×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચોમાસુ શરૂ થતાં જ ઝારખંડમાં આકાશી આફત શરૂ, વીજળી પડવાથી 3 દિવસમાં 20 લોકોના મોત

રાંચી, તા.21 જૂન-2023, બુધવાર

ઝારખંડમાં 19 જૂને ચોમાસાનું આગમન થઈ ગયું છે. આ સાથે જ આકાશમાંથી વીજળી પડવાની ત્રણ દિવસમાં દોઢ ડઝનથી વધુ ઘટનાઓ સામે આવી છે અને આ ઘટનામાં 20 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઝારખંડમાં વરસાદની સાથે સાથે વીજળીના કડાકાભડાકા શરૂ થયા બાદ મોટી આફત આવી છે. વીજળી પડવા મામલે ઝારખંડ દેશના તે 6 રાજ્યોમાં આવે છે, જે સૌથી વધુ સંવેદનશીલ છે. 

ઝારખંડમાં 2020-21માં વીજળી પડવાથી 322 મોત થયા હતા

હવામાન વિભાગના આંકડાઓ અનુસાર, ઝારખંડમાં ગત વર્ષ એટલે કે 2021-22માં વીજળી પડવાની 4 લાખ 39 હજાર 828 ઘટનાઓ બની છે. અગાઉ 2020-21માં રાજ્યમાં લગભગ 4 લાખ 5 હજાર વખત વિજળી ત્રાટકી હતી. 2020-21માં વીજળી પડવાથી 322 મૃત્યુ નોંધાયા હતા.

વીજળી પડવાના કારણે સૌથી વધુ ખેડૂતોના મોત

ક્લાઈમેટ રેઝિલિયન્ટ ઓબ્ઝર્વિંગ સિસ્ટમ્સ પ્રમોશન કાઉન્સિલના અહેવાલ મુજબ વીજળી પડવાથી સૌથી વધુ મોત ગ્રામીણ વિસ્તારોમાં 96 ટકા મૃત્યુ થાય હતા. અહીં વીજળી પડવાના કારણે સૌથી વધુ મોત ખેડૂતોના થાય છે. ખેડૂતો પર્વતીય અને ઉચ્ચપ્રદેશના વિસ્તારોમાં ઊંચા વૃક્ષોથી ઘેરાયેલા ખુલ્લા ખેતરોમાં કામ કરતા હોવાથી તેમને વીજળીની વધુ અસર થાય છે. ઉપરાંત વીજળીના ખતરાની એલર્ટ આપતી માહિતી પણ ખેડૂતો સુધી પહોંચતી નથી. જો કે હવામાન વિભાગ દ્વારા નિયમિતપણે એલર્ટ આપવામાં આછે, પરંતુ અહીં જાગૃતિનો અભાવ હોવાના કારણે પણ આવી ઘટનાઓ વધતી જોવા મળે છે. ઝારખંડ સરકારે વીજળીને ‘વિશિષ્ટ આપત્તિ (સ્પેસિફિક ડિઝાસ્ટર)’ જાહેર કરી છે. 2019માં રાજ્ય સરકારના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે SMS સિસ્ટમ દ્વારા લોકોને એલર્ટ કરવાની વ્યવસ્થા કરી હતી, પરંતુ આ સિસ્ટમ બહુ અસરકારક સાબિત થઈ નથી.

દેશમાં મધ્યપ્રદેશમાં પડે છે સૌથી વધુ વીજળી

આંકડા મુજબ સમગ્ર દેશમાં સૌથી વધુ વીજળી મધ્યપ્રદેશમાં પડે છે. ગયા વર્ષે સાડા છ લાખથી વધુ વીજળી પડવાની ઘટનાઓ બની હતી, જ્યારે છત્તીસગઢમાં લગભગ 5.7 લાખ, મહારાષ્ટ્રમાં 5.4 લાખ, ઓડિશામાં 5.3 લાખ અને પશ્ચિમ બંગાળમાં 5.1 લાખથી વધુ વીજળી પડવાની ઘટનાઓ નોંધાઈ હતી. મે અને જૂન મહિનામાં વીજળી પડવાની સૌથી વધુ ઘટનાઓ જોવા મળે છે. છેલ્લા 11 વર્ષમાં અહીં વીજળી પડવાથી 2000થી વધુ લોકોના મોત થયા છે. 2017માં વીજળી પડવાથી મૃત્યુઆંક 300 નોંધાયો હતો. તેવી જ રીતે, 2016માં 270 અને 2018માં 277 મૃત્યુ થયા હતા.