×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઓડિશા ટ્રેન દુર્ઘટના મામલે CBIની મોટી કાર્યવાહી, રેલવેના 3 કર્મચારીની કરી ધરપકડ, નોંધ્યો આ ગુનો

image : Twitter


સીબીઆઈએ ઓડિશાના બાલાસોરમાં 2 જૂને થયેલા ટ્રેન અકસ્માત મામલે 3 રેલવે કર્મચારીઓની ધરપકડ કરી હતી. ત્રણેયની આઈપીસી કલમ 304 (બિનઈરાદાપૂર્વક હત્યાનો કેસ) હેઠળ ધરપકડ કરવામાં આવી છે. સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન એજન્સી આ ટ્રેન દુર્ઘટનામાં ગુનાઈત ષડયંત્રની તપાસ કરી રહી છે.

કોની કોની થઈ ધરપકડ 

ધરપકડ કરાયેલા ત્રણ રેલવે કર્મચારીઓના નામ સિનિયર સેક્શન એન્જિનિયર અરુણ કુમાર મહંતો, સિનિયર સેક્શન એન્જિનિયર મોહમ્મદ આમીર ખાન અને ટેક્નિશિયન પપ્પુ કુમાર સામેલ છે.  ઉલ્લેખનીય છે કે  કલમ 304 હેઠળની સજામાં આજીવન કેદ અને દંડ અથવા સખત કેદનો સમાવેશ થાય છે. સૂત્રોનું કહેવું છે કે આ ત્રણેયની બેદરકારીના કારણે આટલો મોટો અકસ્માત થયો હતો. કોરોમંડલ એક્સપ્રેસ 2 જૂને બાલાસોરના બહાનગા બજાર રેલ્વે સ્ટેશન નજીક લગભગ 7 વાગ્યે સ્ટેશન પર ઉભી રહેલી માલગાડી સાથે અથડાઈ હતી. બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ પણ તેની લપેટમાં આવી હતી. આ ટ્રેન દુર્ઘટનામાં 292 લોકોના મોત થયા હતા અને 1000થી વધુ લોકો ઘાયલ થયા હતા.

હવે બહાનગા બજાર સ્ટેશન પર કોઈ ટ્રેન ઉભી રહેતી નથી

બહાનગા બજાર રેલ્વે સ્ટેશન પરથી દરરોજ લગભગ 170 ટ્રેનો પસાર થાય છે. અકસ્માત બાદ સીબીઆઈએ લોગ બુક, રિલે પેનલ અને સાધનો જપ્ત કરીને સ્ટેશનને સીલ કરી દીધું હતું. હાલમાં બહાનગા બજાર સ્ટેશન પર કોઈ ટ્રેન ઉભી રહેતી નથી. બાલાસોર ટ્રેન દુર્ઘટનાની તપાસ કરી રહેલા કમિશનર ઓફ રેલ્વે સેફ્ટી (CRS)એ ગયા અઠવાડિયે સિગ્નલિંગ વિભાગના સ્ટાફની માનવીય ભૂલને જવાબદાર ગણાવી હતી. તેમણે તોડફોડ, તકનીકી ખામી અથવા મશીનની ખામીની શક્યતાને નકારી કાઢી હતી.

CRSએ કર્મચારીઓની બેદરકારીનો પર્દાફાશ કર્યો

CRS એ કથિત રીતે કેટલાક ગ્રાઉન્ડ અધિકારીઓની બેદરકારીનો પર્દાફાશ કર્યો હતો, જેમણે ત્રણ વર્ષ પહેલાં સુરક્ષાની ચિંતાઓને કારણે ડિઝાઇનમાં ફેરફાર કર્યા પછી નિરીક્ષણની પર્યાપ્ત સલામતી પ્રક્રિયાઓનું પાલન કર્યું ન હતું.

3 જૂને FIR નોંધવામાં આવી હતી

ઓડિશા ટ્રિપલ ટ્રેન દુર્ઘટના અંગે 3 જૂને બાલાસોરમાં GRPSમાં FIR નોંધવામાં આવી હતી. બાદમાં રેલ્વે મંત્રીએ આ ઘટનાની સીબીઆઈ તપાસની માંગ કરી હતી. કેન્દ્ર સરકારની સંમતિ બાદ સીબીઆઈએ આ કેસને પોતાના હાથમાં લઈ લીધો હતો.

અત્યાર સુધી 42 મૃતદેહોની ઓળખ થઈ શકી નથી

ઓડિશા ટ્રેન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા 42 મૃતકોના મૃતદેહોની હજુ સુધી ઓળખ થઈ શકી નથી. જેના કારણે 42 મૃતકોના મૃતદેહ હજુ પણ ભુવનેશ્વરની હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. આ મૃતદેહોના ડીએનએ ટેસ્ટ રિપોર્ટની હજુ રાહ જોવાઈ રહી છે. સાથે જ ડીએનએ રિપોર્ટ ટૂંક સમયમાં આવવાની આશા છે.