આગાહી મુજબ આજે સુરતમાં પડ્યો ધોધમાર વરસાદ

હવામાન વિભાગની આગાહી મુજબ આજે સુરતમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આ દરમિયાન શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે 2 ઈંચ જેટલા પાણી ભરાયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 

ઉકાઈ ડેમમાં પણ નવા નીર આવ્યા

ઉપરવાસમાં વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પણ નવા નીર આવ્યા છે. આજે બપોરે ૨ કલાકે ડેમની સપાટી ૩૧૦ ફૂટ સુધી પહોચી ગયી છે તેમજ ડેમમાં પાણીની આવકમાં પણ વધારો નોંધાયો છે. ડેમમાં પાણીની આવક ૪૧૩૧૦ કયુસેક નોંધાઈ છે જયારે જાવક ૬૦૦ કયુસેક છે. સુરતમાં આવેલો કોઝવે પણ ઓવરફલો થયો છે. કોઝવેની આજે સપાટી ૬.૬૬ મીટર નોંધાઈ છે. કોઝવે ઓવરફલો થતા વાહન વ્યહાર માટે બંધ કરવામાં આવ્યો છે.