×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

પીઓકે ગમે ત્યારે પાક. પાસેથી પરત લઈશું : સંરક્ષણ મંત્રી


- રાજનાથ સિંહનું જમ્મુ યુનિવર્સિટીમાં સંબોધન : કાશ્મીરમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે

- પીઓકે ભારતનો અભિન્ન હિસ્સો, ત્યાંના લોકોની આપણી સાથે જોડાવાની માગણી તીવ્ર બની: પાકિસ્તાન પોતાનું ઘર સંભાળે, કાશ્મીરમાં દખલ ચલાવી લેવાશે નહીં

- ભારતીય સૈન્ય બોર્ડર નજીક અને જરૂર પડયે સરહદ પાર પણ ઓપરેશન ચલાવીને આતંકવાદી પ્રવૃત્તિને ડામવા માટે તૈયાર : સૈન્યની ત્રણેય પાંખો આધુનિક હથિયારોથી સજ્જ

જમ્મુ : સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ એક દિવસ માટે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે ગયા હતા. જમ્મુ યુનિવર્સિટીમાં સુરક્ષા સંમેલનમાં સંબોધન કરતી વખતે સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું કે ભારત ગમે ત્યારે પાકિસ્તાન પાસેથી પીઓકે લઈ લેશે. પીઓકે ભારતનો અભિન્ન હિસ્સો છે. પાકિસ્તાન ગેરકાયદે કબજો જમાવી શકે તેમ નથી. ત્યાંના લોકો પણ ભારત સાથે જોડાઈ જવા બેતાબ છે. પાકિસ્તાન કાશ્મીરમાં દખલ કરવાને બદલે પોતાનું ઘર સંભાળે. જો આતંકવાદી ગતિવિધિ વધશે તો ભારતીય સૈન્ય સરહદ પાર જઈને પણ જવાબ આપશે. ભારતે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે, જેને દુનિયાભરના દેશોનું સમર્થન મળી રહ્યંો છે. આધુનિક હથિયારોથી સજ્જ ભારતીય સૈન્ય આતંકવાદી પ્રવૃત્તિને બિલકુલ ચલાવી લેશે નહીં.

જમ્મુ યુનિવર્સિટીમાં સંરક્ષણ સંમેલનમાં રાજનાથ સિંહે ૪૦ મિનિટનું ભાષણ આપ્યું હતું. એ દરમિયાન તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકારે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અજમાવી છે. એટલે કે આતંકવાદી પ્રવૃત્તિ સદંતર અસ્વીકાર્ય છે. આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપવામાં આવશે એવી નીતિ મોદી સરકારે અમલમાં મૂકી છે. તેના કારણે જો જરૂર પડશે તો ભારતીય લશ્કર સરહદ નજીક અને સરહદ પાર પણ આતંકવાદીઓનો ખાતમો બોલાવશે. વિશ્વ પણ આ નીતિમાં ભારતની સાથે છે. કેટલાય દેશો આતંકવાદ સામે આવી જ પોલિસી લાગુ પાડીને આકરી કાર્યવાહી કરી રહ્યા છે. ભારત એમાં અગ્રેસર છે. રાજનાથ સિંહે દાવો કર્યો હતો કે પુલવામાના હુમલા બાદ માત્ર ૧૦ જ મિનિટમાં સર્જિકલ સ્ટ્રાઈકનો નિર્ણય લેવાયો હતો. તેમણે ઉમેર્યું હતું: ભારત હવે પહેલા જેવું રહ્યું નથી. ભારત હવે વધારે શક્તિશાળી બન્યું છે. જરૂર પડશે તો પેલી પાર જઈને પણ કાર્યવાહી થશે.

સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું કે ટૂંક સમયમાં જમ્મુ-કાશ્મીરમાં લોકશાહી સ્થાપવાની પ્રક્રિયા હાથ ધરાશે અને ચૂંટાયેલી સરકારના હાથમાં રાજ્યનું સુકાન હશે. ચૂંટણી ટૂંક સમયમાં યોજાશે એવું કહેવાયું હતું. જોકે, તેની કોઈ ટાઈમલાઈન રાજનાથ સિંહે આપી ન હતી. તેમણે કહ્યું કે ભારતે ખાસ કંઈ કરવાની જરૂર જ નથી. ત્યાંનાં લોકો વારંવાર ભારત સાથે જોડાઈ જવા માટે નારા લગાવે છે. પીઓકેના લોકો ભારત સાથે રહેવા માગે છે અને એ કોઈ નાની વાત નથી. પાકિસ્તાનની સરકાર ગેર કાયદે કબજો જમાવે છે તે બિલકુલ અયોગ્ય છે. ભારતે પીઓકેને લઈને સંસદમાં ત્રણ પ્રસ્તાવ પાસ કર્યા છે. જરૂર પડશે તો હજુય નવો પ્રસ્તાવ લાવીશું. 

રાજનાથ સિંહે દાવો કર્યો હતો કે સરકારે છેલ્લાં નવ વર્ષમાં કાશ્મીરમાંથી આતંકવાદ ખતમ કરવા અસંખ્ય અસરકારક પગલાં ભર્યા છે. તેના કારણે હવે કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિ ઘણી ઘટી ગઈ છે અને રાજ્યમાં રોજગારીનું સર્જન થયું છે. તેમણે ચીનના સંદર્ભમાં કહ્યું હતું કે કેટલાક મતભેદો છતાં ઘણાં એવા પ્રોટોકોલ અને કરારો છે. પરિણામે બંને દેશોનું સૈન્ય એનું પાલન કરે છે. ચીન-ભારતની સરહદે સંપૂર્ણ શાંતિ સ્થાપવા પ્રયાસો ચાલી રહ્યાં છે.વાટાઘાટોથી બધા વિવાદો ઉકેલવા માટે બંને દેશો વચ્ચે વાર્તાલાપ ચાલી રહ્યો છે.

ભારતીય સૈન્ય વધુ શક્તિશાળી બન્યું છે એવું કહીને રાજનાથ સિંહે દાવો કર્યો હતો કે છેલ્લાં ઘણાં વર્ષોથી સૈન્યના દળોને આધુનિક હથિયારો અને શસ્ત્રસામગ્રી મળી છે. વળી, સ્વદેશી સંરક્ષણ સામગ્રીનું ઉત્પાદન ઝડપભેર વધી રહ્યું છે અને આગામી મહિનાઓમાં સંરક્ષણ નિકાસ ૨૦ હજાર કરોડને પાર પહોંચી જશે.