×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યમાં ભારે વરસાદને પગલે સરકાર એક્શનમાં, CMએ વીડિયો કોન્ફરન્સથી માહિતી મેળવી

Image : File pic Twitter

રાજ્યમાં ભારે વરસાદને પગલે મુખ્યમંત્રી સ્ટેટ ડીઝાસ્ટર સેન્ટર ખાતે પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રીએ જૂનાગઢ અને જામનગર જીલ્લાનાં કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સથી બેઠક યોજી માહિતી મેળવી હતી. ઉનાના 19 ગામોને ચેતવણી આપવામાં આવી તેમજ જામનગરનો રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયો હતો.


ખત્રીવડા ગામ બેટ ફેરવાયું

સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે તેમજ ગીર સોમનાથમાં મુશળધાર વરસાદને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે. ઉના તાલુકામાં ભારે વરસાદના પગલે ખત્રીવડા ગામ બેટ ફેરવાઈ જતા સંપર્ક વિહોણું થઈ ગયુ હતું. આ સાથે ગીર સોમનાથના ગીર ગઢડાનો કોઝવે શાહિ નદીના પુરમાં ગરકાવ થઈ ગયો હતો તેમજ હિરણ-2 ડેમમા પણ નવા નીરના આવક થઈ છે. ગીર સોમનાથમાં મુશળધાર વરસાદ પડતા ચીખલ કુબા નેસમાં આવેલ રાવલ ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે જેના પગલે ઉનાના 19 ગામોને ચેતવણી આપવામાં આવી છે.


NDRFની ચાર ટીમો રવાનાં

સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદને પગલે મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક કરી હતી અને સ્ટેટ ડીઝાસ્ટર સેન્ટર ખાતે પહોંચીને જૂનાગઢ અને જામનગર જિલ્લા ક્લેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા માહિતી મેળવી હતી. આ સાથે ભારે વરસાદને પગલે NDRFની ચાર ટીમો રવાનાં કરવામાં આવી છે. તેમજ રાજ્યના અનેક જિલ્લામાં ભારે વરસાદના કારણે સર્જાયેલી સ્થિતિને પહોંચી વળવા NDRFની 6 ટીમ સ્ટેન્ડ બાય રખાઈ છે. રાજ્યમાં ગઈકાલે રાત્રે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં ગઈકાલે પડેલા વરસાદના કારણે અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા. શહેરમાં 24 કલાકમાં સરેરાશ સવા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. આ સાથે જ ગઈકાલે કચ્છના ગળપાદરમાં નદીના પાણીમાં ફસાયેલા 3 લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યુ હતું. જિલ્લા કલેક્ટર અમિત અરોરા સહિત વહીવટી તંત્રની ટીમના પ્રયાસોથી ત્રણેય લોકોને સલામત સ્થળે ખસેડાયા આવ્યા હતા. 

જામનગરનો રણજીતસાગર ડેમ ઓવરફ્લો

જામનગરમાં ભારે વરસાદને પગલે શહેરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયો હતો તેમજ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે રંગમતી ડેમ પણ છલકાઈ જતા હેઠવાસના ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરાયા છે. આ ઉપરાંત ફોકલ ઓફિસર અને અધિક્ષક ઇજનેર રાજકોટ સિંચાઈ વર્તુળ, ફ્લડ સેલ તરફથી જણાવાયા મુજબ, જામજોધપુર તાલુકાના કોટડા બાવીસી ગામ પાસે આવેલ સિંચાઈ યોજના નંબર -110 ફુલઝર ડેમ તેની નિર્ધારિત સપાટીએ પૂર્ણ ભરાઈ ગયો હોવાથી ડેમના બે દરવાજા 1.8 ફુટ ખોલવામાં આવ્યા છે  આથી ડેમની હેઠવાસમાં આવેલા ઉપલેટા તાલુકાના હરિયાસણ, રબારીકા, ચરેલીયા, રાજપરા અને ખારચીયા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. જ્યારે અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકાના હનુમાન ખીજડીયા ગામ પાસે આવેલો સાકરોલી ડેમ રાત્રે 11 વાગ્યે 80 ટકા ભરાઈ ગયો હોવાથી જેતપુર તાલુકાના ચારણ સમઢીયાળા, રેશમડી ગાલોળ અને થાણા ગાલો  ગામના રહેવાસીઓને નદીના પટ્ટમાં અવરજવર ન કરવા તથા સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.