×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી ઓપી સોનીની ધરપકડ : વિજિલન્સ ટીમે કરી મોટી કાર્યવાહી

અમૃતસર, તા.09 જુલાઈ-2023, રવિવાર

પંજાબના પૂર્વ નાયબ મુખ્યમંત્રી ઓપી સોનીની પંજાબ વિજિલન્સની ટીમે ધરપકડ કરી છે. ઓપી સોની કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે. તેઓ અમૃતસરથી 5 વખત ચૂંટણી જીત્યા છે. તેઓ ચન્ની સરકારમાં નાયબ મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે અને કેપ્ટન સરકારમાં કેબિનેટ મંત્રી પણ હતા. પંજાબના માહિતી અને જનસંપર્ક વિભાગે જણાવ્યું હતું કે, પંજાબ વિજિલન્સ બ્યુરોએ 2016થી 2022ના સમયગાળા દરમિયાન સોનીની આવક કરતા વધુ અપ્રમાણસર સંપત્તિના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે.

ઓપી સોનીને કાલે અમૃતસર કોર્ટમાં હાજર કરાશે

ઓપી સોનીને આવતીકાલે પંજાબની અમૃતસર કોર્ટમાં હાજર કરાશે. દરમિયાન મુખ્યમંત્રી ભગવંત માનના આદેશ પર ભ્રષ્ટાચાર વિરુદ્ધ ચાલી રહેલા અભિયાન હેઠળ ઓપી સોની સામે કાર્યવાહી કરાઈ છે.

ઓપી સોનીએ પત્ની-પુત્રના નામે સંપત્તિઓ ઉભી કરી

વિજિલન્સ ટીમના એક સત્તાવાર પ્રવક્તાએ કહ્યું કે, પહેલી એપ્રિલ 2016થી 31 માર્ચ 2022 સુધી પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને તેમના પરિવારની આવક 4,52,18,771 હતી, જ્યારે ખર્ચ 12,48,42,692 થયો હતો. તેમણે કહ્યું કે, આ દરમિયાન આરોપી ઓપી સોનીએ તેમની પત્ની સુમન સોની અને પુત્ર રાઘવ સોનીના નામે સંપત્તિઓ ઉભી કરી હતી. તેમણે વધુમાં કહ્યું કે, તપાસ બાદ ઓપી સોની વિરુદ્ધ અમૃતસર રેન્જના પોલીસ સ્ટેશન વિજિલન્સ બ્યૂરોએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 13 (1) (બી) અને 13 (2) હેઠળ FIR નોંધી છે. તેમણે કહ્યું કે આ મામલે વધુ તપાસ થઈ રહી છે.