×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમદાવાદ અને દિલ્હી એરપોર્ટ પરથી રૂ. 70 કરોડનું કોકેઈન પકડાયું : ત્રણની ધરપકડ


- દિલ્હીમાં કેન્યાની મહિલા વ્હીસ્કીની બોટલમાં કોકેઈન છૂપાવીને લાવી

- અમદાવાદમાં બ્રાઝિલના યુવક પાસેથી મળેલા બ્લેક કોકેઇનને પ્રોસેસ કરીને બે બેગની લેયરમાં છુપાવવામાં આવ્યું હતું 

નવી દિલ્હી : આજે દિલ્હી અને અમદાવાદના એરપોર્ટ પરથી કોકેઈનનો મોટો જથ્થો જપ્ત કરાયો છે જેની કુલ કિંમત ૭૦ કરોડ જેટલી થાય છે. દિલ્હી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વ્હીસ્કીની બોટલોમાં ૩૮ કરોડ રૂપિયાના કોકેઇનની દાણચોરી કરવા બદલ કેન્યાની મહિલાની ધરપકડ કરવામાં આવી છેે. બીજી બાજુ અમદાવાદના એરપોર્ટ પરથી ૩૨ કરોડના બ્લેક કોકેઈન સાથે બ્રાઝિલનો નાગરિક ઝડપાયો છે.

દિલ્હીમાં મહિલાની બેગમાં ત્રણ વ્હીસ્કીની બોટલો હતી જેમાંથી કુલ ૨.૫ કીલો કોકેઇન મળી આવ્યું હતું. નૈરોબીથી આવેલી આ મહિલા કોકેઇનનો જથ્થો દિલ્હીની એક વ્યકિતને આપવા જઇ રહી હતી.

મહિલા યાત્રીની ધરપકડ કરી લેવામાં આવી છે અને ૩૮.૦૫ કરોડ રૂપિયાનું કોકેઇન જપ્ત કરી લેવામાં આવ્યું છે. આરોપીને સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી અને સ્થાનિક કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધી હતી.

બીજી બાજુ ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલીજન્સ (ડીઆરઆઇ) દ્વારા અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી  બ્રાઝિલિયન નાગરિક પાસેથી રૂપિયા ૩૨ કરોડની કિંમતના ૩.૨૨ કિલો બ્લેક કોકેઇનનો જથ્થો  જપ્ત કરવામાં આવ્યો છે. ડ્રગ્સની હેરફેરની નવી મોડ્સ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને  બ્રાઝિલિયન કેરિયરે કોકેઇનને  કેટલાંક અન્ય રસાયણો સાથે પ્રોસેસ કરીને બેગની લેયર તરીકે છુપાવીને હેરફેર કરી હતી.  ડીઆરઆઇ દ્વારા બ્લેક કોકેઇન જપ્ત થયાનો આ પ્રથમ કિસ્સો છે.   બ્રાઝિલિયન નાગરિક બ્રાઝિલના સાઉપાઉલો એરપોર્ટથી કોકેઇનનો જથ્થો લઇને આવ્યો હતો. આ અંગે ડીઆરઆઇ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ડાયેરેક્ટોરેટ ઓફ  રેવન્યુ ઇન્ટેલીજન્સના અધિકારીઓને  ચોક્કસ બાતમી મળી હતી કે બ્રાઝીલના સાઉપાઉલો એરપોર્ટથી આવેલા એક બ્રાઝિલિયન કેરિયર દ્વારા  કોકેઇનનો મોટો જથ્થો અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લાવવામાં આવી રહ્યો છે. જે બાતમીને આધારે મંગળવારથી એરપોર્ટ પર  બ્રાઝિલના સાઉપાઉલો એરપોર્ટથી આવેલા એક શંકાસ્પદ વ્યક્તિને રોકીને તપાસ કરવામાં આવી હતી. જો કે પ્રાથમિક તપાસમાં કોઇ શંકાસ્પદ ચીજવસ્તુઓ મળી નહોતી. પરંતુ, તેના પાસે રહેલી ટેલીે બેગ અને  કેબિન બેગના તળિયા અને લેયર સામાન્ય કરતા વધારે જાડુ હોવાથી  શંકાને આધારે તપાસ કરતા ૩.૨૨ કિલો  વજનનું બ્લેક કોકેઇન મળી આવ્યું હતું.  જે ચારકોલ અને અન્ય કેમીકલ સાથે ભેળવીને બેગની તળિયા અને ઉપરની લેયરમાં છુપાવવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ૧૫ જૂને પણ કસ્ટમ વિભાગના અધિકારીઓએ ૧૩ કરોડ રૂપિયાના કોકેઇનની દાણચોરી કરવા બદલ કેન્યાની અન્ય એક મહિલાની ધરપકડ કરી હતી. 

આ ઉપરાંત કસ્ટમ વિભાગના અધિકારીઓએ એરપોર્ટ પર કાર્યરત પ્રાઇવેટ એજન્સીઓના બે ગ્રાઉન્ડ સ્ટાફ સામે ૨.૪૨ કરોડ રૂપિયાના સોનાની દાણચોરીના અલગ અલગ કેસો દાખલ કર્યા છે. 

કસ્ટમ વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે એરપોર્ટ પર કાર્યરત પ્રાઇવેટ એજન્સીઓના બે ગ્રાઉન્ડ સ્ટાફ પાસેથી રૂ. ૨.૪૨ કરોડ રૂપિયાનું ૪.૬૩ કીલો સોનું મળી આવ્યું હતું.

અમદાવાદની ઘટનામાં કોકેઈન બેગના તળિયામાં છુપાવવાની નવી મોડ્સ ઓપરેન્ડી 

બ્લેક કોકેઇનને ડીઝાઇનર ડ્ગ્સ તરીકે ઓળખવામાં આવે છે અને તેને વિવિધ રસાયણો સાથે ભેળવી દેવામાં આવતા તેની હેરફેર સમયે ઓળખવું મુશ્કેલ બને છે.  તેમાં પણ બેગની તળિયા અને લેયરમાં છુપાવવાની મોડ્સ ઓપરેન્ડીથી તેને પકડવું અઘરૂ હતું અને અમદાવાદમાં ડ્રગ્સની હેરફેરની આ નવી મોડ્સ ઓપરેન્ડી બહાર આવતા ડીઆરઆઇ સહિતની એજન્સીઓના અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા.