×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'પેટ્રોલ ટામેટાં કરતાં પણ સસ્તું અને સરકાર જોડ-તોડની રાજનીતિમાં વ્યસ્ત', કેન્દ્ર સામે 'ઉદ્ધવ સેના'ના પ્રહાર

અજિત પવારના બળવા બાદ મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ થઈ ગઈ છે. ભત્રીજા અજિત પવારે કાકા શરદ પવારના રાજકીય પક્ષ  NCP પર પોતાનો દાવો રજૂ કર્યો છે. દરમ્યાન ઉદ્ધવ ઠાકરે જૂથવાળી શિવસેનાએ તેના મુખપત્ર સામના દ્વારા મહારાષ્ટ્રમાં રાજકીય ઘમસાણ અને મોંઘવારી અંગે કેન્દ્રની મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. સામનામાં કહ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવ હવે પોષાય તેવા દેખાવા લાગ્યા છે, કેમ કે તેના કરતાં તો ટામેટાં મોંઘા થઈ ગયા છે. હવે પેટ્રોલ સસ્તું લાગે છે કેમ કે ટામેટાંના ભાવ આકાશ આંબી રહ્યા છે. એવી સ્થિતિ નિર્માણ પામી છે. 

ટામેટાંના ભાવ આકાશ આંબી રહ્યા છે 

સામનામાં લખવામાં આવ્યું છે કે યુપીએ સરકારમાં મોંઘવારી આકાશ આંબતી હોવાનો દાવો કરી મોદી સરકાર 2014માં સત્તામાં આવી હતી. જોકે છેલ્લા નવ વર્ષથી હવે તેઓ સતત કેન્દ્રમાં શાસન કરે છે, પણ મોંઘવારીનું શું? શું મોંઘવારી ક્યાંક સંતાઈ ગઈ છે? વાસ્તવિકતા એ છે કે મોદીના શાસનમાં ન તો દરમાં વધારો અટક્યો છે કે ન તો મોંઘવારી સંતાઈને બેઠી છે. ટામેટાના ભાવ 120 રૂપિયાથી 150 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે.

મોદી શાસનમાં પણ સ્થિતિ બદલાઇ નથી 

સામનામાં મોંઘવારી અંગે પણ મોદી સરકાર પર અનેક સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. પૂછવામાં આવ્યું કે જ્યારે વૈશ્વિક ભાવ ઓછા થાય છે તો તેના પ્રમાણમાં પેટ્રોલ-ડીઝલ સસ્તા કેમ નથી થતા? જો તમે મોંઘવારીનું ઠીકરું ક્યારેક આના પર તો ક્યારેક તેના પર ફોડતાં રહેશો તો પ્રજાને શું લાભ આપશો? હવે ટામેટાંના ભાવ 150ને વટાવી ગયા છે અને તેમ છતાં તમે મોનસૂનને જવાબદાર ઠેરવી રહ્યા છો. ડુંગળી સાથે પણ વર્ષોથી આવું થતું રહ્યું છે. મોદી રાજમાં શું બદલાયું? 9 વર્ષોમાં લીધેલા નિર્ણયોના ગુણગાન દરેક જગ્યાએ કરો છો પણ મોંઘવારીનું શું? 

'સરકાર જોડ-તોડના રાજકારણમાં વ્યસ્ત'

સામનામાં તેમણે મહારાષ્ટ્રના રાજકારણમાં ઘમસાણથી લઈને મણિપુર હિંસા અને મોંઘવારી સુધીની દરેક બાબત પર પ્રહારો કર્યા. તંત્રીલેખમાં લખ્યું હતું કે શાકભાજીના ભાવ 'ટ્રિપલ સેન્ચ્યુરી'ને આંબી રહ્યા છે. ટામેટાંના ભાવમાં ભડકો બોલાયો છે.  જનતા ગુસ્સાથી લાલઘુમ રહી છે. મણિપુર સળગી રહ્યું છે પરંતુ મોદી સરકાર હંમેશાની જેમ શાંત અને ઉદાસીન છે. તે 9 વર્ષના શાસનના ઢોલ પીટતી દેખાઈ રહી છે, જોડ-તોડના રાજકારણમાં વ્યસ્ત છે. શું આ સરકારને મોંઘવારીની આગ અને તેમાં સળગતી પ્રજાની હાલતની ખબર છે?