×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

યોગેશ્વર દત્તના નિવેદનથી વધ્યો વિવાદ : સાક્ષી મલિક સહિત 6 કુસ્તીબાજોએ રમત-ગમત મંત્રીને લખ્યો પત્ર

નવી દિલ્હી, તા.25 જૂન-2023, રવિવાર

પ્રદર્શનકારી કુસ્તીબાજોને ટ્રાયલમાં અપાયેલી રાહત અંગે યોગેશ્વર દત્તે આપેલા નિવેદન બાદ વિવાદ વધ્યો છે. હવે સાક્ષી મલિકે રમત-ગમત મંત્રીને ચિઠ્ઠી લખી છે, જેમાં એશિયન ગેમ્સ માટે યોજાનાર ટ્રાયલને આગળ વધારવા માંગ કરવામાં આવી છે.

6 મહિનાથી આંદોલનમાં હોવાથી અમે પ્રેક્ટીસ કરી શક્યા નથી : સાક્ષી મલિકનું ટ્વિટ

મહિલા કુસ્તીબાજ સાક્ષી મલિકે ટ્વિટ કરીને પત્ર જાહેર કર્યો છે. તેમણે ટ્વિટમાં કહ્યું કે, છેલ્લા 6 મહિનાથી આંદોલનમાં સામેલ થવાના કારણે અમે પ્રેક્ટીસ કરી શક્યા નથી, તેથી અમે પ્રદર્શનકારી કુસ્તીબાજોએ માત્ર ટ્રાયલને આગળ વધારવા પત્ર લખ્યો હતો. અમે આ બાબતની ગંભીરતાને સમજીએ છીએ, તેથી આ પત્ર આપની સાથે શેર કરીએ છીએ. દુશ્મન કુસ્તીબાજોની એકતા તોડવા માંગે છે, તેને સફળ નહીં થવા દઈએ.

એશિયન ગેમ્સ-વર્લ્ડ ચેમ્પિયનશીપના ટ્રાયલ્સ માટે અમને વધુ સમયની જરૂર : સાક્ષી

આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, કુસ્તીબાજોના આંદોલનમાં સામેલ થનારા કેટલાક કુસ્તીબાજોને એશિયન ગેમ્સ-2023 અને વર્લ્ડ ચેમ્પિયનશીપ 2023ના ટ્રાયલ્સની તૈયારી માટે વધુ સમયની જરૂર છે. આ ટ્રાયલને 10 ઓગસ્ટ બાદ યોજવા માટે વિનંતી કરવામાં આવી છે. પત્ર લખી જે કુસ્તીબાજોએ ટ્રાયલને આગળ વધારવાની વિનંતી કરી છે, તેમાં વિનેશ ફોગાટ, બજરંગ પૂનિયા, સાક્ષી મલિક, સત્યવ્રત કાદિયાં, સંગીતા ફોગાટ અને જિતેન્દ્ર કુમારનું નામ સામેલ છે.

સાક્ષી-વિનેશ-પૂનિયાએ યોગેશ્વર દત્ત પર લગાવ્યો આરોપ

વાસ્તવમાં ઓલમ્પિક વિજેતા સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પૂનિયાએ કુસ્તીબાજ યોગેશ્વર દત્ત પર ખોટા નિવેદન કરવાનો આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે, યોગેશ્વર દત્તક ખોટી જાણકારી આપી રહ્યો છે.

આંદોલનકારી કુસ્તીબાજોને ટ્રાયલ્સમાં રાહત અપાતા યોગેશ્વર દત્તે ઉઠાવ્યો વાંધો

આંદોલનકારી કુસ્તીબાજોને એશિયન ગેમ્સના ટ્રાયલ્સ માટે રાહત આપવા મામલે કુસ્તીબાજ યોગેશ્વર દત્તે વાંધો ઉઠાવ્યો હતો. દત્તે વીડિયો જારી કરીને કહ્યું હતું કે, ‘ખબર નથી કોણે આવો ક્રાઈટએરિયા બનાવ્યો છે કે, આંદોલન પર બેઠેલા 6 કુસ્તીબાજો સીધા જ ફાઈનલ ટ્રાયલમાં ભાગ લેશે.’

યોગેશ્વરે કહ્યું હતું કે, જો આવી રીતે જ ટ્રાયલ લેવી છે તો આ કુસ્તીબાજો ઉપરાંત ઓલમ્પિકમાં મેડલ વિજેતા રવિ દહિયા, દીપક પૂનિયા, અંશુ મલિક, સોનલ મલિક, જેઓ દેશમાં એક નંબરના કુસ્તીબાજો છે. તેમણે પણ તક આપો. માત્ર 6 કુસ્તીબાજોને રાહત આપવી યોગ્ય વાત નથી.

યોગેશ્વર દત્તના નિવેદન પર વિનેશ ફોગાટે યોગેશ્વર પર નિશાન સાધ્યું

ત્યારબાદ યોગેશ્વર દત્તના નિવેદન પર વિનેશ ફોગાટે યોગેશ્વર પર નિશાન સાધ્યું હતું અને યોગેશ્વર પર બ્રિજભૂષણ સિંહના પગ ચાટવાનો આરોપ લગાવ્યો હતો. વિનેશે સોશિયલ મીડિયા પર એક લાંબી પોસ્ટમાં કહ્યું હતું કે, જ્યારે તેણે યોગેશ્વર દત્તનો વીડિયો સાંભળ્યો ત્યારે તેનું ખરાબ હસવાનું મગજમાં ખટકી... તે મહિલા કુસ્તીબાજો માટે બનેલી બંને સમિતિનો ભાગ હતો. જ્યારે મહિલા કુસ્તીબાજો સમિતિની સામે તેમની ઘટના સંભળાવતા હતા ત્યારે તે ખૂબ જ ખરાબ રીતે હસતો લાગ્યો...

અમે ટ્રાયલમાં રાહત અંગેનો કોઈપણ પત્ર લખ્યો નથી : કુસ્તીબાજો

તો બીજી તરફ કુસ્તીબાજોએ તાજેતરમાં જ એક લાઈવ વીડિયો સંદેશામાં યોગેશ્વર દત્તની ટીકા કરી હતી. સાક્ષી મલિકે કહ્યું હતું કે, અમે ટ્રાયલમાં રાહત અંગેનો કોઈપણ પત્ર લખ્યો નથી... અમે ક્યારેય કોઈનો હક છિનવ્યો નથી અને ક્યારેય કોઈનો હક છિનવીશું નહીં... અમે અહીં છીએ, કેમ કે અમે કુસ્તીમાં સ્પર્ધા કરવા માટે ખુબ જ મહેનત કરી છે.