×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

USમાં કોરોના રાહત કાર્યક્રમ હેઠળ સંભવિત 200 બિલિયન ડૉલરની મસમોટી છેતરપિંડી! રિપોર્ટમાં દાવો

image : Envato 


એક ફેડરલ વાચડોગના અહેવાલ અનુસાર અમેરિકી સરકારના કોરોના રાહત કાર્યક્રમમાંથી લગભગ 200 બિલિયન ડૉલરની મસમોટી ચોરી કરાઈ છે . સાથે એવા પણ અહેવાલ છે કે અમેરિકાના સ્મોલ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન (SBA)એ ઉતાવળે ફંડ રિલીઝ કરવામાં તેનું નિયંત્રણ ગુમાવી દીધું. 

SBAના ઈન્સ્પેક્ટર જનરલે આપેલી માહિતીમાં ચોંકાવનારો ખુલાસો   

સરકારની કોરોના વાયરસ ઈકોનોમિક ઈન્જરી ડિજાસ્ટર લોન (EIDL) અને પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ (PPP) જેવી યોજનાઓ હેઠળ 17% ફંડ તો સંભવિત ફ્રોડ લોકોને આપી દેવાયું. આ માહિતી SBAના ઈન્સ્પેક્ટર જનરલના કાર્યાલય વતી જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં સામે આવી હતી. કોરોના મહામારીના સમયગાળા દરમિયાન SBA દ્વારા EIDL અને PPP યોજનાઓ હેઠળ 1.2 ટ્રિલિયન ડોલરનું વિતરણ કરાયું હતું. વોચડોગ દ્વારા કરાયેલા દાવા અનુસાર 200  બિલિયન ડૉલરની છેતરપિંડી કરાઈ  છે. 

વોચડોગના દાવાને  SBA દ્વારા ફગાવાયો 

SBAએ કહ્યું કે વોચડોગ દ્વારા રજૂ કરાયેલો 200 બિલિયન ડોલરનો આંકડો વિવાદિત છે. તે વધારી ચઢાવીને રજૂ કરાયો છે. એજન્સીએ કહ્યું કે અમારા નિષ્ણાતોના મતે કુલ 36 બિલિયન ડોલરની જ છેતરપિંડી થઈ છે અને તેમાંથી 86 ટકા ફ્રોડ તો 2020માં થયા હતા. તે સમયે રાષ્ટ્રપતિ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં સત્તામાં હતા. વર્તમાન રાષ્ટ્રપતિ બાયડેને તો જાન્યુઆરી 2021માં સત્તા સંભાળી હતી. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં સરકારી સહાય યોજનાઓને લગતી છેતરપિંડીના અનેક કેસની તપાસ ચાલી રહી છે. મે 2021માં એટોર્ની જનરલ મેરિક ગાર્લેન્ડે કોરોના ફ્રોડ એન્ફોર્સમેન્ટ ટાસ્ક ફોર્સની રચના કરી હતી. તેના માટે ફેડરલ પ્રોસિક્યૂટર તરીકે કેવિન ચેમ્બરની નિમણૂક કરાઈ હતી.