×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

કર્ણાટકમાં પણ એક અજિત પવાર, વર્ષની અંદર પડી જશે કોંગ્રેસ સરકાર… કુમારસ્વામીનો દાવો

બેંગલુરુ, તા.04 જુલાઈ-2023, મંગળવાર

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને જેડીએસ નેતા એચ.ડી.કુમારસ્વામીએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, કર્ણાટકમાં પણ મહારાષ્ટ્ર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. કોઈએ પણ વિચાર્યું ન હતું કે, 2019માં મારી સરકાર પડી જશે... મહારાષ્ટ્રમાં પણ આવું જ થયું છે. તેમણે કહ્યું કે, હાલ મહારાષ્ટ્રમાં ચોંકાવનારા રાજકીય ધમાસાણ બાદ મને ડર છે કે, કર્ણાટકમાં અજિત પવારના રૂપમાં કોણ સામે આવશે ? તેમણે કહ્યું કે, કર્ણાટકમાં મહારાષ્ટ્ર જેવી સ્થિતિ સર્જાવામાં વધુ સમય નહીં લાગે... વર્ષની અંદર કોંગ્રેસ સરકાર પડી જશે. કર્ણાટકમાં અજિત પવાર કોણ છે, તે હું તમને જણાવીશ નહીં, પરંતુ આવું ટુંક સમયમાં થશે...

કોંગ્રેસ પાર્ટીના કારણે મહાગઠબંધન બનવાની શક્યતા નથી : કુમારસ્વામી

કુમારસ્વામીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીના વલણના કારણે દેશમાં મહાગઠબંધન બનવાની શક્યતા નથી. 2018ના ગઠબંધનથી આપણે શું મેળવ્યું ? તો બીજી તરફ ભાજપે પણ વિધાનસભામાં જોરદાર હંગામો કર્યો અને પરિસરમાં સૂત્રોચ્ચાર કરતાં કહ્યું કે, કોંગ્રેસે ડી.કે.શિવકુમાર સાથે અવિશ્વાસ કર્યો... ઉલ્લેખનિય છે કે, કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ મુખ્યમંત્રી પદ માટે સિદ્ધારમૈયા અને ડી.કે.શિવકુમારનું નામ ચાલી રહ્યું હતું. ડી.કે.શિવકુમાર કોઈપણ ફોર્મ્યુલા હેઠળ કર્ણાટકમાં સીએમ બનવા માંગતા હતા, પરંતુ તેમનો કોઈપણ પ્રયાસ કોંગ્રેસ હાઈકમાન્ડ સામે કામ ન આવ્યો... ત્યારબાદ તેઓ નાયબ મુખ્યમંત્રી બનવા તૈયાર થઈ ગયા હતા.

કર્ણાટકમાં સિદ્ધારમૈયા ઉપરાંત અન્ય ઘણા સીએમ

એચ.ડી.કુમારસ્વામીએ તાજેતરમાં જ કહ્યું હતું કે, કર્ણાટકમાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ઉપરાંત અન્ય ઘણા મુખ્યમંત્રી છે અને કોંગ્રેસની સરકાર શરૂઆતથી જ પાટા પરથી ઉતરી ગઈ છે. આ દરમિયાન કુમારસ્વામીએ સ્પષ્ટ કહ્યું કે, તેમની પાર્ટી ભાજપની આગેવાની હેઠળ બેંગલુરુમાં યોજાનાર વિપક્ષોની બેઠકમાં ભાગ નહીં લે. તેમણે કહ્યું કે, આ બેઠક માટે જદ(એસ)ને આમંત્રણ મળ્યું નથી.