×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

UCC મુદ્દે 10 કરોડની વસતીવાળો આ સમુદાય ભાજપનો ખેલ બગાડશે! લોકસભાની 70 સીટ પર નિર્ણાયક


યુનિફોર્મ સિવિલ કોડ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન બાદ માનવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર તેને જલ્દી લાગુ કરી શકે છે. મોદી સરકાર ચોમાસું સત્રમાં જ UCC બિલ લાવી શકે છે. કાયદા પંચે તાજેતરમાં સિવિલ કોડ પર લોકોનો અભિપ્રાય માંગ્યો હતો. આ અંગે દેશભરમાંથી અત્યાર સુધીમાં 8.5 લાખ લોકોએ પોતાના મંતવ્યો રજુ કર્યા છે.

યુનિફોર્મ સિવિલ કોડ ભાજપનો મુખ્ય મુદ્દો રહ્યો છે અને પાર્ટી તેની શરૂઆતથી જ તેને ઉઠાવી રહી છે. નિષ્ણાતો માને છે કે મંડલની રાજનીતિમાં ઘેરાયેલ ભાજપ 2024 પહેલા UCC લાગુ કરીને બ્રાન્ડ હિન્દુત્વને વધુ મજબૂત કરવા માંગે છે, જેથી ચૂંટણી 80 (હિંદુ) વિરુદ્ધ 20 (મુસ્લિમ) બની જાય. જોકે, આદિવાસીઓ અને ઉત્તર-પૂર્વના લોકોના વિરોધે ભાજપના એક દેશ-એક કાયદાના નારા માટે મુશ્કેલીઓ ઊભી કરી છે. ઝારખંડના 30 આદિવાસી સંગઠનોએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે તેઓ કાયદા પંચને યુનિફોર્મ સિવિલ કોડ  પરત લેવા માટે કહેશે.

આદિવાસી નેતાઓનું કહેવું છે કે જો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવશે તો તેનાથી તેમની રૂઢિગત પરંપરાઓનો અંત આવશે. આ સાથે જમીન સંબંધિત છોટાનાગપુર ટેનન્સી એક્ટ અને સંથાલ પરગણા ટેનન્સી એક્ટને પણ અસર થશે. આદિવાસી સંગઠનોના વિરોધ પર ભાજપના મોટા નેતાઓએ હાલ પૂરતું મૌન સેવ્યું છે. રાજકીય નિષ્ણાતોનું કહેવું છે કે જો આદિવાસી સમાજ તેનો વિરોધ કરશે તો ભાજપને નફા કરતા રાજકીય નુકસાન વધુ થઈ શકે છે.

આદિવાસીઓ સિવિલ કોડની વિરુદ્ધ કેમ છે?

1. લગ્ન, બાળક દત્તક, દહેજ વગેરે જેવી રૂઢિગત પરંપરાઓને અસર થશે. હિન્દુ મેરેજ એક્ટ આદિવાસી સમાજને લાગુ પડતો નથી.

2. આદિવાસી સમાજમાં મહિલાઓને સમાન મિલકત અધિકાર નથી. તેના અમલીકરણ સાથે, તે સંપૂર્ણપણે સમાપ્ત થશે.

3. આદિવાસીઓને ગ્રામ્ય સ્તરે PESA કાયદા હેઠળ ઘણા અધિકારો મળ્યા છે, જે સિવિલ કોડના અમલ સાથે સમાપ્ત થઈ શકે છે.

4. આદિવાસીઓને પાણી, જંગલ અને જમીન સુરક્ષિત રાખવા માટે CNT અને SPT એક્ટ હેઠળ વિશેષ અધિકારો મળ્યા છે.

ભારતમાં દસ કરોડથી વધારે આદિવાસી છે, જેમના માટે લોકસભાની 47 બેઠકો અનામત રાખવામાં આવી છે. મધ્યપ્રદેશમાં 6, ઓરિસ્સા અને ઝારખંડમાં 5-5, છત્તીસગઢ,ગુજરાત અને મહારાષ્ટ્રમાં 4-4, રાજસ્થાનમાં 3, કર્ણાટક,આંધ્રપ્રદેશ અને મેઘાલયમાં 2-2 બેઠકો જ્યારે ત્રિપુરામાં લોકસભાની એક બેઠક આદિવાસીઓ માટે અનામત રાખવામાં આવી છે.

