×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

એક દેશ બે કાયદાઓથી કેવી રીતે ચલાવી શકાય : મોદી


- પીએમ મોદીએ ભલામણ કરતા યુનિફોર્મ સિવિલ કોડની ચર્ચા ફરી શરૂ

- વિપક્ષે મુસ્લિમો સાથે તુષ્ટિકરણ અને વોટ બેન્કનું રાજકારણ કર્યું  ટ્રિપલ તલાક મુસ્લિમ દેશોએ વર્ષો પહેલાં જ પડતા મૂકી દીધા 

- વડાપ્રધાન મોદીએ ભોપાલથી એક સાથે પાંચ વંદેભારત એક્સપ્રેસ દેશને સમર્પિત કરી

- યુનિફોર્મ સિવિલ કોડનો મુસદ્દો તૈયાર કરવા સપ્ટેમ્બર 2022માં પેનલ બનાવાઈ હતી, કાયદા પંચે નવેસરથી ચર્ચા પ્રક્રિયા શરૂ કરી છે

ભોપાલ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે દેશમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલની જરૂરિયાત પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, બંધારણમાં બધા જ નાગરિકો માટે સમાન અધિકારોનો ઉલ્લેખ કરાયો છે અને એક દેશ બે કાયદાઓથી કેવી રીતે ચાલી શકે તેવો પણ તેમણે સવાલ કર્યો હતો. આ સાથે પીએમ મોદીએ ભાજપ કાર્યકરોને સંબોધન કરતાં ટ્રિપલ તલાક, પસમાંદા મુસ્લિમો સહિતના મુદ્દાઓ પર વિપક્ષને આડે હાથ લીધો હતો અને વિપક્ષે મુસ્લિમો સાથે હંમેશા વોટ બેન્કનું રાજકારણ કર્યું હોવાનો આક્ષેપ મૂક્યો હતો.

મધ્ય પ્રદેશમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે ભોપાલમાં પક્ષના કાર્યકરોને સંબોધન કરતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, એક ઘરમાં એક સભ્ય માટે એક કાયદો અને બીજા સભ્ય માટે બીજો કાયદો કેવી રીતે ચાલી શકે? શું આ રીતે ઘર ચાલી શકે? જો ઘર ના ચાલી શકતું હોય તો આવી બેવડી વ્યવસ્થાથી દેશ કેવી રીતે ચાલી શકે? આપણે યાદ રાખવું જોઈએ કે ભારતના બંધારણમાં પણ બધા જ લોકો માટે સમાન અધિકારોનો ઉલ્લેખ કરાયો છે. સુપ્રીમ કોર્ટે પણ વારંવાર કહ્યું છે કે સમાન નાગરિક સંહિતા (યુસીસી) બનાવો. 

વડાપ્રધાને ઉમેર્યું હતું કે, ભાજપે મુસ્લિમોના તુષ્ટીકરણ અને વોટ બેન્કનું રાજકારણ નહીં કરવાનો નિર્ણય કર્યો છે. વિપક્ષે હંમેશા મુસ્લિમોનો વોટ બેન્ક તરીકે ઉપયોગ કર્યો છે. તુષ્ટીકરણની નીતિ દેશ માટે ઘાતક છે. વોટ બેન્કના રાજકારણે પસમાંદા મુસ્લિમોનું જીવન મુશ્કેલ કરી નાંખ્યું છે. વોટ બેન્ક માટે પછાત ગણાતા પસમાંદા મુસ્લિમો સાથે સમાન વ્યવહાર કરવામાં આવતો નથી. ઉત્તર પ્રદેશ, બિહાર, દક્ષિણ ભારત વિશેષરૂપે કેરળ, આંધ્ર પ્રદેશ, તેલંગણા અને તમિલનાડુમાં અનેક જાતિના લોકો તુષ્ટીકરણની નીતિના કારણે વિકાસથી વંચિત રહી જાય છે. કેટલાક લોકો મુસ્લિમોને ઉશ્કેરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. વિપક્ષે સમાન નાગરિક સંહિતા (યુસીસી) મુદ્દે મુસ્લિમોને ઉશ્કેરવાનું કામ કર્યું છે. 

તેમણે જણાવ્યું કે, વિપક્ષે ટ્રિપલ તલાક મુદ્દે પણ મુસ્લિમોને ઉશ્કેરવાનું કામ કર્યું હતું. અનેક મુસ્લિમ દેશોમાં પણ ટ્રિપલ તલાક બંધ થઈ ગયા છે. ટ્રિપલ તલાકે મુસ્લિમ પુત્રીઓ સાથે ઘણો અન્યાય કર્યો હતો. જે લોકો તેની વકીલાત કરે છે તેઓ વોટ બેન્કના ભૂખ્યા છે અને મહિલાઓ સાથે અન્યાય કરી રહ્યા છે. ટ્રિપલ તલાક આખા પરિવારનો નાશ કરી દે છે. મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાં પણ ટ્રિપલ તલાક પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. હું હમણાં જ ઈજિપ્તના પ્રવાસે ગયો હતો. તે લોકોએ ૮૦-૯૦ વર્ષ પહેલાં જ ટ્રિપલ તલાક ખતમ કરી દીધા હતા. આ બાબત દર્શાવે છે કે ટ્રિપલ તલાકને ઈસ્લામ સાથે કોઈ સંબંધ નહોતો. જો તેમ હોત તો પાકિસ્તાન, કતાર અને અન્ય મુસ્લિમ બહુમતીવાળા દેશોએ ટ્રિપલ તલાકનો કાયદો નાબૂદ ના કર્યો હોત.

