×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉત્તરપ્રદેશના દેવબંદમાં ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર આઝાદ પર જીવલેણ હુમલો, ગોળી મારી

લખનઉ, તા.28 જૂન-2023, બુધવાર

ઉત્તરપ્રદેશના દેવબંદમાં ભીમ આર્મીના ચીફ ચંદ્રશેખર આઝાદ પર જીવલેણ હુમલો થવાની ઘટના સામે આવી છે. હરિયાણાના પાસીંગની કારમાં આવેલા હુમલાખોરોએ પીછો કરીને ચંદ્રશેખર આઝાદ પર ગોળીઓ વરસાવી હોવાના મામલો સામે આવ્યો છે. મળતા અહેવાલો મુજબ ચંદ્રશેખરને કમરમાં ગોળી અડીને નિકળી ગઈ છે.


હરિયાણા પાસિંગની કારમાં આવેલા હુમલાખોરોએ ગોળીઓ વરસાવી

મળતા અહેવાલો મુજબ સહારનપુરના દેવબંદમાં ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ પર જીવલેણ હુમલો કરાયો છે. તેઓ દેવબંદમાં એક સમર્થકના ઘરે તેરમાં સંસ્કારમાં ગયા હતા. અહેવાલો મુજબ કારમાં સવાર બદમાશોએ તેમના પર ગોળીબાર વરસાવી હતી. કાર પર હરિયાણાની નંબર પ્લેટ હતી. આ ગોળીબારની ઘટનામાં ચંદ્રશેખરની કારને પણ નુકસાન થયું છે... ગોળીબારથી કારનો કાચ તૂટી ગયો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટનામાં ચંદ્રશેખર આઝાદનો આબાદ બચાવ થયો છે. તેમને સામાન્ય ઈજા થતાં દેવબંધની હોસ્પિટલ લઈ જવાયા છે અને ત્યાંથી અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવાની તૈયારીઓ ચાલી રહી છે.


ગોળી ચંદ્રશેખરની કમરને અડીને બહાર નિકળી ગઈ

મળતી માહિતી મુજબ ચંદ્રશેખર આઝાદ પર હુમલા બાદ તેમના સમર્થકો ઘટના સ્થળે પહોંચી રહ્યા છે. તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં તપાસ બાદ તેઓ સુરક્ષિત હોવાની માહિતી મળી છે. ગોળી ચંદ્રશેખરની કમરને અડીને બહાર નિકળી ગઈ હતી. ભીમ આર્મી ચીફ પર હુમલા બાદ તેમના સમર્થકો ગુસ્સે ભરાયા છે. તો બીજીતરફ વિપક્ષના નેતા ધારાસભ્ય અતુલ પ્રધાને ઉત્તરપ્રદેશમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવ્યા છે.


SSPએ હુમલાની પુષ્ટિ કરી

સહારનપુરના SSP વિપિન ટાડાએ જણાવ્યું કે, આરોપીઓની વહેલી તકે ઝડપી લેવામાં આવશે. SSPએ પણ હુમલાખોરો કારમાં આવ્યા હોવાની પુષ્ટિ કરી છે. બીજી તરફ આઝાદ સમાજ પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ રવીન્દ્ર ભાટીએ જણાવ્યું કે, અમે સરકાર પાસે ચંદ્રશેખર આઝાદ માટે સુરક્ષા માંગી હતી, પરંતુ સરકારે કોઈ જવાબ ન આપ્યો. અમારી સંસ્થા 22 રાજ્યોમાં છે. ચંદ્રશેખર આઝાદ દરેક જગ્યાએ જાય છે પરંતુ તેમની સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી ન હતી.

કારના દરવાજા પર બુલેટના નિશાન

સૂત્રોના જણાવ્યા અનુસાર, જ્યારે ભીમ આર્મી ચીફ ચંદ્રશેખર આઝાદ પર ફાયરિંગ થયું ત્યારે તેઓ કારમાં હતા. ફાયરિંગમાં તેમની કારના કાચ તૂટી ગયા છે. કારના દરવાજા પર બુલેટના નિશાન પણ જોવા મળી રહ્યા છે. કેટલા રાઉન્ડ ફાયરિંગ થયું તે હજુ સુધી જાણી શકાયું નથી. ભીમ આર્મી ચીફને જ્યાં દાખલ કરવામાં આવ્યા છે ત્યાં ભારે પોલીસ બંદોબસ્ત મુકાયો છે. ચંદ્રશેખર આઝાદને પોલીસ સુરક્ષા હેઠળ લેવામાં આવ્યા છે.