×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉત્તરાખંડમાં મોટા સંકટના એંધાણ ! ગોપીનાથ મંદિર એક તરફ નમ્યું હોવાનો દાવો, આસપાસ તિરાડો પડી

ચમૌલી, તા.26 જૂન-2023, સોમવાર

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના મુખ્યમથક ગોપેશ્વર સ્થિત ગોપીનાથ મંદિરને લઈ મોટા અહેવાલો સામે આવ્યા છે. ગોપીનાથ મંદિર આંશિક નમ્યું હોવાનો, ગર્ભગૃહમાં પાણી ટપકવાનો તેમજ મંદિરની આસપાસ તિરાડો પડવાનો મામલો સામે આવ્યો છે. સ્થાનિક હક-હકૂક ધારી અને મંદિરના પુજારીઓ દ્વારા દાવો કરાયો છે કે, છેલ્લા ઘણા વર્ષોથી મંદિરમાં કંઈક અલગ જ પરિવર્તન જોવા મળી રહ્યા છે, જેનાથી આવનારા સમયમાં મોટું સંકટ આવી શકે છે. હક-હકૂક ધારી અને પુજારીઓએ જણાવ્યું કે, આ સંપૂર્ણ ઘટના અંગે પુરાતત્વ વિભાગને જાણ કરવામાં આવી છે. બીજી તરફ જોશીમઠના મકાનોમાં તિરાડો પડવાના કિસ્સામાં વહીવટીતંત્રે અત્યાર સુધીમાં 20 કરોડ રૂપિયાનું વળતર વિતરણ કર્યું છે.

તિરાડો અને તેમાંથી આવતા પાણીના પ્રવાહે સ્થાનિકોની ચિંતા વધારી

ગોપીનાથ મંદિરનો ગર્ભગૃહ 30 વર્ગ ફુટમાં ફેલાયોલે છે. આ રુદ્રનાથ ભગવાનની બેઠકનું પ્રસિદ્ધ મંદિર માનવામાં આવે છે. ગોપીનાથ મંદિરના નિર્માણની શૈલી કત્યૂરી હોવાનું કહેવાય છે, જેના કારણે મંદિરની જાળવણીની જવાબદારી પુરાતત્વ વિભાગને સોંપાઈ છે. જોકે ઘરો તેમજ મંદિરમાં તિરાડો અને પાણીના પ્રવાહની ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. હરીશ ભટ્ટ, અતુલ ભટ્ટ હક-હક્ક ધારીએ જણાવ્યું કે, આ બાબતે સ્થાનિક પ્રશાસન તેમજ ઉત્તરાખંડ સરકાર અને પુરાતત્વ વિભાગને અનેક વખત પત્ર લખાયા છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરાઈ નથી.

ચોમાસાના કારણે જોશીમઠ અને કર્ણપ્રયાગનગરના રહેવાસીઓ ચિંતિત

હાલ દેશના ઘણા રાજ્યોમાં ચોમાસું જામ્યું છે, ત્યારે આ ચોમાસાના કારણે જોશીમઠ અને કર્ણપ્રયાગનગરના રહેવાસીઓમાં ચિંતામાં વધારો થયો છે. અગાઉ 6 જાન્યુઆરીના રોજ જોશીમઠમાં તિરાડો પડતી હોવાના મામલો સામે આવ્યો હતો, જોકે હવે આ તિરાડો ઓછી થઈ છે, પરંતુ જો ચોમાસામાં વધુ વરસાદ પડશે તો તિરાડોમાં વધારો થઈ શકે છે, જેને લઈ વહિવટી તંત્રએ વ્યવસ્થાઓ પણ કરી છે.

આફતને ધ્યાને રાખી વહીવટીતંત્રે શું તૈયારીઓ કરી ?

ચમોલીના જિલ્લા અધિકારી હિમાંશુ ખુરાનાએ જણાવ્યું કે, આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈ વહીવટીતંત્ર સતત જોશીમઠ અને કર્ણપ્રયાગ પર ધ્યાન કેન્દ્રીય કરી રહ્યું છે. આપત્તિ સમયે પહોંચી વળવા જોશીમઠમાં એક કંટ્રોલ રૂમ પણ તૈયાર કરાયો છે. અહીં NDRF-SDRFની ટીમો તૈનાત કરાઈ છે. જોશીમઠમાં વહીવટીતંત્રે અત્યાર સુધીમાં 20 કરોડ રૂપિયાનું વળતર ચુકવ્યું છે.