×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સીરિયા પર રશિયાએ આ વર્ષનો સૌથી ક્રૂર હવાઈ હુમલો કર્યો, 13 લોકોએ ગુમાવ્યાં જીવ, 61થી વધુ ઘવાયા

image : Twitter


રશિયાએ રવિવારે ઉત્તર-પશ્ચિમ સીરિયામાં હવાઈ હુમલા કર્યા હતા. જેમાં બે બાળકો સહિત 13 લોકો માર્યા ગયાની માહિતી મળી છે. આ સિવાય 30 લોકો ઘાયલ થયા છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. રશિયાએ બળવાખોર જૂથના કબજા હેઠળના વિસ્તારો પર હુમલો કર્યો હતો. જ્યાં હુમલો કરાયો તે મોટા બજાર જેવા વિસ્તાર હતા. 

આ વર્ષનો સૌથી ક્રૂર હુમલો

યુકે સ્થિત સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સના વડા રામી અબ્દેલ રહેમાને જણાવ્યું હતું કે રવિવારનો હુમલો સીરિયામાં આ વર્ષનો સૌથી ભયંકર હુમલો હતો. ગયા અઠવાડિયે બળવાખોરોએ રશિયા પર ડ્રોન વડે હુમલો કર્યો હતો, જેનો હવે રશિયાએ જવાબ આપ્યો છે. જોકે, રશિયા સીરિયાના રાષ્ટ્રપતિ બશર અસદના શાસનનું સમર્થન કરે છે.

અચાનક મચી ગયો હાહાકાર 

હુમલા વખતે સ્થળ પર હાજર સાદ ફાતો (35) નામના એક મજૂરે કહ્યું કે હું બજારમાં હતો. જ્યારે તેના પર હુમલો થયો ત્યારે તે કારમાંથી ટામેટાં અને કાકડીઓ ઉતારી રહ્યો હતો. અચાનક મારી સામે એક હાહાકાર મચી ગયો.  ચારે બાજુ માત્ર ચીસો અને લોહી જ હતું. મેં ઘાયલ લોકોને મદદ કરી. આ ઘટના વિશે વિચારવું વિચિત્ર છે, તે ખૂબ જ ડરામણું દ્રશ્ય હતું. રશિયાએ અમારા પર હુમલો કર્યો છે. અન્ય એક વ્યક્તિએ જણાવ્યું કે ફક્ત જ્યાં જુઓ ત્યાં કાળો ધૂમાડો ફેલાઈ ગયો હતો. 

ગીચ વિસ્તારમાં હુમલો

અબ્દેલ રહેમાનનું કહેવું છે કે રશિયાએ ઉત્તર-પશ્ચિમ સીરિયાના બે અલગ-અલગ વિસ્તારોમાં હુમલો કર્યો. પહેલો હુમલો જિસર અલ-શુગુર શહેરમાં કરવામાં આવ્યો હતો, જેમાં છ નાગરિકો અને ત્રણ બળવાખોરો માર્યા ગયા હતા. જ્યારે બીજો હુમલો ઇદલિબ શહેરની બહારના વિસ્તારમાં થયો હતો. ઇદલિબમાં બે બાળકો અને એક બળવાખોર સહિત ત્રણ નાગરિકો મૃત્યુ પામ્યા. તમામ બળવાખોરો તુર્કીસ્તાન ઈસ્લામિક પાર્ટીના લડવૈયા હતા. હુમલામાં લગભગ 30 લોકો ઘાયલ થયા છે, જેમની સારવાર ચાલી રહી છે. આશંકા છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે.