×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચૂંટણી પહેલા બંગાળમાં હિંસા : 3 ભાજપ કાર્યકર્તાની ગોળીમારી હત્યા, BJPનો TMC પર આરોપ

કોલકાતા, તા.07 જુલાઈ-2023, શુક્રવાર

પશ્ચિમ બંગાળમાં આવતીકાલે પંચાયતની ચૂંટણી યોજાવાની છે. તે પહેલા ગઈકાલે ગુરુવારે સાંજે ચૂંટણી પ્રચારના પડઘમ પણ શાંત થઈ ગયા છે, જોકે મતદાન પહેલા કૂચબિહાર, મુર્શિદાબાદ સહિત ઘણા વિસ્તારોમાં હિંસક ઘટનાઓ શરૂ થઈ ગઈ છે. ગુરુવારે રાત્રે દિનહાટામાં તૃણમુલ સમર્થિત બદમાશોએ 3 ભાજપ કાર્યકર્તાઓની ગોળીમારને હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક ભાજપ કાર્યકર્તા ઈજાગ્રસ્ત થયો છે. ઘટનાને પગેલ ભાજપે ટીએમસી પર આરોપો લગાવ્યા છે, તો સત્તા પક્ષે પણ તમામા આરોપોને નકારી દીધા છે.

પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો

આ ગોળીબારની ઘટના દિનાહાટામાં બામનહાટ ગ્રામ પંચાયત વિસ્તારમાં બની છે. ઘટનાને પગલે સાહેબગંજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયો છે અને તપાસ શરૂ કરી દીધી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલામાં સામેલ એક આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે.

ભાજપના આરોપોને તૃણમુલે રદીયો આપ્યો

ભાજપના કૂચબિહાર જિલ્લા સમિતિના સભ્ય જયદીપ ઘોષ પક્ષના કાર્યકર્તાઓની ગોળી મારી હોવાની ઘટના સાંભળીને દિનહાટા હોસ્પિટલ પહોંચી ગયા છે. જયદીપ ઘોષે ઈજાગ્રસ્ત ભાજપ કાર્યકર્તાની સ્થિતિ જાણ્યા બાદ તેમણે સત્તાધારી પક્ષ સામે મોરચો ખોલ્યો છે. તેમણે કહ્યું કે, અમારા કાર્યકર્તાઓ પ્રચાર બાદ ઉમેદવારના ઘરની સામે બેઠા હતા. તેમણે કહ્યું કે, અચાનક તૃણમુલ સમર્થક બદમાશો બાઈક પર આવ્યા અને અમારા ત્રણ કાર્યકર્તાઓને ગોળી મારતા તેઓનું મૃત્યુ થયું છે જ્યારે એક ઈજાગ્રસ્ત થયો છે, તેમને માથામાં ઈજા થઈ છે. જોકે તૃણમુલે આ તમામ આરોપોને રદીયો આપ્યો છે. 

રાજ્યના ઘણા વિસ્તારોમાં ઘર્ષણ

તૃણમુલ જિલ્લા અધ્યક્ષ અભિજીત ડી ભૌમિકે જણાવ્યું કે, પંચાયતની ચૂંટણીની પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. દિનહાટામાં ગીતાલદહ અને બેતાગુરી સિવાય કોઈપણ વિસ્તારમાંથી ઘર્ષણના અહેવાલો સાંપડ્યા નથી. બામનહાટના ભાજપના ઘણા નેતાઓ તૃણમૂલમાં સામેલ થઈ ગયા છે.

કેટલાક બદમાશો બાઈક પર આવ્યા અને હુમલો કર્યો

સ્થાનિક ભાજપ કાર્યકર્તા પિયૂષ બર્મને કહ્યું કે, અમારા ત્રણ કાર્યકર્તાઓ અર્જુન બર્મન, મિલન બર્મન અને ચંદ્રકાંત બર્મનને ગોળી મારવામાં આવી છે, જ્યારે નારારન બર્મન નામનો એક કાર્યકર્તા ઈજાગ્રસ્ત થયો છે. તેમણે કહ્યું કે, પ્રચાર કરી ઘરે પરત આવતા પહેલા અમે એક જગ્યા પર બેઠા હતા. આ દરમિયાન કેટલાક બદમાશો બાઈક પર આવ્યા અને હુમલો કરી દીધો...

અગાઉ પણ થયો હતો ગોળીબાર

અગાઉ 17 જૂને મોડી રાત્રે કૂચબિહારના દિનહાટામાં શંભૂ દાસ (27) નામના ભાજપ કાર્યકર્તાની હત્યાનો આરોપ તૃણમુલ પર લગાવાયો હતો. ત્યારબાદ 27 જૂને દિનહાટામાં એક વ્યક્તિની હત્યા કરવામાં આવી હતી. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર ગીતાલદહ ગ્રામ પંચાયતના જરીધરલા વિસ્તારમાં તૃણમુલ-ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં એક તૃણમુલ કાર્યકર્તાનું મોત થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર મૃતકનું નામ બાબૂ હક (34) હતું, કથિર રીતે તેમની ગોળીમારીને હત્યા કરવામાં આવી હતી.