×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મહારાષ્ટ્રમાં ફરી 2019 જેવો ખેલ : શરદ પવારના પ્લાન હેઠળ બની હતી અજિત-પવારની સરકાર

મુંબઈ, તા.02 જુલાઈ-2023, રવિવાર

આજના દિવસની જેમ જ 23મી નવેમ્બર-2019ના રોજ સવારે 8.00 કલાકે મહારાષ્ટ્રના રાજકારણમાં ઉથલપાથલ સર્જાઈ હતી. આ દિવસે ભાજપમાંથી દેવેન્દ્ર ફડણવીસ અને NCPના અજિત પવારે કાકા શરદ પવાર સામે બળવો કરીને સરકાર બનાવી હતી. જેમાં દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી અને અજિત પવાર નાયબ મુખ્યમંત્રી બન્યા હતા. જો કે, આ સરકાર માત્ર 80 કલાકમાં જ પડી ગઈ હતી. NCPના વરિષ્ઠ નેતા શરદ પવારે હવે આ ઘટનાક્રમ પર મોટો દાવો કર્યો હતો.

ભાજપ સત્તામાં આવવા માટે કોઈની સાથે પણ જઈ શકે છે : શરદ પવાર

શરદ પવારે ગુરુવારે પુણેમાં પ્રેસ કોન્ફરન્સમાં 23 નવેમ્બર, 2019ની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, તે દિવસની સવારે અજિત પવાર સાથે ફડણવીસના શપથ ગ્રહણ સમારોહથી સ્પષ્ટ થઈ ગયું હતું કે ભાજપ સત્તામાં આવવા માટે કોઈની સાથે પણ જઈ શકે છે.

‘અજિત પવારે બળવો કર્યો ન હતો...’

શરદ પવારે વધુમાં જણાવ્યું કે, હું આ જ સાબિત કરવા માંગતો હતો અને આ સાબિત થઈ ગયું... તમે તેને મારી જાળ અથવા ગમે તે કહી શકો... તે તમારે નક્કી કરવાનું છે... આ નિવેદન દ્વારા શરદ પવાર તે સાબિત કરતા જોવા મળ્યા કે, અજિત પવારે બળવો કર્યો ન હતો, પરંતુ ફડણવીસને ટેકો આપીને સરકાર બનાવવી અને પછી તેને પાડી દેવી એ બંને શરદ પવારની યોજનાનો એક ભાગ હતો.

તાજેતરમાં જ ફડણવીસે 2019ની રાજકીય ઘટનાક્રમનો ઉલ્લેખ કરી શરદ પવાર પર નિશાન સાધ્યું હતું

તમને જણાવી દઈએ કે ગુરુવારે સવારે દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રમાં 2019માં રાજકીય ઘટનાક્રમનો ઉલ્લેખ કરતા શરદ પવાર પર નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે, 2019માં ચૂંટણી પરિણામો બાદ એનસીપીના કેટલાક લોકોએ તેમનો સંપર્ક કર્યો અને કહ્યું કે, તેઓ સ્થિર સરકાર બનાવવા માટે તૈયાર છે. ત્યારબાદ આ અંગે શરદ પવાર સાથે બેઠક યોજાઈ હતી અને સરકાર રચાશે તેવો નિર્ણય લેવાયો હતો. તમામ પાવર મને અને અજિત પવારને સોંપાયો હતો, પરંતુ શપથ ગ્રહણની તૈયારીઓ વચ્ચે શરદ પવારે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો.