×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હિમાચલમાં પૂરમાં હજારો ફસાયા રાજસ્થાનમાં વિજળીથી 4નાં મોત


- ચોમાસાએ દેશના 80 ટકા વિસ્તારને આવરી લીધો

- હિમાચલમાં 15 કિમી સુધી ટ્રાફિક જામ રહ્યો, 200થી વધુ પર્યટકોએ રોડ પર જ રાત પસાર કરવી પડી : ભુસ્ખલનને કારણે ચંડીગઢ-મનાલી નેશનલ હાઇવે બંધ કરવો પડયો

નવી દિલ્હી : વિવિધ રાજ્યોમાં ચોમાસાનું આગમ થઇ ચુક્યું છે. એવામાં રાજસ્થાનમાં વરસાદ સાથે વિજળી પડી હતી જેમાં ચાર લોકો માર્યા ગયા હતા. જ્યારે હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ ઉભી થઇ હતી. અહીંના ચંડીગઢ-મનાલી નેશનલ હાઇવે પર હજારો લોકો ફસાયા હતા. આ હાઇવેને વરસાદને કારણે બંધ કરી દેવો પડયો હતો. પૂર અને ભુસ્ખલનને કારણે હાઇવે બંધ રહેતા ૧૫ કિમી સુધી ટ્રાફિકની મોટી સમસ્યા ઉભી થઇ હતી અને અનેક લોકો કલાકો સુધી ફસાયા હતા. અનેક પર્યટકોએ રોડ પર જ રાત પસાર કરવી પડી હતી. 

જ્યારે જમ્મુ-શ્રીનગર હાઇવેને પણ વરસાદને કારણે બંધ કરવો પડયો હતો. અહીંના રામબાનમાં સ્કૂલોને બંધ રાખવી પડી હતી. રવિવારે દિલ્હી અને મુંબઈમાં એક જ દિવસે વર્ષાનું આગમન થઈ ગયું છે. આવું ૬૨ વર્ષે બન્યું છે. તેથી એક વિક્રમ સર્જાયો છે. પરંતુ તેને ઋતુ પરિવર્તન સાથે નથી જોડવામાં આવી રહ્યું. હવામાન વિભાગ આ સાથે જણાવે છે કે, આ વર્ષે વર્ષા ભારતના ૮૦ ટકા ભાગમાં છવાઈ ગઈ છે. બંગાળના ઉપસાગરમાં બનેલાં હળવાં દબાણને લીધે દેશના વિવિધ વિસ્તારોમાં મોન્સૂન નિર્ધારિત સમય પૂર્વે ઘણી ઝડપથી પહોંચી ગયું છે.

હવામાન વિભાગ જણાવે છે કે મુંબઈમાં મોન્સૂન પહોંચવાની તારીખ સામાન્યત: ૧૧મી જૂન છે, જ્યારે દિલ્હી માટે તે ૨૭ જૂન છે. પત્રકારો સાથેની વાતચીતમાં ડૉ. નરેશ કુમારે તે પણ સ્પષ્ટતા કરી હતી કે વરસાદ વહેલો થવાની ઘટનાને ઋતુ પરિવર્તન સાથે જોડી શકાય તેમ નથી. કારણ કે તે નિશ્ચય કરવા માટે ૩૦થી ૪૦ વર્ષનો ડેટા જોઈએ. આ વર્ષે અચાનક જ તેવું બન્યું છે કે, બંને શહેરોમાં એક જ દિવસે મોન્સૂન પહોંચ્યું છે.  તેઓએ વધુમાં કહ્યું હતું કે આ વર્ષે મોન્સૂને નવી પેટર્ન જ દર્શાવી છે, અને દેશના વિવિધ ભાગોમાં તે ઘણી ઝડપથી પહોંચી ગયું છે. આસામ ઉપર વાદળો છવાઈ ગયાં છે. જોકે હજી ત્યાં ભારે વરસાદની શક્યતા નથી. રૂદ્રપ્રયાગ અને ઉત્તરાખંડમાં ૧૨ સે.મી. જેટલો ભારે વરસાદ થવાની શક્યતા છે. ઉત્તરાખંડના પિથોરગઢમાં ખરાબ મોસમની આશંકાથી ઉચ્ચ હિમાલયના વિસ્તારોમાં પર્યટકો અને ટ્રેકર્સને જવા ઉપર પ્રતિબંધ મુકાયો છે. તેઓનાં આવન-જાવન ઉપર નજર રખાઈ રહી છે. નિરીક્ષકો કહે છે કે સપ્ટેમ્બરમાં યોજાનારી જી૨૦ પરિષદ પહેલાં દેશભરમાં હરિયાળી છવાઈ જશે.