×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : ઉત્તરાખંડમાં મેઘ તાંડવ : ભુસ્ખલનના કારણે 11 લોકોને લઈને જતું વાહન ગંગા નદીમાં ખાબક્યું, મિસ્સરવાલામાં 2 મકાનો ધરાશાઈ

Image - Twitter

દહેરાદુન, તા.09 જુલાઈ-2023, રવિવાર

દેશના જુદા જુદા શહેરોમાં મેઘરાજાના તાંડવમાંથી ઉત્તરાખંડ પણ બાકાત નથી... ઉત્તરાખંડમાં પણ આકાશમાંથી આવેલી આફતના કારણે મોટી ખાનાખરાબી શરૂ થઈ ગઈ છે. અહીં ટેહરી ગઢવાલમાં ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. પોલીસે જણાવ્યું કે, વાહનમાં ડ્રાઈવર સહિત 11 લોકો સવાર હતા, જેમાંથી 5 લોકોને બચાવી લેવામાં આવ્યા છે અને તેમને ઋષિકેશની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતા અહેવાલો મુજબ આ તમામ લોકો કેદારનાથથી ઋષિકેશ જઈ રહ્યા હતા. તો બીજી તરફ મિસ્સરવાલામાં 2 મકાનો ધરાશાઈ થતાં 2ના મોત થયા હોવાની અહેવાલો મળી રહ્યા છે.

ગંગા નદીમાંથી 3 મૃતદેહો બહાર કઢાયા

મુનીની રેતી પોલીસ સ્ટેશનના પ્રભારી નિરીક્ષક રિતેશ શાહે જણાવ્યું કે, SDRF અને સ્થાનિક પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. હાલ અહીં રેસ્ક્યૂ ઓપરેશન પુરજોશમાં ચાલી રહ્યું છે. SDRFના ઈન્સ્પેક્ટર કવેન્દ્ર સજવાને જણાવ્યું કે, ત્રણ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે મરજીવાઓ અન્ય મુસાફરોને શોધવા અભિયાન ચલાવી રહ્યા છે. તેમણે કહ્યું કે, આ મુસાફરો દિલ્હી, બિહાર અને હૈદરાબાદના હતા.

ઋષિકેશ-બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ ભૂસ્ખલન

પોલીસના જણાવ્યા મુજબ ઋષિકેશ-બદ્રીનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મુનિમાં આવેસ રેતી વિસ્તારમાં આ ઘટના બની છે. ભૂસ્ખલનની ઝપેટમાં આવ્યા બાદ ડ્રાઈવરે વાહન પરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે કાર રસ્તા પરથી ગંગા નદીમાં પડી ગઈ...

CMએ ભારે વરસાદ, ભુસ્ખલનના કારણે લોકોને સાવધાન રહેવા અપીલ કરી

દરમિયાન મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ભારે વરસાદ અને વહેતી નદીઓના કારણે ભૂસ્ખલનને કારણે લોકોને સાવધાન રહેવા અપીલ કરી છે. ખરાબ હવામાન અને ભારે વરસાદને કારણે ભૂસ્ખલન, રસ્તાઓ બંધ થવા અને નદીઓ અને નાળાઓ ઓવરફ્લો થવાની ઘટનાઓ સામે આવી છે. તેમણે કહ્યું કે તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે.

ગંગા નદી અને ભાગીરથી નદીનું જળસ્તર વધ્યું, 1 વ્યક્તિ ફસાયો

દરમિયાન ઉત્તરાખંડમાં ભારે વરસાદના ભગલે હરિદ્વારમાં ગંગા નદીનું જળસ્તરમાં વધારો થયો છે, તો ઉત્તરકાશીમાં ભારે વરસાદને પગલે ભાગીરથી નદીના જળસ્તરમાં વધારો થવાને કારણે એક વ્યક્તિ એક કલાક સુધી નદીની વચ્ચે ફસાવાની ઘટના બની છે.

મિસ્સરવાલા ગામમાં 2 મકાનો ધરાશાઈ

તો ઉત્તરાખંડના ઉધમસિંહ નગર જિલ્લાના કાશીપુર વિસ્તારમાં પણ વૃક્ષો ધરાશાઈ થવાની ઘટના સામે આવી છે. અહીં ભારે વરસાદના કારણે મિસ્સરવાલા ગામમાં 2 મકાનો ધરાશાઈ થયા છે, જેમાં 2ના મોત નિપજ્યા છે, જ્યારે 1 ઈજાગ્રસ્ત થયું હોવાના અહેવાલો છે. ઉત્તરાખંડ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર, મૃતકોની ઓળખ નસીર અહેમદ (65) અને તેમની પત્ની મોહમ્મદી (60) તરીકે થઈ છે. આ ઘટનામાં દંપતીની પૌત્રી મંતસા (18) ઈજાગ્રસ્ત થઈ છે, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.