×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આતંકીઓનું નવું ષડયંત્ર : પરફ્યૂમ પ્રેસ કરતાં જ બ્લાસ્ટ થતા ઘાતક હથિયારની ભારતમાં એન્ટ્રી, ગુપ્ત એજન્સીનો મોટો ધડાકો

નવી દિલ્હી, તા.12 જુલાઈ-2023, બુધવાર

આતંકવાદીઓનું નવું ષડયંત્ર ‘પરફ્યૂમ બ્લાસ્ટ’ને લઈ ગુપ્તચર એજન્સીઓએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ગુપ્તચર એજન્સીઓએ આશંકા વ્યક્ત કરી છે કે, આતંકવાદીઓનું ગ્રુપ સુરક્ષા દળો પર હુમલા કરવા માટે પરફ્યૂમ આઈઈડીનો ઉપયોગ કરી શકે છે. એજન્સીઓના અહેવાલ મુજબ પરફ્યૂમ આઈઈડીને દેશની અંદર લાવવા માટે સરહદ પારથી ડ્રોનથી પણ પ્રયાસો થઈ રહ્યા છે. પરફ્યૂમ આઈઈડીની સંભાવનાઓને ધ્યાને રાખી જમ્મુ-કાશ્મીરના સુરક્ષા દળના જવાનોને એલર્ટ પર રહેવાનો આદેશ અપાયો છે.

પરફ્યૂમ આઈઈડી શું છે ?

હાલ જમ્મુ-કાશ્મીર ચાલી રહેલી અમરનાથ યાત્રાને ધ્યાને રાખી પણ પરફ્યૂમ આઈઈડીના ખતરાને ગંભીરતાથી લેવામાં આવ્યો છે. સુરક્ષા એજન્સીઓએ આશંકા છે કે, આતંકીઓ હુમલાઓ કરવા માટે મેગ્નેટિક બોંબની જેમ પરફ્યૂમ આઈઈડીનો ઉપયોગ કરી શકે છે. પરફ્યૂમ આઈઈડી એક ખાસ પ્રકારનો બોંબ હોય છે, જે પરફ્યૂમ જેવા દેખાતા કોઈપણ બોટલ અથવા પેકેટમાં રાખવામાં આવે છે. જો કોઈ પ્રેસ કરે તો તેમાં બ્લાસ્ટ થાય છે. આવા પરફ્યૂમ IEDનો ઉપયોગ વીઆઈપીઓને ટાર્ગેટ કરવા માટે પણ થઈ શકે છે.

પરફ્યૂમ આઈઈડી વજનમાં ખૂબ હલકો

સુરક્ષા એજન્સીઓ પાસેથી મીડિયાને મળેલી જાણકારી મુજબ, પરફ્યૂમ આઈઈડી વજનમાં ખુબ હલકી હોવાના કારણે તેને ડ્રોનથી લાવવામાં સરળતા રહે છે અને કોઈપણ સ્થળે મોકલી શકાય છે.

પરફ્યૂમ આઈઈડીની ઓળખ કરવી ખુબ જ અઘરી

એટલું જ નહીં આઈઈડી મેટલ ડિટેક્ટર અને IED સ્નિફર ડૉગના પકડમાં પણ આવતા નથી. અગાઉ જમ્મુ-કાશ્મીર પોલીસે ફેબ્રુઆરીમાં જમ્મુના નરવાલમાં એક આતંકી પાસેથી મોટી સંખ્યાામાં હથિયારો જપ્ત કર્યા હતા. પકડાયેલા આરિફ નામના આતંકી પાસેથી પરફ્યૂમ IED પણ મળી આવ્યા હતા. આ દરમિયાન જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે મીડિયાને જણાવ્યું હતું કે, આવું પ્રથમવાર બન્યું છે કે, જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ પાસેથી આવા પરફ્યૂમ IED જપ્ત થયા છે.