×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હીમાં યમુનાની જળસપાટીનું સ્તર રેકોર્ડ 208.46 મીટરે પહોંચ્યું, LGએ DDMAની બેઠક બોલાવી


દિલ્હીમાં ભારે વરસાદ બાદ હવે યમુના જળ સપાટીને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હરિયાણામાંથી પાણી છોડવાને કારણે યમુના નદીની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે અને આજે સવારે યમુનાએ નવો રેકોર્ડ બનાવ્યો હતો. સવારે 7 વાગ્યા સુધીમાં નદીની જળ સપાટી 208.46 મીટર નોંધાઈ હતી. દિલ્હીમાં યમુનાનું જળસ્તર સતત વધી રહ્યું છે ત્યારે કાશ્મીરી ગેટ વિસ્તારમાં કોઈપણ પરિસ્થિતિમાં ધ્યાને રાખી બચાવ માટે NDRFની ટીમ તૈયાર રાખવામાં આવી છે.

DDMAની 12 વાગ્યે બેઠક

દિલ્હીમાં મુશળધાર વરસાદ બાદ પૂરનો ખતરો છે. યમુના નદીની જળ સપાટીમાં વધારો થઈ રહ્યો છે. ગઈકાલે રાત્રે 10 વાગ્યા સુધીમાં દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર 208.05 મીટરે પહોંચી ગયું હતું. આ બાદ યમુનાનું પાણી બજારની દિવાલમાંથી નીકળવા લાગ્યું છે. આજે સવારે 7 વાગ્યા સુધીમાં યમુનાનું જળસપાટી 208.46 મીટર નોંધાઈ હતી. આ સ્થિતિમાં પૂરના જોખમને ધ્યાનમાં રાખીને દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની એક બેઠક બપોરે 12 વાગ્યે બોલાવી છે. 

યમુનાનું પાણી દિલ્હીના મુખ્ય રસ્તાઓ પર પહોંચ્યું

આજે યમુનાનું પાણી ઉત્તર દિલ્હીના મુખ્ય રસ્તા પર પહોંચી ગયું છે. આ સિવાય કાશ્મીરી ગેટ, રીંગ રોડ, આઈટીઓ પણ પાણી ભરાઈ ગયા છે તેમજ પૂર્વ દિલ્હીથી મધ્ય દિલ્હી અને કનોટ પ્લેસના કેટલાક માર્ગો પર પણ યમુનાનું પાણી આવવાનું શરૂ થઈ ગયું છે. નોંધનીય છે કે ગઈકાલે યમુના નદીનું જળસપાટી વધીને 207.83 મીટર થયું હતું જે 1978 બાદ રેકોર્ડ નોંધાવ્યો હતો. આ કારણે અનેક વિસ્તારોમાં પાણી પહોંચી જતા પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી.