×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિલ્હીના ભજનપુરામાં વહેલી સવારે તંત્રની કાર્યવાહી, દરગાહ-મસ્જિદના ગેરકાયદે બાંધકામ દૂર કરાયા

image : Twitter


દિલ્હીના ભજનપુરામાં કડક સુરક્ષા વચ્ચે ગેરકાયદેસર મંદિર અને ગેરકાયદે દરગાહને હટાવવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેના માટે મોટી સંખ્યામાં સુરક્ષા દળો તહેનાત કરવામાં આવ્યા છે. આ દરમિયાન દરગાહને સૌથી પહેલા હટાવવામાં આવી હતી, જે ત્રણ દાયકાથી વધુ જૂની હોવાનું કહેવાય છે. દરગાહને હટાવ્યા બાદ મંદિરને હટાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જ્યાંથી આ ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવી રહ્યું છે તેને વજીરાબાદ રોડ તરીકે પણ ઓળખવામાં આવે છે.

ડ્રોન દ્વારા મોનિટરિંગ કરવામાં આવ્યું 

પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટ (PWD) દ્વારા હાથ ધરાયેલી આ કાર્યવાહી દરમિયાન માત્ર દિલ્હી પોલીસના જવાનો જ નહીં પરંતુ કેન્દ્રીય દળો પણ ઘટનાસ્થળે હાજર હતા. કોઈપણ અપ્રિય ઘટનાને પહોંચી વળવા માટે આ સમયગાળા દરમિયાન ડ્રોનથી પણ દેખરેખ રાખવામાં આવી હતી. આ દરમિયાન પોલીસ માઈકથી લોકોને શાંતિ જાળવવાની અપીલ કરતી જોવા મળી હતી.એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મસ્જિદને અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી.

ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ રહી હતી 

આ મઝાર રસ્તાની વચ્ચોવચ આવી ગયું હતું, જેને હટાવવાની ઘણા સમયથી માંગ ઉઠી રહી હતી. આજે વહેલી સવારે સુરક્ષા દળોની ભારે તહેનાતી વચ્ચે જેસીબી દ્વારા ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું. અહીં પીડબલ્યુડીનો ડબલ ડેકર ફ્લાયઓવર બનાવવામાં આવી રહ્યો છે, જેમાં મેટ્રો રૂટ ઉપર અને નીચે રોડ બનાવવામાં આવી રહ્યો છે. અહીં દરગાહને કારણે સતત ચક્કાજામની સ્થિતિ રહેતી હતી. તેની પાસે જ હનુમાન મંદિર છે, તેને પણ હટાવવાની તૈયારી ચાલી રહી છે અને લોકો તેનો વિરોધ પણ કરી રહ્યા છે.

શાંતિપૂર્ણ કાર્યવાહી

એક પોલીસ અધિકારીએ કહ્યું, 'ગેરકાયદે બાંધકામો હટાવવાનું કામ ખૂબ જ શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે અને ભક્તો પોતે જ મૂર્તિઓ હટાવી રહ્યા છે. પોલીસે જણાવ્યું કે આ અંગે લોકોમાં ઘણી વખત ચર્ચા પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ લોકોએ સમય માંગ્યો હતો અને આજે આ કાર્યવાહી કરવામાં આવી હતી. હજુ પણ ઉત્તર પૂર્વ દિલ્હીમાં ઘણા વિસ્તારોની ઓળખ કરવામાં આવી છે જ્યાં મંદિર અને મસ્જિદ બંને રસ્તાની વચ્ચે આવી રહ્યા છે. જાહેર બાંધકામ વિભાગ ટૂંક સમયમાં તેના પર કાર્યવાહી કરી શકે છે.