×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશના 23 રાજ્યોમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર, આવતીકાલથી વરસાદનું જોર ઘટી શકે


દેશના અનેક રાજ્યોમાં અવિરત મેઘમહેર થઈ રહી છે તેમજ બિહારથી મહારાષ્ટ્ર સુધી આફતના વાદળો વરસી રહ્યા છે ત્યારે હવે હવામાન વિભાગે ગુજરાત સહિત કેટલાક રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ આપ્યુ છે. જો કે આગામી આવતીકાલથી વરસાદનું જોર ઘટી જશે તેવી સંભાવના છે. 

વરસાદને કારણે નદી-નાળા, તળાવ છલકાઈ ગયા

દેશના અનેક ભાગોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે જેના પગલે અનેક જગ્યાએ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે તેમજ પહાડી વિસ્તારોમાં વરસાદે ભારે તારાજી સર્જી છે. હાલ દેશમાં પહાડોથી લઈને મેદાનો સુધી, બિહારથી લઈને મહારાષ્ટ્ર સુધી અનેક વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદને કારણે નદી-નાળા, તળાવ છલકાઈ ગયા છે તો બીજી તરફ કેટલીક જગ્યાએ રસ્તાઓ ભયકંર રીતે તુટી ગયા છે. આ સાથે જ હવામાન વિભાગે ગુજરાત, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. 

આ રાજ્યોમાં ચેતવણી આપાઈ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ સુધી હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. ઉત્તર પ્રદેશમાં આજે પણ વરસાદ પડવાનું ચાલુ રહેશે. હવામાન વિભાગે ઘણા જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય એક ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે પશ્ચિમ યુપીમાં ઘણી જગ્યાએ ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની સંભાવના છે. કર્ણાટકમાં કેટલાક સ્થળોએ 13 જુલાઈ સુધી હળવો અને ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.

આ રાજ્યોમાં વરસાદની સંભાવના

દેશમાં અનેક જગ્યાએ મેઘમહેર જોવા મળી રહી છે ત્યારે હાલ પંજાબ, હરિયાણા અને ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. આ સિવાય રાજસ્થાન, ઉત્તરાખંડ, કોંકણ-મલબાર કોસ્ટ, કેરળ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદ સાથે વાવાઝોડાની સંભાવના છે તેમજ મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, ગંગા-પશ્ચિમ બંગાળ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, બિહાર, કેરળ, તમિલનાડુ, લક્ષદ્વીપ અને આંદામાન-નિકોબારમાં છૂટાછવાયા વરસાદની અપેક્ષા છે.