×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સેન્સેક્સ 64,000, નિફ્ટી 19,000ની ઐતિહાસિક ટોચે


- રોકાણકારોની સંપત્તિ રૂ. 1.98 લાખ કરોડ વધીને 294.11 લાખ કરોડ

- જો કે, કામકાજના અંતે સેન્સેક્સ અને નિફ્ટીએ ઊંચા મથાળા ગુમાવ્યા : વિદેશી રોકાણકારોની રૂ. 12,350 કરોડની ખરીદી

- એચડીએફસી અને એચડીએફસી બેંકના મેગા-મર્જર, બેંકોની એનપીએમાં ઘટાડો જેવા અહેવાલોની સાનુકૂળ અસર

અમદાવાદ : ઘરઆંગણાના તેમજ વૈશ્વિક સ્તરના સાનુકૂળ અહેવાલો પાછળ આજે મુંબઈ શેરબજારના સેન્સેક્સ તેમજ એનએસઇના નિફ્ટીએ વધુ એક નવો વિક્રમ રચ્યો હતો વિદેશી રોકાણકારોની આગેવાની હેઠળ ચોમેરથી નીકળેલી નવી લેવાલી પાછળ આજે ઇન્ટ્રા ડે સેન્સેક્સ ઉછળીને ૬૪,૦૦૦ની અને નિફ્ટી ૧૯,૦૦૦ની ઐતિહાસિક સપાટી કૂદાવી દીધી હતી. જો કે, કામકાજના અંતિમ તબક્કામાં ઉંચા મથાળે નફારૂપી વેચવાલીના દબાણે બન્ને ઇન્ડેક્સ તેમના ઉંચા મથાળા ગુમાવી બંધ રહ્યા હતા.

અલ-નીનોનું જોખમ માથે હોવા છતાં દેશભરમાં ચોમાસાની સારી શરૂઆત, કોર્પોરેટ ક્ષેત્રે બેંકિંગ જાયન્ટ એચડીએફસી અને એચડીએફસી બેંકના મેગા-મર્જર, બેંકોની એનપીએમાં ઘટાડો, ચાલુ ખાતાની ખાધમાં ઘટાડો, વૈશ્વિક સ્તરે ફેડરલની સાવચેતીભરી નીતિ પાછળ વૈશ્વિક બજારોમાં સુધારો સહિતના અન્ય પરિબળોની આજે ભારતીય શેરબજાર પર સાનુકૂળ અસર થવા પામી હતી.

આ અહેવાલો પાછળ આજે વિદેશી રોકાણકારો, ખેલાડીઓ, ફંડો તેમજ રોકાણકારો દ્વારા નવી લેવાલી હાથ ધરાતા આજે કામકાજના પ્રારંભથી જ બજારમાં સુધારા તરફી વલણ જોવા મળ્યું હતું. જેના પગલે બપોરના સમયે સેન્સેક્સ ૬૪,૦૦૦ની મહત્ત્વની સપાટી કૂદાવીને ઇન્ટ્રા-ડે વધીને ૬૪૦૫૦.૪૪ની નવી ઓલટાઇમ હાઇ સપાટી રચી હતી.

 બીજી તરફ એનએસઇ ખાતે નિફ્ટીએ પણ ઝડપથી આગળ વધી ઇન્ટ્રા-ડે ૧૯,૦૦૦ની મહત્ત્વની સપાટી કૂદાવી ૧૯૦૧૧.૨૫ની નવી ઓલટાઇમ હાઇ સપાટીની રચના કરી હતી.

જો કે, કામકાજના અંતિમ તબક્કામાં ઉંચા મથાળે નફારૂપી વેચવાલીનું દબાણ આવતા સેન્સેક્સ ૪૯૯ પોઇન્ટ ઉછળીને ૬૩૯૧૫ની અને નિફ્ટી ૧૫૫ પોઇન્ટ વધીને ૧૮૯૭૨ની સપાટીએ મજબૂત રહ્યો હતો. 

વિદેશી રોકાણકારોએ આજે રૂ. ૧૨૩૫૦ કરોડની નવી ખરીદી કરી હતી. બીજી તરફ સ્થાનિક સંસ્થાઓએ રૂ. ૧૦૨૧ કરોડની વેચવાલી હાથ ધરી હતી.

સેન્સેક્સમાં નોંધાયેલ ઉછાળાને પગલે આજે રોકાણકારોની સંપત્તિમાં (બીએસઇ માર્કેટ કેપ) રૂ. ૧.૯૮ લાખ કરોડનો વધારો થતા અંતે રૂ. ૨૯૪.૧૧ લાખ કરોડની વિક્રમી સપાટીએ પહોચી હતી.