આ લોકસભાની કુલ બેઠકોમાંથી 9 ટકા છે જે ગઠબંધન પોલિટિક્સના હિસાબથી પણ ઘણી મહત્વપૂર્ણ છે. અનામત બેઠકો ઉપરાંત મધ્યપ્રદેશની ત્રણ, ઓરિસ્સાની બે અને ઝારખંડની પાંચ સીટોનું સમીકરણ આદિવાસી જ નક્કી કરે છે. આ સાથે જ 15 લોકસભા બેઠકો પર આદિવાસી સમૂદાયની જનસંખ્યા 10 થી 20% ની આસપાસ છે જે હારજીતમાં મહત્વની ભૂમિકા ભજવે છે. આમ લોકસભાની આશરે 70 બેઠકોનું ગણિત આદિવાસી જ સેટ કરે છે.

2019માં ભાજપે આદિવાસીઓ માટે આરક્ષિત 47 બેઠકોમાંથી લગભગ 28 બેઠકો જીતી હતી. મધ્યપ્રદેશ, ગુજરાત, કર્ણાટક, રાજસ્થાન અને ત્રિપુરામાં ભાજપે આદિવાસીઓ માટે આરક્ષિત તમામ બેઠકો જીતી હતી.

2014ની ચૂંટણીમાં પણ ભાજપે 26 બેઠકો જીતી હતી. પાર્ટીએ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં આદિવાસી અનામત બેઠકો પર ક્લીન સ્વીપ કર્યું હતું.

આદિવાસી મતદારો વિધાનસભાની ચૂંટણીમાં પણ અસરકારક

દેશના 10 રાજ્યો મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, આંધ્રપ્રદેશ, ઝારખંડ, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક, મહારાષ્ટ્ર અને તેલંગાણાની વિધાનસભાની ચૂંટણીમાં પણ આદિવાસી મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવે છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં 5 મહિના પછી ચૂંટણી યોજાવાની છે.

મધ્યપ્રદેશમાં 21 ટકા આદિવાસીઓ છે, જેમના માટે 230માંથી 47 બેઠકો અનામત છે. આ સિવાય 25-30 સીટો પર આદિવાસીઓ પણ અસરકારક છે. મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની છેલ્લી ચૂંટણીમાં સીટોનો તફાવત ઘણો ઓછો હતો. આવી સ્થિતિમાં આ વખતે આદિવાસી અનામત બેઠક બંને પક્ષો માટે ઘણી મહત્વની છે.

એ જ રીતે રાજસ્થાનમાં આદિવાસીઓની સંખ્યા 14 ટકાની આસપાસ છે. અહીં 200માંથી 25 બેઠકો આદિવાસીઓ માટે અનામત છે. સત્તા બદલવાનો રિવાજ ધરાવતા રાજસ્થાનમાં આ 25 બેઠકો ઘણી મહત્વની છે. છત્તીસગઢની વસ્તીના 34 ટકા આદિવાસીઓ છે.

અહીં 90માંથી 34 બેઠકો આદિવાસીઓ માટે અનામત છે. અહીં પણ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો મુકાબલો છે. તેલંગાણામાં આદિવાસીઓ માટે અનામત બેઠકોની સંખ્યા ભલે ઓછી હોય, પરંતુ ભાજપ-બીઆરએસ અને કોંગ્રેસ વચ્ચેની ત્રિકોણીય સ્પર્ધામાં તે નોંધપાત્ર ગણી શકાય તેમ છે.

શું આદિવાસીઓનો વિરોધ રાજકીય નુકસાન પહોંચાડી શકે છે?

આદિવાસી નેતા લક્ષ્મી નારાયણ મુંડા કહે છે- આદિવાસીઓમાં સ્થળાંતરનો મુદ્દો સૌથી મોટો છે અને 2014માં ભાજપે તેને ખતમ કરવાની વાત કરી હતી, પરંતુ મૂળ મુદ્દાને છોડીને તે સિવિલ કોડની વાત કરી રહી છે. પાણી, જંગલ અને જમીન બચાવવા માટે અમારી પાસે કેટલાક ખાસ કાયદા છે. જો તે પણ છીનવાઈ જાય તો તમે શું કરશો?

