×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અજિત પવાર : ‘તેમને જેલમાં ધકેલવાની હતી BJP, બનાવી દીધા મંત્રી…’ સંજય રાઉતે કહ્યું, મારી શરદ પવાર સાથે થઈ વાત

મુંબઈ, તા.02 જુલાઈ-2023, રવિવાર

આજે મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉથલપાથલ વચ્ચે આશ્ચર્યજનક ઘટના બની છે. NCP નેતા અજિત પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શિંદે સરકારમાં જોડાઈ ગયા છે. આજે પવારે રાજભવન ખાતે NCPના ધારાસભ્યોની ઈમરજન્સી બેઠક બોલાવી હતી. જેમાં અજિત પવારે શિંદે સરકારમાં સામેલ થઈ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. આ સાથે તેમના 9 ધારાસભ્યો પણ શિંદે સરકારમાં સામેલ થયા છે. તેમની સાથે પાર્ટીના 18 ધારાસભ્યો પણ છે. દરમિયાન આ બધી ઘટનાઓ વચ્ચે શિવસેના (UBT) નેતા સંજય રાઉતે ભાજપ-શિંદે સરકાર પર આકરા પ્રહારો કર્યા છે અને તેમણે જણાવ્યું કે, અમે શરદ પવાર સાથે વાત કરી છે.

લોકો આ ગેમને વધુ સમય સુધી સહન નહીં કરે : સંજય રાઉત

મહારાષ્ટ્રની આજના રાજકીય ઘટનાક્રમને ટાંકીને સંજય રાઉતે તેમના ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું કે, કેટલાક લોકોએ મહારાષ્ટ્રની રાજનીતિને સાફ કરવાનું કામ ઉઠાવી લીધું છે... તેમને તેમનું કામ કરવા દો... મેં હમણાં જ શરદ પવાર સાથે વાત કરી... તેમણે જણાવ્યું કે, હું મજબૂત છું... અમને લોકોનું સમર્થન છે... અમે ઉદ્ધવ ઠાકરે સાથે મળીને બધુ ફરી બનાવીશું... રાઉતે વધુમાં લખ્યું કે, જીહા લોકો આ ગેમને વધુ સમય સુધી સહન નહીં કરે. ભાજપ તેમને જેલમાં મોકલવાની તૈયારીમાં હતો. તેઓ મંત્રી તરીકે શપથ લઈ રહ્યા છે.

અમને જનતાનું સમર્થન : સંજય રાઉત

મીડિયા સાથે વાત કરતા શિવસેના નેતા સંજય રાઉતે જણાવ્યું કે, અમને જનતાનું સમર્થન મળેલું છે. લોકો આ બાબતને સહન નહીં કરે. તેમણે કહ્યું કે, મંત્રી પદનું વિસ્તરણ શિંદે જૂથમાંથી થવું જોઈએ. શિંદે જૂથના લોકોને મંત્રી બનવાની તક મળી નથી. સંજય રાઉતે કહ્યું કે, જે નેતાઓ અજિત પવાર સાથે જશે તેમને ગેરલાયક ઠેરવવામાં આવશે. તેમણે એવો પણ દાવો કર્યો કે, તેઓ જાણતા હતા, આવું થઈ રહ્યું છે.

અજિત પવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

એનસીપીના વરિષ્ઠ નેતા અજિત પવાર આજે શિંદે સરકારમાં જોડાયા અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. એવી અફવા હતી કે અજિત પવાર પાર્ટીના રાજ્ય એકમના વડાનું પદ ન મળવાથી નારાજ હતા. અગાઉ તેમણે વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપવાની ઓફર કરી હતી.

NCPના આ નેતાઓએ લીધા મંત્રીપદના શપથ

NCPના નેતા છગન ભુજબળ, અનિલ પાટીલ, સંજય બનસોડે અને અદિતિ તટકરેએ મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી તરીકે શપથ લીધા છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ ઉપસ્થિત રહ્યા હતા. NCPના નેતાઓ ધર્મારાવ, ધનંજય મુંડે, હસન મુશ્રીફ અને દિલીપ પટિને મુખ્યમંત્રી એકનાથ શિંદેની ઉપસ્થિતિમાં રાજભવન ખાતે મહારાષ્ટ્રના મંત્રી તરીકે શપથ લીધા છે.