×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ફ્રાન્સમાં મુસ્લિમ છોકરાની હત્યા બાદ રમખાણો : સૌથી વિશાળ લાઈબ્રેરી સળગાવી દીધી


- ત્રણ દિવસમાં 500 ઈમારતોમાં આગ લાગતા યુદ્ધ જેવી સ્થિતિ

- સતત ત્રીજા દિવસે પેરિસ સહિતના શહેરોમાં તંગદિલી : 600 પ્રદર્શનકારીઓની ધરપકડ, 200 પોલીસ જવાનોને ઈજા

પેરિસ : મુસ્લિમ છોકરાની હત્યા બાદ ફ્રાન્સમાં રમખાણો ફાટી નીકળ્યા છે. સતત ત્રીજા દિવસે તોફાનો થયા હતા અને તંગદિલીનો માહોલ યથાવત રહ્યો હતો. પોલીસે ૬૦૦ પ્રદર્શનકારીઓની ધરપકડ કરી છે. પોલીસ અને પ્રદર્શનકારીઓના સામ-સામા ઘર્ષણમાં ૨૦૦ કરતાં વધુ પોલીસ જવાનોને ઈજા પહોંચી છે. ફ્રાન્સના માર્શેલી શહેરમાં આવેલી સૌથી વિશાળ લાઈબ્રેરીને આગ લગાવી દેવાઈ હતી. પ્રદર્શનકારીઓએ ત્રણ દિવસમાં ૫૦૦ જેટલી ઈમારતોને આગ લગાવી દીધી હતી.

ફ્રાન્સમાં ૧૭ વર્ષના મુસ્લિમ છોકરાને ટ્રાફિક સિગ્નલ પર રોકીને ગોળી મારી દેવાઈ હતી. એ ઘટના પછી ફ્રાન્સમાં તોફાનો ફાટી નીકળ્યા છે. પ્રદર્શનકારીઓ બેકાબૂ બન્યા છે અને પેરિસ સહિતના મોટાભાગના શહેરોમાં હિંસક પ્રદર્શનો કરી રહ્યાં છે. પ્રદર્શનકારીઓમાં મોટાભાગના ટીનેજર્સ હોવાનું પણ કહેવાય છે. પ્રદર્શનકારીઓએ ત્રણ દિવસથી ઠેર-ઠેર આગજની કરી હતી. ૫૦૦ ઈમારતોને આગ લગાવી હતી. આગજનીની કુલ ૩૮૮૦ ઘટનાઓ નોંધાઈ હતી. ૨૦૦૦ કાર સળગાવી દેવાઈ છે. ઠેર-ઠેર આગ લાગી હોવાના કારણે ફ્રાન્સના શહેરોમાં યુદ્ધ જેવી સ્થિતિ થઈ ગઈ છે.

ફ્રાન્સની સૌથી વિશાળ લાઈબ્રેરીને આગ હવાલે કરાઈ તેનો વીડિયો વાયરલ થયો હતો. હજારો પુસ્તકો આ આગમાં ખાક થઈ ગયા હતા. પ્રદર્શનકારીઓ બેફામ બનતા તેને કાબૂમાં કરવા માટે પોલીસે ટીઅર ગેસના સેલ છોડયા હતા. તેના કારણે સામ-સામું ઘર્ષણ વધ્યું હતું. પોલીસ વિભાગના કહેવા પ્રમાણે ૨૦૦ પોલીસ જવાનો ઈજાગ્રસ્ત બન્યા છે. અસંખ્ય પોલીસ વાહનોમાં પણ તોફાની તત્વોએ આગ ચાંપી દીધી હતી. 

૧૭ વર્ષના છોકરા નાહેલને ટ્રાફિક નિયમોના ભંગ બદલ ગોળી મારી દેવાઈ હતી. તે ઘટનાની તપાસનો આદેશ અપાયો છે. પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોંએ કહ્યું હતું કે આ ઘટના બિલકુલ ચલાવી લેવાશે નહીં. હત્યા કરનારાને યોગ્ય સજા અપાશે. પોલીસ અધિકારીઓએ આ ઘટના પછી માફી માંગી હતી અને જે અધિકારીએ આ કૃત્ય કર્યું હતું તેની સામે પગલા લેવાની ખાતરી આપી હતી. જોકે, આ ઘટના બાદ લોકોમાં પોલીસ તરફ ગુસ્સો ફૂટયો હતો અને પોલીસ સ્ટેશનો તેમ જ પોલીસ વાહનોને નિશાન બનાવીને આગ ચાંપવામાં આવી હતી. પેરિસમાં કેટલાય લોકોએ ફટાકડા સળગાવીને પોલીસ જવાનો પર ફેંક્યા હતા.