મુંડા આગળ કહે છે - સરકારનો ઈરાદો સાચો નથી અને તેને ખાસ એજન્ડા હેઠળ લાગુ કરવામાં આવી રહ્યો છે. 5 જુલાઈએ ઝારખંડના આદિવાસી સમુદાયો રાજભવન સામે ધરણા પર બેસશે.

મધ્યપ્રદેશના આદિવાસીઓ માટે કામ કરતા સામાજિક કાર્યકર્તા પરમજીત કહે છે, 'ધીમે ધીમે આ મુદ્દો આદિવાસીઓમાં પહોંચી રહ્યો છે અને લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. પરંપરાની સાથે સાથે જમીનનો મામલો સૌથી મહત્વનો છે.

પરમજીત અનુસાર, આદિવાસીઓને ડર છે કે છોટા નાગપુર ટેનન્સી એક્ટ અને સંથાલ પરગણા ટેનન્સી એક્ટને સમાન નાગરિક સંહિતા દ્વારા નાબૂદ કરી શકાય છે. આ બંને કાયદા અનુસાર બિન-આદિવાસીઓ આદિવાસીઓની જમીન ખરીદી શકતા નથી.

જે આદિવાસીઓ માટે કામ કરતા ઝાબુઆના દુર્ગા દીદીના જણાવ્યા અનુસાર આદિવાસી જમીનને લઈને વધુ સંવેદનશીલ હોય છે અને સિવિલ કોડના મુદ્દે તેમની અંદર સરકાર વિરુદ્ધ નેગેટિવ નેરેટિવ બન્યો છે. જો સરકાર તેને ખતમ ન કરી શકે તો નુકસાન થઈ શકે છે.પરમજીતે ઝારખંડનું ઉદાહરણ ટાંક્યું હતું જ્યાં રઘુબર સરકાર CNT એક્ટમાં સુધારો કરવાના પ્રયાસને કારણે ચૂંટણી હારી ગઈ હતી.

ઉત્તર પૂર્વમાં પણ પ્રબળ વિરોધ 

ઉત્તરપૂર્વમાં પણ યુનિફોર્મ સિવિલ કોડનો વિરોધ શરૂ થઈ ગયો છે. પૂર્વોત્તરના નેતાઓનું કહેવું છે કે સિવિલ કોડ સોસાયટીઓ માટે ખતરો ઉભો કરશે. બંધારણના અનુચ્છેદ 371(A) અને 371(G) મુજબ, પૂર્વોત્તર રાજ્યોના આદિવાસીઓને વિશેષ જોગવાઈઓની ખાતરી આપવામાં આવી છે જે સંસદને કોઈપણ કાયદો ઘડતા અટકાવે છે.

યુનિફોર્મ સિવિલ કોડ શું છે, તેના અમલ પછી શું બદલાશે?

ભારતમાં વિવિધ સમુદાયો તેમના ધર્મ, આસ્થા અને માન્યતાના આધારે લગ્ન, છૂટાછેડા, ઉત્તરાધિકાર અને દત્તક લેવાની બાબતોમાં જુદા જુદા કાયદા ધરાવે છે. UCC અસરકારક રીતે લગ્ન, છૂટાછેડા, દત્તક, ઉત્તરાધિકાર, વારસો વગેરે સંબંધિત કાયદાઓને સુવ્યવસ્થિત કરશે. એટલે કે જો યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે તો લગ્ન અને મિલકતની વહેંચણીમાં સૌથી વધુ ફરક જોવા મળશે.

હાલમાં, ભારતીય કરાર અધિનિયમ, 1872, નાગરિક પ્રક્રિયાની સંહિતા, મિલકત હસ્તાંતરણ અધિનિયમ, 1882, ભાગીદારી અધિનિયમ, 1932, પુરાવા અધિનિયમ, 1872 તમામ નાગરિકો માટે સમાન નિયમો ધરાવે છે, પરંતુ ધાર્મિક બાબતોમાં બધા માટે અલગ કાયદાઓ લાગુ પડે છે. તેમનામાં ઘણી વિવિધતા છે. ગોવા દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં સમાન નાગરિક કાયદો લાગુ છે.