×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મણિપુર : 2 સશસ્ત્ર જૂથો વચ્ચે ગોળીબારમાં 1નું મોત, BSF ટુકડી પર પણ ફાયરિંગ

ઈમ્ફાલ, તા.07 જુલાઈ-2023, શુક્રવાર

હિંસાગ્રસ્ત મણિપુરમાં 2 સશસ્ત્ર બળવાખોર જૂથો વચ્ચે થયેલા ગોળીબારમાં એકનું મોત થયું છે. આ ઘટના વિષ્ણુપુર અને ચુરાચાંદપુર જિલ્લા પાસે આવેલ ફૌગાકચાઓ ઈખાઈ ગમમાં પાસે બની છે. અર્ધલશ્કરી દળ અને મણિપુર સશ્સ્ત્ર પોલીસના જવાનો ઘટના સ્થળે પહોંચી ગયા છે અને આ ગામમાં સંપૂર્ણ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

બીએસએફ ટુકડીઓ પર પણ ભારે ગોળીબાર

મળતા અહેવાલો મુજબ ગઈકાલે રાત્રે લગભગ 1.40 કલાકે વિષ્ણુપુર અને ચુરાચાંદપુર જિલ્લાના ઝેન વિસ્તાર ફુઈસાનફાઈ અને ફોલજાંગ ગામમાં શંકાસ્પદ મેતેઈ બળવાખોરો અને કુકી બળવાખોરો વચ્ચે ગોળીબાર શરૂ થયો હતો. આ દરમિયાન અવાંગ લીકાઈ વિસ્તાર, ફૌગાકચાઓ ઈખાઈ (વિષ્ણુપુર અને ચુરાચાંદપુર જિલ્લાના સરહદી વિસ્તાર)માં તૈનાત બીએન બીએસએફ ટુકડીઓ પર પણ ભારે ગોળીબાર થયો હતો. જોકે બીએસએફના જવાનોએ પણ જવાબી કાર્યવાહી કરી હતી.

ગોળીબારની ઘટનામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત

સૂત્રોના જણાવ્યા અનુસાર આ ગોળીબાર શુક્રવારે રાત્રે 1.30 કલાકે શરૂ થઈ હતી, જે આજે સવારે 7.30 કલાક સુધી ચાલ્યો હતો. સશસ્ત્ર બળવાખોરો વચ્ચે થયેલા ગોળીબારમાં એક વ્યક્તિને ગોળી વાગતા મોત થયું છે. અર્ધલશ્કરી દળ અને મણિપુર સશસ્ત્ર પોલીસ જવાનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. મળતા અહેવાલો મુજબ આ ગોળીબારની ઘટનામાં કેટલાક લોકો ઈજાગ્રસ્ત પણ થયા છે.

મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં 100થી વધુના મોત

વાસ્તવમાં ત્રીજી મેએ રાજ્યમાં જાતીય હિંસા શરૂ થયા બાદ 100થી વધુ લોકોના મોત જ્યારે 3000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મણિપુરમાં હિંસા રોકવા અને રાજ્યમાં ફરી શાંતિ સ્થાપવા મણિપુલ પોલીસ ઉપરાંત 40 હજાર કેન્દ્રીય સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.