વડાપ્રધાન મોદીએ વિપક્ષી એકતા પર પણ હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે આ લોકો જેલના સળીયા જોઈને હાથ મિલાવી રહ્યા છે. વિપક્ષ કૌભાંડોની ગેરેન્ટી આપી શકે છે. તેમની પાસે કૌભાંડોનો અનુભવ છે. તેમણે રાજદ, તૃણમૂલના કૌભાંડો ગણાવ્યા હતા. જોેકે, તેમણે ઉમેર્યું કે, પોતે ગરીબોને લૂંટનારા વિરુદ્ધ આકરી કાર્યવાહીની  ગેરેન્ટી આપે છે. 

નોંધનીય છે કે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં સમાન નાગરિક સંહિતા તૈયાર કરવા માટે એક પેનલની જોગવાઈ કરનારું અંગત બિલ વિપક્ષના ભારે વિરોધ છતાં રાજ્યસભામાં રજૂ કરાયું હતું. આ મહિનાની શરૂઆતમાં કાયદા પંચે સમાન નાગરિક સંહિતા પર નવેસરથી ચર્ચા પ્રક્રિયા શરૂ કરી છે, જેમાં રાજકીયરૂપે સંવેદનશીલ મુદ્દાઓ પર પણ હિસ્સેદારોને વિચાર રજૂ કરવા જણાવાયું છે.

આ પહેલાં વડાપ્રધાન મોદીએ ભોપાલના રાણી કમલાપતિ રેલવે સ્ટેશન પરથી દેશના અલગ અલગ શહેરોને જોડતી પાંચ વંદેભારત એક્સપ્રેસ ટ્રેન દેશને સમર્પિત કરી હતી. પીએમ મોદીએ રાણી કમલાપતિ સ્ટેશન પરથી બે એક્સપ્રેસને પ્રત્યક્ષરૂપે જ્યારે ત્રણને વર્ચ્યુઅલ રીતે લિલિઝંડી આપી હતી. પીએમ મોદીએ કહ્યું કે, આ ટ્રેનો મધ્ય પ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ગોવા, બિહાર અને ઝારખંડમાં રેલવેની કનેક્ટિવિટી સુધારશે. દેશમાં પહેલી વખત એક જ સ્ટેશન પરથી એક સાથે પાંચ વંદેભારત એક્સપ્રેસને લીલીઝંડી બતાવાઈ હોય.

સમાન નાગરિક સંહિતા શું છે?

સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી)નો અર્થ છે - ભારતના દરેક નાગરિક માટે એક સમાન કાયદો, પછી તે કોઈપણ ધર્મ અથવા જાતિનો કેમ ના હોય. જે રાજ્યમાં યુસીસી લાગુ થશે ત્યાં લગ્ન, છૂટાછેડા, બાળકોને દત્તક લેવા, ઉત્તરાધિકાર, જમીન-સંપત્તિના વિભાજનમાં બધા જ ધર્મો માટે એક જ કાયદો લાગુ થશે. સરળ શબ્દોમાં સમજીએ તો યુનિફોર્મ સિવિલ કોડ એટલે દેશના બધા નાગરિકો માટે એક સમાન પર્સનલ લૉ અને આ કાયદો લાગુ કરવાની જવાબદારી રાજ્યોની હશે.

સમાન નાગરિક સંહિતા મુદ્દે વિપક્ષનો મોદી પર હુમલો

યુસીસી પહેલાં હિન્દુઓ પર લાગુ કરી બતાવો : ડીએમકે

- પીએમ મોદીએ બેરોજગારી, મોંઘવારી અને ગરીબી અંગે જનતાને જવાબ આપવો જોઈએ : કોંગ્રેસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં સમાન નાગરિક સંહિતા (યુસીસી)ની ભલામણ કરતાં કોંગ્રેસ, તમિલનાડુના ડીએમકે સહિતના પક્ષો વડાપ્રધાન પર તૂટી પડયા હતા. ડીએમકેએ વડાપ્રધાનને પહેલાં હિન્દુઓ પર સમાન નાગરિક સંહિતા લાગુ કરી બતાવવા પડકાર ફેંક્યો હતો. 

તમિલનાડુના શાસક પક્ષ ડીએમકેના નેતા ટીકેએલ એલંગોવને કહ્યું કે, વડાપ્રધાન મોદીએ પહેલાં હિન્દુઓ માટે સમાન નાગરિક સંહિતા લાગુ કરવી જોઈએ. ત્યાર પછી બધી જ જાતિઓના લોકોને મંદિરોમાં પ્રાર્થના કરવાની મંજૂરી આપવી પડશે. અનુસૂચિત જાતિ અને જનજાતિ સહિત દરેક વ્યક્તિને દેશના કોઈપણ મંદિરમાં પ્રાર્થના કરવાની મંજૂરી આપવી પડશે. અમને સમાન નાગરિક સંહિતા માત્ર એટલા માટે નથી જોઈતી કારણ કે બંધારણે દરેક ધર્મને સુરક્ષા આપી છે.

કોંગ્રેસે પણ સમાન નાગરિક સંહિતાના નિવેદન મુદ્દે વડાપ્રધાનની ટીકા કરી હતી. કોંગ્રેસ નેતા કેસી વેણુગોપાલે કહ્યું કે, પીએમ મોદીએ પહેલા દેશમાં ગરીબી, મોંઘવારી અને બેરોજગારી અંગે જવાબ આપવો જોઈએ. તેઓ મણિપુર મુદ્દે કશું બોલી નથી રહ્યા. દેશનું આ રાજ્ય છેલ્લા બે મહિનાથી હિંસામાં સળગી રહ્યું છે. વડાપ્રધાન મોદી માત્ર આ મુદ્દાઓથી લોકોનું ધ્યાન ભટકાવી ધુ્રવીકરણ કરી રહ્યા છે.